The Geeta (Part 2)

૨૦. પરમાત્માનાં સાકાર સ્વરૂપો

શ્રીકૃષ્ણ ભગવાન સ્વયં ગીતાજીના ઉદગાતા છે. તેમના અદભુત સાકાર સ્વરૂપથી આપણે પરિચિત છીએ. શ્રીમદ્ ભાગવત, હરિવંશ, મહાભારત વગેરેમાં તેમના કલ્પનાતીત સૌંદર્ય, અપ્રતિમ શૌર્ય, અઢળક સંપત્તિ, પરમ ઔદાર્ય, અદભુત જ્ઞાન, અને ગજબ શાણપણની અનેક વાતો લખેલી છે. દુનિયાના બધાં સાહિત્યમાં ક્યાંય આવું અનેરું વ્યક્તિત્વ ધરાવતી અન્ય કોઈ વ્યક્તિનું વર્ણન નથી. આવી વિરલ વ્યક્તિ બીજી કોઈ થઈ નથી અને થશે નહીં. વળી એ અપ્રતિમ, અનુપમ અને અવર્ણનીય, સુમધુર શ્રીકૃષ્ણનું વર્ણન કરતાં કરતાં કવિઓ અને વિદ્વાનો પણ થાકી જાય છે. હજારો વર્ષ પછી પણ એ નામનું માધુર્ય અમર છે. શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ તો કહી દીધું કે ‘‘મધુરાધિપતે અખિલં મધુરમ્.’’
મહાભારતના વર્ણન પ્રમાણે ‘‘શ્રીકૃષ્ણ’’ સર્વ શક્તિમાન છે કેમ કે દ્રૌપદીના વસ્ત્રહરણના અશોભનીય પ્રસંગે, ખુદ ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણ કે પાંચ પાંડવો તેમને બચાવી ન શક્યા ત્યારે પોતાની શીલરક્ષા કરવા દ્રૌપદીએ સ્મરણ કરી મદદ માટે બોલાવતાં શ્રીકૃષ્ણે જ તેમની લાજ બચાવી હતી. અશ્વત્થામાએ પાંડવોના વંશનો નાશ કરવા બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો, પરિણામે ઉત્તરાના ગર્ભમાં રહેલો બાળક મૃત પુત્રરૂપે જન્મ્યો, ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું ‘‘જો મેં જીવન પર્યંત સત્યનું જ આચરણ કર્યું હોય તો આ મૃત બાળક સજીવન થાઓ.’’ કુદરતના નિયમ વિરુદ્ધ એ મૃત બાળક સજીવન થયો. આમ શ્રીકૃષ્ણ પરમ સત્યવાદી હતા એ પુરવાર થયું. એ નિષ્કલંક, પરમ તત્ત્વનું વર્ણન શક્ય નથી.
‘‘શ્રીકૃષ્ણ’’નું જ બીજું સ્વરૂપ એટલે ‘‘રાધા’’. રાધાનું વર્ણન કરતાં કરતાં પણ વિદ્વાનો થાકી જાય છે. સામાન્ય રીતે રાધા અદભુત, અનુપમ અને અત્યંત સુમધુર લાવણ્ય ધરાવતી કન્યા એમ આપણે માનીએ છીએ, પણ રાધા એ કોઈ વ્યક્તિનું નામ નથી. રાધા એટલે કલ્પનાતીત, વાસનાવિહીન, અલૌકિક, પરમ વિશુદ્ધ પ્રેમ. એ પરમાત્માનું જ પરમ પ્રેમ સ્વરૂપ છે. એટલે જ એને પરમાત્માની પડખે સ્થાન મળ્યું છે. આપણા સીમિત જ્ઞાન અને ફક્ત લૌકિક પ્રેમની સમજણને કારણે અલૌકિક પ્રેમ શું કહેવાય એ જ ખબર ન હોય ત્યારે રાધાને આપણે ક્યાંથી ઓળખી શકીએ ? પરમ નિષ્કામ એટલે કે નિઃસ્વાર્થ પ્રેમ હોય તો જ શ્રીકૃષ્ણ મળે. રાધાની આંખ વિના એટલે કે આવા પ્રેમ વિના, શ્રીકૃષ્ણ દર્શન શક્ય નથી.
મુંબઈમાં આપણા ત્રણ વિદ્વાનો, શ્રી હરીન્દ્રભાઈ દવે, શ્રી ગુણવંતભાઈ શાહ અને શ્રી સુરેશભાઈ દલાલનું ‘‘શ્રીકૃષ્ણ મારી દ્રષ્ટિએ’’ એ વિષય પર એક સાંજે પ્રવચન યોજાયેલું. સંકલનકાર સજ્જન શ્રી વિનુભાઈ મહેતાએ અત્યંત સુંદર શબ્દોમાં લખ્યું છેઃ ‘‘રાધાની આંખ ઉછીની લઈને હું એ શ્રીકૃષ્ણ સંધ્યાની રાહ જોતો હતો.’’ પ્રવચન દરમિયાન શ્રી ગુણવંતભાઈ શાહે રાધાને અદભુત શીતલ, મધુર જળ સાથે સરખાવેલી છે. અત્યંત તરસ્યા માનવીને જ એ જળની મધુરતા સમજાય. એનું વર્ણન ન થઈ શકે.
મોરપીંછની અનુપમ સુંદરતા આપણે સૌએ જોઈ છે. મનમોહક સૂરોથી ગુંજતી વાંસળીના અદભુત સૂર પણ આપણે સાંભળ્યા છે. ગુલાબની મધુર સુગંધથી આપણે પરિચિત છીએ. રાધા એટલે સૌંદર્યભર્યું મોરપીંછ. રાધા એટલે વાંસળીના કર્ણપ્રિય સૂર. રાધા એટલે સુગંધથી છલકાતું ગુલાબ. મોરપીંછ અને વાંસળી વિના શ્રીકૃષ્ણનું ચિત્ર અધૂરું ગણાય. શ્રીકૃષ્ણ અને રાધા ક્યારેય અલગ હોઈ જ ન શકે. ગુલાબની સુગંધની જેમ એ બંને અદ્રશ્ય છે તો પણ યુગો વીતી જવા છતાં એમનું અસ્તિત્વ અમર છે.
ગીતાજીમાં શ્રીકૃષ્ણ ભગવાને ૧૦મા અધ્યાય વિભૂતિયોગમાં પોતાની વિભૂતિઓનું વર્ણન કરતાં કહ્યું છેઃ ‘‘રુદ્રોમાં શંકર હું છું.’’ આમ શ્રીકૃષ્ણ અને શંકર બંને એક જ પરમ તત્ત્વ છે. દેવાધિદેવ મહાદેવ પરમ કલ્યાણકારી છે.
પલક વારમાં દેવોને પણ અઢળક સંપત્તિ આપવાની ક્ષમતા હોવા છતાં પોતે પરમ તપસ્વી તરીકે, વ્યાઘ્રચર્મ ધારણ કરે છે. ચિતાભસ્મ ધારણ કરે છે. તેમને ગળે સર્પ વીંટળાયેલો છે. જગતની રક્ષા માટે કાતિલ ઝેર પીવાથી તેઓ નીલકંઠ કહેવાય છે. જેમને કોઈ ન સ્વીકારે તેમને મહાદેવજી સ્વીકારે છે. તમામ અમંગળ વસ્તુઓ તેમની પાસે રહે છે. મહાકાળ સ્વરૂપ હોવાથી તેઓ ખોપરીની માળા પહેરે છે. ભૂત, પલિત તેમની પાસે રહે છે તેવું મનાય છે. અનેક અમંગળ વસ્તુઓ તેમની પાસે હોવા છતાં તેઓ પરમ મંગલકારી છે. પરમ પવિત્ર મા ગંગામૈયા તેમની જટામાંથી વહે છે. શીતલ કિરણ ફેલાવતી બીજરેખા તેમના મસ્તક પર શોભે છે. ઝટ પ્રસન્ન થતા હોવાથી આશુતોષ કહેવાય છે. આસુરી શક્તિઓ માટે તેઓ વિનાશકારી મહારુદ્ર કહેવાય છે. આમ એક જ તત્ત્વમાં મંગલકારી અને વિનાશકારી બે અદભુત શક્તિઓનો સમન્વય ધરાવતું, એ ભગવાન શ્રીકૃષ્ણનું જ સ્વરૂપ છે.
જગતજનની મા પાર્વતી તેમનું અર્ધું અંગ છે. તેઓ અંબા, જગદંબા, બહુચરા, મહાકાળી વગેરે અનેક નામોથી પૂજાય છે. તેઓ મા શક્તિનું સ્વરૂપ હોવાથી વાઘેશ્વરી તેમ જ સિંહવાહિની રૂપે પણ પૂજાય છે. શુંભ, નિશુંભ, મહિષાસુર વગેરે અનેક દૈત્યોને તેમણે હણ્યા છે તેથી ચંડી તેમ જ કાલિકાના રૌદ્ર રૂપે પણ પૂજાય છે. પોતાનાં સંતાનોની રક્ષા માટે અસુરો સામે લડનાર માના પવિત્ર સ્વરૂપે પૂજાય છે.
ગીતાજીમાં શ્રીકૃષ્ણ ભગવાને ૧૦મા અધ્યાય વિભૂતિયોગમાં એમ પણ કહ્યું છે કે ‘‘શસ્ત્રધારીઓમાં રામ હું છું.’’ એટલે કે શ્રીકૃષ્ણ, મહાદેવજી અને શ્રીરામ ત્રણે એક જ પરમ તત્ત્વ છે. ફક્ત સ્વરૂપ જ જુદાં છે. શ્રીરામને પોતે જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ તેમ જ લોકપ્રિય હોવા છતાં રાજ્યાભિષેકને દિવસે જ માતાપિતા તરફથી ચૌદ વર્ષનો વનવાસ મળ્યો. પોતે નિર્દોષ હોવા છતાં આમ કેમ, એમ તેમણે વિરોધ ન કર્યો. પરિસ્થિતિના અણધાર્યા પલટાને તેમણે ખૂબ જ સહજતાથી નિષ્કામ ભાવે સ્વીકારી લીધો. ભગવાન શ્રીરામે સ્થિતપ્રજ્ઞતાનું આચરણ કર્યું. ગીતાજીમાં નિષ્કામ ભાવ અને સ્થિતપ્રજ્ઞતા ઉપર શ્રીકૃષ્ણ ભગવાને ખૂબ જ ભાર દીધો છે. શ્રીરામ પરમ આદર્શવાદી હતા. મંગલકારી અને સંહારક બંને શક્તિઓનો તેમના જીવનમાં પણ અદભુત સમન્વય હતો. ‘‘રામાયણ’’ ને હિંદુ ધર્મનો આદર્શ ગ્રંથ માનવામાં આવે છે.
‘‘રામાયણનાં પાત્રો’’ નામના પુસ્તકમાં શ્રી પાંડુરંગ આઠવલેએ સીતાજી માટે ગજબ લખ્યું છે. ધરતીમાંથી કોઈ જન્મતું નથી તો પછી વિદ્વાન વાલ્મીકિ મુનિએ સીતાજી ધરતીમાંથી જન્મ્યાં એવી કલ્પના કેમ કરી હશે ? તેમની વાત બહુ સરસ છે. ભગવાન શ્રીરામ જેવું પરમ આદર્શ પુરુષરત્ન માને પેટે જન્મી શકે એ સંભવ છે, પરંતુ સીતામાતા જેવું પરમ નારીરત્ન માને પેટે જન્મી જ ન શકે એ અસંભવ છે. એટલે જ તેઓ મા ધરતીમાંથી જન્મ્યાં હતાં એવી કલ્પના કરેલી છે.
આમ પરમાત્માનાં તમામ સાકાર સ્વરૂપો બહુ જ અદભુત છે. ગમે તે સ્વરૂપનું ધ્યાન આપણા જીવનને મંગળમય બનાવવા સમર્થ છે. સામાન્ય રીતે આપણને સૌને આપણા મનની એકાગ્રતા કેળવવા માટે કોઈ ચોક્કસ આકારની જરૂર પડે છે. એટલે સાકાર સ્વરૂપનું મહત્વ છે. કોઈ સ્વરૂપ નાનું કે મોટું નથી. કોઈનું મહત્વ વધુ કે ઓછું નથી. ક્યું સ્વરૂપ શ્રેષ્ઠ, એવી ચર્ચા તદ્દન બિનજરૂરી છે. રુચિભેદને કારણે સૌને અલગ અલગ સ્વરૂપ ગમતાં હોય છે. પરમાત્માના સ્વરૂપ વિષેની ચર્ચા નિરર્થક છે. તેના કરતાં પરમાત્માનું શરણ સૌથી વધુ મહત્વનું છે.
પોતાને ગમતા પરમાત્માના કોઈ પણ સ્વરૂપની અથવા મા શક્તિના કોઈ પણ સ્વરૂપની આરાધના સાચા દિલથી કરીએ તો એ પરમ શાંતિ આપે છે.

૨૧. પરમાત્માનાં નિરાકાર સ્વરૂપો

શ્રીકૃષ્ણ ભગવાને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પોતાનાં સાકાર અને નિરાકાર બંને સ્વરૂપની ચર્ચા કરી છે એટલે પરમાત્મા સાકાર છે કે નિરાકાર ? એ પ્રશ્ન જ રહેતો નથી. જુદા જુદા ધર્મો, પરમાત્માનાં જુદાં જુદાં રૂપને માને છે. કોઈ ફક્ત સાકાર ને જ માને છે. કોઈ ફક્ત નિરાકારને જ માને છે. કોઈ બંનેને માને છે. રુચિભેદને લીધે જેને જે સ્વરૂપ ગમે તેને ભજે તેમાં કોઈ વાંધો ન હોવો જોઈએ.
 ધર્મને સમજ્યા વિના અન્ય ધર્મની નિંદા કરવાનો આપણને કોઈ અધિકાર નથી, પરંતુ કમનસીબે આપણને બીજાની નિંદા કરવામાં ખૂબ રસ પડે છે. એટલું જ નહીં, પણ આવા મતમતાંતર કોમી રમખાણો માટે કારણરૂપ બને અને અનેક નિર્દોષ લોકો આવી કોમી હિંસામાં પોતાના જાન ગુમાવે એને તો આપણી બેવકૂફી જ કહી શકાય.
હિંદુ લોકો મૂર્તિપૂજામાં માને છે. કરોડો લોકો દેવાધિદેવ મહાદેવજીના શિવલિંગની ભક્તિભાવે પૂજા કરે છે. કરોડો લોકો શ્રીરામ, શ્રીકૃષ્ણ અને અંબાજી, દુર્ગા, ગાયત્રી, લક્ષ્મી એવાં અનેક જુદાં જુદાં સ્વરૂપે માતાજીની પૂજા કરે છે. મુસ્લિમ ધર્મ પરમાત્માના નિરાકાર સ્વરૂપને માને છે. એટલે તેઓ મૂર્તિપૂજાના સખ્ત વિરોધી છે. ધર્મઝનૂનને કારણે જ મહંમદ ગઝનીએ સોમનાથ મહાદેવના મંદિર પર સત્તરવાર હુમલા કર્યા, એટલું જ નહીં પણ શિવલિંગના ટુકડા પણ કર્યા. એ ઇતિહાસમાં નોંધાયેલી સત્ય હકીકત છે. એને પાગલપન જ કહી શકાય. બાદશાહ બાબરે રામમંદિર તોડીને બાબરી મસ્જિદ બનાવી, હિંદુઓએ એ મસ્જિદ તોડી અને હવે ત્યાં ફરીથી રામમંદિર બનાવવા પ્રયત્ન થાય છે.
આ પણ કટ્ટરવાદીઓનું પાગલપન જ છે. આપણે એકબીજાના ધર્મને માન આપતાં ક્યારે શીખશું ? બંને ધર્મના સજ્જનો, પરસ્પર ચર્ચા કરીને કોઈની ધાર્મિક લાગણી ન દુભાય તેવો ઉકેલ લાવી ન શકે ? ધર્મનો સાચો અર્થ છે, બીજાને ઉપયોગી થવું. આ સાદી સરળ વ્યાખ્યા આપણને કેમ સમજાતી નહીં હોય ? ધર્મ એટલે જ પરસ્પર પ્રેમ અને સહકાર. જે નફરત અને તિરસ્કારથી ભરેલો હોય એને ધર્મ કહેવાય જ નહીં. આટલી સાદી સમજ આપણને ક્યારે આવશે ? જે લોકો સાચા ધર્મને સમજતા નથી તેઓ જ ધર્મને નામે લોહી વહાવે છે.
હિંદુ ધર્મ અને વેદોના પ્રખર પ્રચારક સ્વામી શ્રી દયાનંદ સરસ્વતીજી બાળક હતા ત્યારે શિવરાત્રીની રાત્રે પૂજા સમયે, તેમણે ઉંદરને ચોખા ખાવા માટે, શિવલિંગ ઉપર ફરતો જોયો. આથી મૂર્તિપૂજા ઉપરથી તેમની શ્રદ્ધા ઊઠી ગઈ, પરંતુ ઈશ્વરના અસ્તિત્વને તેઓ માનતા હતા. તેથી તેમણે પરમાત્માના નિરાકાર સ્વરૂપની સાધના કરવા પર ભાર મૂક્યો. પોતાની વાતનું આંધળું અનુકરણ કરવા તેમણે કહ્યું નથી.
એક દિવસ તેઓ હિમાલયની ગોદમાં, મા ગંગામૈયાના કિનારે પરમાત્માનું ધ્યાન કરતા હતા. પાણીમાં કંઈક અવાજ થતાં તેમની આંખ ખુલી ગઈ. એક બહેને અશ્રુભીની આંખે, પોતાના મૃત બાળકના શબને ગંગાજીમાં પધરાવી દઈ, તેના પરનું વસ્ત્ર પાછું લઈ લીધું. સ્વામીજીએ કારણ પૂછતાં બહેને કહ્યું : ‘‘શું કરું ? મારી પાસે બીજું વસ્ત્ર નથી.’’ સ્વામીજીનું હૃદય ખળભળી ઊઠ્યું. પોતે તો સંન્યાસી હતા. તેમની પાસે પણ બીજું વસ્ત્ર ન હતું એટલે મદદ કરી શકે તેમ ન હતા. પોતાના આત્માની ઉન્નતિ માટે તપ કરવા કરતાં ગરીબોને ઉપયોગી થવાની શુભ ભાવનાથી તેમણે તપ છોડ્યું. ગામેગામ ફરીને રાજામહારાજાઓને મળીને, અંગત મોજશોખમાં નાણાં ખર્ચવાને બદલે જનતાને સુખી કરવા પ્રેરણા આપી. સ્વકલ્યાણ નહીં પણ સમાજકલ્યાણને વધુ મહત્વ આપી, તપ છોડનાર એ મહાનુભાવ ધર્મનો અને ગીતાજીનો સાચો અર્થ સમજતા હતા.
ધર્મ વાદવિવાદ માટે નથી. એકબીજાને પરેશાન કરવા માટે નથી. તેમ છતાં અનેક વિદ્વાનો, પોતાનો અહંકાર સંતોષવા, ઈશ્વરનું સાકાર સ્વરૂપ છે કે નિરાકાર સ્વરૂપ છે એની મિથ્યા ચર્ચામાં અટવાય છે. આ પ્રશ્નનો જવાબ ખુદ ઈશ્વરે જ બહુ સરસ રીતે આપેલો છે.
શ્રીકૃષ્ણ, શ્રીરામ, મહાદેવજી વગેરે એક જ પરમ તત્ત્વનાં જુદાં જુદાં સ્વરૂપો છે. એ તો ગીતાજીમાં વિભૂતિયોગ નામના ૧૦મા અધ્યાયમાં સ્પષ્ટ છે. આ બધાં સાકાર સ્વરૂપ છે.
પરમાત્માના નિરાકાર સ્વરુપ વિષે, આ જ અધ્યાયમાં  શ્લોક નંબર -25માં  કહ્યું છે કે " गिराम् अस्मि एकम् अक्षरम् " વાણીમાં એક અક્ષર () હું છું. નિરાકાર છે. તેનું ઉચ્ચારણ મનને કેટલી શાંતિ આપે છે તે અનુભવવા જેવું છે. ધ્યાનને સમયે શ્વાસની ગતિને ધીમે ધીમે ઓછી કરીને એટલે કે ઉંડા શ્વાસ લઈને परम शांति, परम शांति, એમ મનમાં બોલવાથી મન જલ્દી શાંત થાય છે. આ જ અધ્યાયમાં પરમાત્માએ કહ્યું છે કે સૂર્ય, પવન અને ચંદ્ર હું છું (શ્લોક નં.-21), અગ્નિ હું છું (શ્લોક નં.- 23), સાગર હું છું (શ્લોક નં-24), હિમાલય હું છું (શ્લોક નં.-25), જાહ્નવી એટલે કે ગંગાજી હું છું (શ્લોક નં.-31). સ્થાવર જંગમમાં એવો કોઈ પણ પદાર્થ નથી જે મારા વિનાનો હોય. (શ્લોક નં.-39) આમ પવન, અગ્નિ, પાણી એ બધાં પરમાત્માનાં નિરાકાર સ્વરુપો છે.
ગીતાજીના પુરુષોત્તમ યોગ નામના ૧૫મા અધ્યાયમાં શ્લોક નં.૧૨માં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે :
‘‘યદાદિત્ય ગતં તેજો જગત ભાસયતેખિલં,
યચ્ચંદ્રમસિ યચ્ચાગ્નૌ, તત્ તેજો વિદ્ધિ મામકમ્.’’ (ગીતા 15 - 12)
‘‘આખા જગતને અજવાળનાર જે તેજ, સૂર્યમાં રહેલું છે અને જે તેજ ચંદ્ર તથા અગ્નિમાં રહેલું છે તે તેજ મારું છે.’’ આ ઈશ્વરનું નિરાકાર સ્વરૂપ છે.
તેજનો કોઈ ચોક્કસ આકાર હોતો નથી. એ સંપૂર્ણ નિરાકાર છે. એવી જ રીતે પાણી, પવન, અગ્નિ બધાં પરમાત્માનાં નિરાકાર સ્વરૂપો છે. પરમાત્મા સર્વવ્યાપી છે એટલે તમામ આકારવાળી કે આકાર વગરની વસ્તુઓમાં પરમાત્મા છે જ. તમામ જડ કે ચેતનવાળી વસ્તુઓમાં પરમાત્મા છે જ. ફૂલોની સુગંધને આપણે સ્પર્શી શકતા નથી. આપણે કોઈ, આંગળી મૂકીને સુગંધને બતાવી શકતા નથી. ફૂલની કોઈ ચોક્કસ પાંખડીમાં, ચોક્કસ જગ્યાએ સુગંધ છુપાયેલી છે એમ પણ ન કહી શકાય. અદભુત સુગંધ તો ફૂલની પાંખડીના કણેકણમાં સમાન રૂપે વ્યાપેલી છે. એની સુમધુરતા અનુભવી શકાય, વર્ણવી ન શકાય. આમ અદભુત સુગંધ એ પરમાત્માનું નિરાકાર સ્વરૂપ છે.
એવી જ રીતે પરમાત્મા સંપૂર્ણ જગતમાં, દરેકેદરેક વસ્તુમાં સમાન રૂપે રહેલા છે. એ સાકાર છે કે નિરાકાર છે એવી નિરર્થક ચર્ચા કરવાને બદલે એનું અસ્તિત્વ પ્રેમથી સ્વીકારીને એનો અનુભવ કરવા પ્રયત્ન કરીએ એ વધુ જરુરી છે. નિરાકાર છે. એનું ઉચ્ચારણ મનને કેટલી બધી શાંતિ આપે છે એ અનુભવવા જેવું છે. ધ્યાન દરમિયાન શ્વાસની ગતિ ધીમે ધીમે ઘટાડીને એટલે કે ઊંડા શ્વાસ લઈને ૐ પરમ શાંતિ, ૐ પરમ શાંતિ એમ મનમાં બોલીએ તો મન જલદી શાંત થાય છે. સત્ય પણ પરમાત્માનું નિરાકાર સ્વરૂપ છે. સંગીતના કર્ણપ્રિય મીઠા સૂર પણ પરમાત્માનું જ નિરાકાર સ્વરૂપ છે. સંગીતની સાધના પરમેશ્વરને પામવામાં સહાય કરે છે.
ભક્ત પ્રહલાદની કથા બહુ ગજબ છે. તેમના પિતાને પ્રભુનું નામ ન ગમતું. બાળક પ્રહલાદને પ્રભુના નામ સિવાય કાંઈ ન ગમતું. ‘‘પ્રભુ ક્યાં છે ?’’ એમ પૂછતાં એમણે કહ્યું કે ‘‘એ તો બધે જ છે.’’ ‘‘આ જડ થાંભલામાં પણ છે ?’’ એમ પૂછતાં તેમણે હા પાડી. ધાતુના થાંભલાને ખૂબ ગરમ કરી તેને બાથ ભીડવા પ્રહલાદને કહ્યું. કોઈ ખચકાટ વિના તેમણે થાંભલાને બાથ ભીડી. એ કથા આપણે સહુ જાણીએ છીએ.
પુરાણ કથાઓ આપણે કદાચ ન માનીએ, પણ થોડા સમય પહેલાં જ મહારાષ્ટ્રમાં જ એક અસામાન્ય ભક્ત થઈ ગયા. ભક્ત નામદેવજી ભાખરી બનાવતા હતા. અચાનક એક કૂતરું એક ભાખરી લઈને ભાગ્યું. આપણે તો કૂતરાને મારવા લાકડી લઈને જ દોડીએ, પરંતુ નામદેવજી ઘીની વાટકી લઈને દોડ્યા. કહેવા લાગ્યા, ‘‘ભગવાન ! કોરી ભાખરી ખાશો નહીં, તમારું ગળું છોલાશે. હું ઘી લગાવી દઉં, પછી ભાખરી ખાજો.’’ આવા અસાધારણ માનવીને આપણો સમાજ પાગલ તરીકે ઓળખતો હશે, પણ બધે જ પરમાત્માનાં દર્શન કરનાર આવા પાગલ માનવી જ પરમાત્માનાં દર્શન પામી શકે છે. એ નિર્વિવાદ છે.
સામાન્ય રીતે એવી માન્યતા છે કે ધ્યાન દરમિયાન પ્રકાશ દેખાય છે. લાંબા સમયથી ઊંડી સમાધિમાં રહેતા સંતમહાત્માઓને આવો અનુભવ થતો હશે, પરંતુ સામાન્ય માનવીને આવો અનુભવ થતો નથી. હમણાં એક મહાત્માએ તેમના પ્રવચન દરમિયાન બહુ સરસ વાત કરી કે ધ્યાન દરમિયાન પ્રકાશ દેખાય કે અંધકાર દેખાય, તેની ચિંતા કર્યા વિના ધ્યાન ચાલુ રાખો. કોઈ સાકાર સ્વરૂપની છબી સામે રાખ્યા વિના ધ્યાન કરશો તો પણ મન ધીમે ધીમે શાંત થશે.

૨૨. વિશ્વરૂપ દર્શન

શ્રીકૃષ્ણ ભગવાને પોતાના પ્રિય મિત્ર અને પરમ ભક્ત એવા અર્જુનને ‘‘વિશ્વરૂપ દર્શન’’ રાવ્યું, તેનું બહુ સરસ વર્ણન શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના ૧૧મા અધ્યાયમાં છે. ૧૦મા અધ્યાયમાં ભગવાને પોતાની અનેક દિવ્ય વિભૂતિઓનું વર્ણન કર્યું, એટલે આ તમામ વિભૂતિઓ સહિત પરમાત્માનાં દર્શન કરવાની અર્જુનને ઇચ્છા થઈ. તેણે કહ્યું : ‘‘પ્રભુ ! આપ સચરાચર જગતમાં વ્યાપેલા છો અને એ બધું આપનામાં સમાયેલું છે એ વાત સત્ય છે, પરંતુ જો શક્ય હોય તો મારે આપના એ અદભુત સ્વરૂપનાં દર્શન કરવાં છે.’’
પરમાત્માએ પ્રસન્ન થઈને કહ્યું : ‘‘હે અર્જુન ! દેવ, દાનવ કે માનવ, કોઈએ હજી સુધી મારા એ દિવ્ય સ્વરૂપને જોયું નથી. સામાન્ય આંખોથી એ જોઈ શકાય તેવું નથી. તું મારો પરમ ભક્ત છે એટલે તને હું દિવ્ય નેત્રો આપું છું. તેનાથી તું મારા વિશ્વરૂપનાં દર્શન કરી શકીશ. એ રૂપમાં તું સચરાચર જગત મારા સ્વરૂપમાં સમાયેલું છે એ જોઈ શકીશ.’’
પરમાત્માએ પરમ ઐશ્વર્યોવાળું પોતાનું અદભુત દર્શન કરાવ્યું ત્યારે આકાશમાં એકસાથે હજારો સૂર્ય ઊગવાથી જે તેજ થાય એનાથી પણ વિશેષ તેજ પ્રગટ થયું. એ રૂપ અનેક મુખવાળું, અનેક નેત્રોવાળું, અનેક અદભુત દેખાવવાળું, અનેક દિવ્ય આભૂષણોવાળું અને અનેક અલૌકિક શસ્ત્રોને હાથમાં ધારણ કરેલું, દિવ્ય માળાઓ અને વસ્ત્રો પહેરેલું, દિવ્ય ચંદનથી અર્ચાયેલું, સર્વ પ્રકારનાં આશ્ચર્યોથી ભરેલું, અંતરહિત, સર્વ તરફ મુખવાળું પ્રકાશિત હતું. પાંડુપુત્ર અર્જુને તે વખતે જુદા જુદા અનેક પ્રકારોથી વિભક્ત થયેલું સંપૂર્ણ જગત, દેવોના દેવ શ્રીકૃષ્ણના શરીરમાં એકરૂપે રહેલું જોયું.
શ્રીકૃષ્ણ ભગવાનના જીવનકાળ દરમિયાન ત્રણ વાર અદભુત દર્શનની વાત છે. બાળપણમાં એક વાર રમતાં રમતાં તેમણે માટી ખાધી. મોટા ભાઈ બલરામ જોઈ ગયા. બાળસહજ સ્વભાવ અનુસાર તેમણે મા યશોદાજીને ચાડી ખાધી. માએ શ્રીકૃષ્ણને મોઢું ખોલવા કહ્યું. પહેલાં તો બાળસહજ, શ્રીકૃષ્ણે આનાકાની કરી. મેં માટી ખાધી જ નથી, તેવું ભારપૂર્વક કહ્યું. તેમ છતાં સોટી મારવાની બીક બતાવી માએ પરાણે મોઢું ખોલાવતાં, તેમણે બાળ કનૈયાના મુખમાં, માટીને બદલે, સૂર્ય, ચંદ્ર, તારા સહિત અખિલ બ્રહ્માંડ જોયું. પોતાનો બાળક તો પરમાત્મા છે એ વિચારે મા યશોદા અવાક્ થઈ ગયાં. પરમાત્માએ તરત જ માને વિસ્મૃતિ આપતાં, તેઓ એ વાત ભૂલીને પોતાના વહાલસોયા બાળકને ગોદમાં લઈ રમાડવા લાગ્યાં.
પાંડવો શરત અનુસાર, તેર વર્ષ વનવાસ ભોગવી પાછા આવ્યા ત્યારે તેમણે તેમનો રાજભાગ પાછો માગ્યો, પરંતુ કૌરવોએ તે ન સ્વીકારતાં મહાભારત યુદ્ધની ભયાનક શક્યતા ઊભી થઈ. યુદ્ધ નિવારવા માટે શ્રીકૃષ્ણ ભગવાને પોતે કૌરવોને સમજાવવા શાંતિદૂત તરીકે જવાનું સ્વીકાર્યું. યુદ્ધથી થનારા સંભવિત વિનાશ માટે સમજાવવા છતાં અને પાંડવોને તેમના હક્ક જેટલો નહીં તો થોડોક રાજભાગ આપવા સમજાવ્યા, પણ દુર્યોધને તે વાત ન સ્વીકારી. એટલું જ નહીં પણ ભીષ્મ પિતામહની સ્પષ્ટ ના છતાં, અવિચારી દુર્યોધને શ્રીકૃષ્ણને કેદ કરવા સૈનિકોને આદેશ આપવાની ધૃષ્ટતા કરી. પોતાને કેદ કરવાનો પ્રયત્ન કરી જોવા, પડકાર રૂપે શ્રીકૃષ્ણ ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. આખી સભા શેહ ખાઈ ગઈ.
અંતે મહાભારત યુદ્ધ માટે કૌરવો અને પાંડવોની સેનાઓ સામસામે ગોઠવાઈ. સ્વજનોને હણીને રાજ્ય પ્રાપ્ત કરવાનું અર્જુનને અયોગ્ય લાગતાં, વિષાદને કારણે તેણે યુદ્ધ ન કરવાનું વિચાર્યું. સ્વજનોનો મોહ તજીને, પોતાની ફરજ રૂપે, યુદ્ધ કરવા શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને સમજાવ્યું. આ સંવાદ ‘‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’’ તરીકે સુપ્રસિદ્ધ છે. આ સંવાદ દરમિયાન પરમાત્માના ‘‘એક છતાં અનંત’’ સ્વરૂપ વિષે જે વાત થઈ તે વિભૂતિયોગ. એ વિભૂતિઓનું સાક્ષાત્ દર્શન એટલે ‘‘વિશ્વરૂપ દર્શન’’.
પરમાત્માના મૂળ સ્વરૂપને જાણવાની ઇચ્છાથી અર્જુને પૂછ્યું : ‘‘હે પ્રભુ ! ઉગ્ર રૂપવાળા આપ કોણ છો ?’’ ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું : ‘‘હું મહાકાળ છું.’’ દર્શનના વર્ણન અનુસાર આ રૂપ અત્યંત ભયાનક હતું. ગીતાજીના અધ્યાય નં.૧૧ના શ્લોક નં.૨૫થી ૩૦માં આ ભયાનક સ્વરૂપનું વર્ણન છે. અર્જુને કહ્યું: ‘‘વિકરાળ દાઢો અને પ્રલયકાળના અગ્નિ જેવું આપનું મુખ છે. રાજાઓનો સમૂહ, ધૃતરાષ્ટ્રના બધા પુત્રો, ભીષ્મ, દ્રોણ, કર્ણ અને અમારા પક્ષના અગ્રણી યોદ્ધાઓ વિકરાળ દાઢોવાળા આપનાં ભયાનક મુખોમાં ઉતાવળા પ્રવેશી રહ્યા છે ને તેઓમાં કેટલાક ચૂર્ણ થઈ ગયેલાં મસ્તકો સાથે દાંતના મધ્ય ભાગોમાં વળગેલા દેખાય છે.’’ ખુદ અર્જુન શૂરવીર હોવા છતાં ભયભીત થઈ ગયેલા, અને સૌમ્ય રૂપ દર્શાવવા પ્રભુને વિનંતી કરવા લાગેલા.
આ અતિ અલૌકિક, અદભુત અને અત્યંત આશ્ચર્યકારક દર્શન આપણા માટે તો શક્ય જ નથી. એટલે આપણે તો તેના વર્ણનથી જ સંતોષ માનવો પડે. સામાન્ય મૃત્યુના દર્શનથી આપણે તો ભયભીત અને આકુળવ્યાકુળ થઈ જઈએ છીએ તો સાક્ષાત્ મહાકાળનાં દર્શન આપણને થથરાવી જ મૂકે ને !.
આપણે માટે તો દર્શનનો સીધોસાદો અર્થ, - મંદિરે જવું, પ્રભુની મૂર્તિનાં દર્શન કરવાં, આવડે એવી કાંઈક સ્તુતિ બોલવી, કાંઈક ને કાંઈક માગવું, પછી ઘેર જવું. આપણાં મંદિરો ભીડથી ઊભરાતાં હોય છે, એટલે આપણને સૌને દર્શનની ખૂબ તાલાવેલી હોય છે એ નિર્વિવાદ છે, પણ હૈયેહૈયું દળાય એવી ભીડમાં શાંતિથી પ્રભુનાં દર્શન થઈ શકે ખરાં ? થોડીક ક્ષણ પણ મન પ્રભુમય થઈ જાય, મન આનંદથી છલકાઈ જાય તો મંદિરે જવાનો પરિશ્રમ સફળ ગણાય. પરમાત્માના સુંદર સ્વરૂપ કરતાં, સામાન્ય રીતે પરમાત્માએ ધારણ કરેલા વાઘાની ચમકદમક, કીમતી આભૂષણો, આરસનું મંદિર, એ બધાં આપણું સવિશેષ ધ્યાન ખેંચે છે.
મંદિરની બહાર નીકળતાં આપણે એ બધાંની ચર્ચા કરીએ છીએ. એટલે તો લોકોને આકર્ષવા જુદા જુદા ઉત્સવ નિમિત્તે મંદિરને જુદી જુદી રીતે શણગારવામાં આવે છે. ઘણી વાર ભવ્ય રોશની કરવામાં આવે છે. હીંડોળાનાં દર્શનના ઉત્સવ દરમિયાન અનાજ, કઠોળ, શાકભાજી, ઘડિયાળ એમ અનેક ચીજ વસ્તુઓથી હીંડોળાને શણગારવામાં આવે છે. એમાં કાંઈ જ અયોગ્ય નથી. એ પણ પ્રભુ પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરવાની એક રીત છે એ નિમિત્તે પોતાની કળા પ્રગટ કરી શકાય છે અને એ રીતે આનંદ મેળવી શકાય છે અને અન્ય લોકોને આનંદ આપી શકાય છે.
એક ભાઈ અંધ હોવા છતાં દરરોજ નિયમિત રીતે પ્રભુનાં દર્શન કરવા મંદિરે જતા. સૌને નવાઈ લાગતી. એક દિવસ કોઈ ભાઈએ તેમને પૂછ્યું : ‘‘તમે તો અંધ છો, તમને કાંઈ દેખાતું નથી, મંદિર કેવું ભવ્ય અને સરસ છે, પ્રભુએ કેવાં કીમતી આભૂષણો ધારણ કર્યાં છે, પ્રભુના વાઘા કેવા સુંદર છે એમાંનું કાંઈ દેખાતું ન હોવા છતાં તમે કેમ રોજ આવો છો ? એ સમજાવશો ?’’ અંધ ભાઈએ હસીને કહ્યું ‘‘તમારી વાત સાચી છે, મને કાંઈ દેખાતું નથી, પણ રોજ મંદિરે આવું તો પરમાત્માની દ્રષ્ટિ તો મારા પર પડે ને. બસ, એટલા માટે જ હું આવું છું.’’
પ્રભુ સમગ્ર વિશ્વમાં વ્યાપેલા છે, આ મૂર્તિમાં પણ તે છે. એમની દ્રષ્ટિ મારા પર પડે તો બસ, બીજું કાંઈ ન જોઈએ આ ભાવનાથી આપણે મંદિરે જઈએ તો કેવું સારું. વિશ્વમાં વ્યાપેલા કે મંદિરમાં મૂર્તિ રુપે વિરાજતા વિભુ સિવાય બીજું કાંઈ જોવાની ઇચ્છા જ ન રહે તો આપણને પણ ‘‘વિશ્વરૂપ દર્શન’’ થઈ જાય. પછી કદાચ મંદિરે જવાની જરૂર જ ન રહે.

૨૩. ભક્તિયોગ - ૧

શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીમાં ત્રણ યોગને ખૂબ મહત્વ આપ્યું છે, તેમાં ભક્તિયોગ એક છે. ગીતાજીના ૧૨મા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને પોતાને કેવો ભક્ત ગમે છે એ બાબત બહુ સરસ અને સરળ રીતે સમજાવ્યું છે.
‘‘જે પ્રાણી માત્રનો દ્વેષ કરતો નથી, જે સૌની સાથે મિત્રભાવે વર્તે છે, જે દયાળુ, મમતારહિત, અહંકાર વિનાનો, સુખદુઃખને સમાન માનનારો, ક્ષમાવાન, સદા સંતોષી, યોગનિષ્ઠ, મનને વશ રાખનારો, દ્રઢ નિશ્ચયવાળો અને મારામાં મન અને બુદ્ધિ અર્પણ કર્યાં છે તે મારો ભક્ત મને અતિપ્રિય છે.’’
‘‘જેનાથી લોકો સંતાપ પામતા નથી અને જે લોકોથી સંતાપ પામતો નથી, જે હર્ષ, શોક, ક્રોધ, ભય અને ઉદ્વેગથી રહિત છે તે ભક્ત મને અતિપ્રિય છે.’’
‘‘જે પુરુષ સ્પૃહા વિનાનો, પવિત્ર, નચિંત, પક્ષપાત રહિત, ભય રહિત અને જેણે સર્વ આરંભોનો ત્યાગ કર્યો છે તેવો મારો ભક્ત મને અતિપ્રિય છે.’’
‘‘જે હર્ષ પામતો નથી કે દ્વેષ કરતો નથી, શોક કરતો નથી કે ઇચ્છા કરતો નથી, જે શુભ અને અશુભ કર્મોના ફળને ત્યજી દે છે એવો મારો ભક્ત મને અતિપ્રિય છે.’’
‘‘જેને શત્રુ, મિત્ર, માન, અપમાન, ટાઢ, તાપ, સુખ, દુઃખ સરખાં છે, જે આસક્તિ રહિત છે, જે નિંદા અને સ્તુતિને સમાન સમજે છે, જે મનનશીલ છે, જે કંઈ સહજ ભાવે મળે તેમાં સંતોષ માને છે, જે મમતા રહિત છે, તે સ્થિર બુદ્ધિવાળો ભક્તિમાન પુરુષ મને અતિપ્રિય છે.’’
‘‘જે શ્રદ્ધાયુક્ત ભક્તો, મારામાં પરાયણ રહીને, મેં કહ્યું તે પ્રમાણે આ ધર્મમય અમૃતનું નિષ્કામ ભાવથી સેવન કરે છે તે ભક્તો મને અત્યંત પ્રિય છે.’’
ગીતાજીની સંસ્કૃત ભાષા સરળ હોવા છતાં કદાચ આપણને ન સમજાય તો શ્રી નરસિંહ મહેતાએ આ જ વાત બહુ જ સરળ શબ્દોમાં ગુજરાતી ભાષામાં ભજન રૂપે કહી છે, તેને જીવનમાં આચરણમાં મૂકીએ તો પ્રભુની કૃપા પામી શકીએ. બધા સદગુણોનું આચરણ અઘરું લાગે તો પણ એકાદ સદગુણને આચરણમાં મૂકીએ તો ધીમે ધીમે બધા સદગુણો જીવનમાં આપોઆપ પ્રગટે અને આપણું જીવન સુધરી જાય. આ બધા સદગુણો કેટલી બધી પરમ શાંતિ આપે છે એ તો જાતે અનુભવવા જેવું છે એ જ પ્રભુકૃપા છે.
કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ ત્રણે પરસ્પર સંકળાયેલા છે. કોઈ એક યોગનું સાચા દિલથી અનુસરણ કરીએ તો બીજા બે યોગની જુદી સાધના કરવી પડતી નથી. એ સાધના આપોઆપ થઈ જાય છે. સાચા દિલથી ભક્તિયોગને અનુસરનારને અધ્યાત્મનું જ્ઞાન શીખવું પડતું નથી. તેવી જ રીતે તેનાં તમામ કર્મો નિષ્કામ ભાવે જ થતાં હોય છે. પરમાત્માના પરમ ભક્ત શ્રી નરસિંહ મહેતા આનું જ્વલંત ઉદાહરણ છે.
પ્રભુની ભક્તિ કરતાં કરતાં તેઓ પરમ તત્ત્વજ્ઞાની થઈ ગયા. કોઈ યુનિવર્સિટીમાં તેમણે અભ્યાસ કર્યો ન હતો. તેમ છતાં તેમનું અધ્યાત્મ જ્ઞાન બહુ ગહન હતું. કોઈ યશ મેળવવાની ગણતરી વિના, અપયશ સહન કરીને પણ, સમગ્ર નાગર જ્ઞાતિની નારાજી જાણતા હોવા છતાં, અસ્પૃશ્યતા નિવારણનું ઉત્તમ કામ તેમણે સહજ ભાવે પાંચ સો વર્ષ અગાઉ કર્યું. તેવી જ રીતે થોડાં વર્ષ પહેલાં, અસ્પૃશ્યતા નિવારણનું ઉત્તમ કામ કરનાર મહાત્મા ગાંધીજીને, નરસિંહ મહેતા માટે ખૂબ માન હતું. તેમનું "વૈષ્ણવ જન તો તેને કહીએ..." ભજન ગાંધીજીને ખૂબ ગમતું.
પરમ વૈષ્ણવની વ્યાખ્યા નરસિંહ મહેતાએ આપી. વૈષ્ણવ કોને કહેવાય ?
(1) જે પીડ પરાઈ જાણે રે ... બીજાનાં દુઃખ જાણવાની કોશિશ કરે.
(2) પર દુઃખે ઉપકાર કરે ... બીજાનાં દુઃખ દૂર કરવા કોશિશ કરે.
(3) તોયે મન અભિમાન ન આણે રે ... અભિમાનથી પર હોય
(4) સકળ લોકમાં સહુને વંદે ... અત્યંત વિનમ્ર હોય.
(5) નિંદા ન કરે કેની રે ... કોઈની ક્યારેય નિંદા ન કરે.
(6) વાછ, કાછ, મન નિશ્ચલ રાખે ... વાણી, કાર્ય અને મન નિશ્ચલ રાખે.
(7) મોહ, માયા વ્યાપે નહીં જેને .... મોહ, માયાથી પર હોય.
(8) પરસ્ત્રી જેને માત રે ... પરસ્ત્રીને પોતાની માતા સમાન ગણે
(9) જીહ્વા થકી અસત્ય ન બોલે. .. ક્યારેય અસત્ય ન બોલે.
(10) પરધન નવ ઝાલે હાથ રે ... પરિશ્રમ વિનાનું ધન ન લે.
(11) વણલોભી ને કપટરહિત છે ... લોભી અને કપટી ન હોય.
(12) કામ ક્રોધ નિવાર્યાં રે ... કામ અને ક્રોધથી પર હોય.
ફક્ત દરરોજ હવેલીએ જવાથી, તિલક કરવાથી કે પ્રભુકીર્તન કરવાથી વૈષ્ણવ બની શકાતું નથી. કોઈ આપણે માટે શો અભિપ્રાય આપે છે એ વિચાર્યા વિના આપણે આપણું પોતાનું મૂલ્યાંકન ઉપરના માપદંડને આધારે કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આપણું મૂલ્ય કેટલું છે ? વૈષ્ણવ માટે અત્યંત જરૂરી ઉપરના તમામ સદગુણોમાંથી આપણામાં કેટલા સદગુણો છે એ આપણે વિચારવાનું છે. જો બહુ જ ઓછા હોય તો પછી હવેલીએ જવાનો કોઈ અર્થ નથી. આપણે આપણી જાતને કદાચ છેતરી શકીશું, કદાચ સમાજને પણ છેતરી શકીશું, પણ પરમાત્માને આપણે ક્યારેય છેતરી શકીશું નહિ. એ તો અંતર્યામી છે.
આપણામાં અવગુણો હોય તો એનાથી શરમાવા જેવું નથી. આપણે સંત નથી, સામાન્ય માનવી છીએ એટલે અવગુણ હોવા એ સ્વાભાવિક છે, પણ એ ગૌરવ લેવા જેવી બાબત નથી એટલું સમજવું જોઈએ. જે કોઈ અવગુણ આપણને દેખાય એ દૂર કરવા કોશિશ કરવી. આપણા અવગુણ કોઈને ન કહી શકીએ તો પણ પ્રભુને તો કહી શકીએ ને !.
પરમાત્મા પાસે નિખાલસ એકરાર કરવો અને આપણા અંતઃકરણને નિર્મળ બનાવવા વિનંતી કરવી. સાચા દિલની પ્રાર્થના પ્રભુ જરૂર સાંભળે છે. ભક્તિ એટલે આપણા મનને ધોવું. મનના મેલ ધોવાતાં, ધીમે ધીમે મનની કાળાશ ઘટશે. મન જેમ જેમ ચોખ્ખું થતું જશે તેમ તેમ મનની પરમ શાંતિ અનુભવી શકીશું. પરમાત્માની કૃપા અનુભવવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. પરમાત્માની કૃપા જીવનમાં જરૂરી છે કે કેમ એ તો કૃપા અનુભવ્યા પછી જ ખબર પડે. એટલું કહી શકાય કે પ્રભુની કૃપા મેળવ્યા પછી જીવનમાં કાંઈ મેળવવાનું રહેતું નથી.

૨૪. ભક્તિયોગ - ૨

શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના ૧૨મા અધ્યાયમાં શ્રેષ્ઠ ભક્તનાં લક્ષણો અંગે બહુ સરળ શબ્દોમાં સમજાવ્યું છે. એ જ વાત પરમ ભક્ત શ્રી નરસિંહ મહેતાએ ‘‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે...’’ ભજનમાં સમજાવી છે. આ ભક્તિયોગની વાત પર આપણે વધુ ચિંતન કરીએ. ભક્તિથી મોક્ષ મળે છે, મોક્ષ એટલે મુક્તિ તો આ મુક્તિ મેળવવા શું કરવું? કર્મના ફળની આશાથી અને જ્ઞાનના અહંકારથી છૂટવું એટલે મુક્તિ. એ જ ભક્તિ.
કર્મયોગ એટલે કર્મ તો કરવાં પણ તેના ફળની આકાંક્ષાથી છૂટવું. નિષ્કામ કર્મ ઉપર પરમાત્માએ ખૂબ જ ભાર દીધો છે. જીવનમાં નાનીમોટી ઇચ્છાઓ જ દુઃખનું મૂળ છે. આપણે ભાડાના મકાનમાં રહેતા હોઈએ ત્યારે સ્વાભાવિક રીતે આપણું પોતાનું મકાન હોય તો વધુ સારું એવી આશા જન્મે છે. નવું મકાન લેવાની આપણી આર્થિક ક્ષમતા ન હોય તો એ આશા બિનજરૂરી બોજો બની જાય. જે શક્ય નથી, એની ચિંતા કરવાનો કોઈ અર્થ નથી. એના કરતાં એ આશામાંથી છૂટવું એટલે ચિંતામાંથી મુક્તિ મળી જાય.
કાર લેવાનું મન થાય અને લઈ ન શકીએ તો એ વ્યર્થ આશા આપણને સતત મૂંઝવ્યા કરે. પત્ની કે પુત્રવધૂના પિયર પાસેથી દહેજ રૂપે ધન મેળવવાની ઇચ્છા જાગે. એ ન સંતોષાય તો પત્ની કે પુત્રવધૂને મારઝૂડ કરવાનું મન થાય. ક્યારેક તે નિર્દોષ કન્યાને આપણી ધનભૂખને કારણે સળગાવી દેવાનું મન થાય. ધનની લાલસાનું અત્યંત ભયાનક વરવું સ્વરૂપ સમજ્યા વિના ખૂન કરી નાખ્યા પછી પ્રશ્નો ઊભા થાય તેનાથી આપણી નીંદર હરામ થઈ જાય. એ ધન લાલસાને જ છોડી દીધી હોય તો ?
પરમાત્માએ તો કહ્યું જ છે કે મનમાંથી ઊઠતી નાનીમોટી તમામ ઇચ્છાઓને તજી દેવી એ ખૂબ જ હિતાવહ છે. ઇચ્છા જાગે અને પૂરી ન થાય તો દુઃખ થાય ને. કોઈક આપણી વાહવાહ કરે એવી ઇચ્છા મનમાં જાગે, પણ ગમે તે કારણે કોઈ વાહવાહ ન કરે તો આપણને અપમાન લાગે. માનની ઇચ્છા તજીએ તો અપમાન લાગવાનો પ્રશ્ન જ ન રહે. આમ માન, અપમાન, જય, પરાજય એ બધાં મનનાં કારણો છે. એક વાર ઇચ્છાઓ પર અંકુશ આવી જાય તો પાર વિનાના પ્રશ્નો ઊકલી જાય. મનની ગજબ શાંતિ આપણે અનુભવી શકીએ. પરમાત્માએ કર્મ તજવાનું કહ્યું નથી, પણ કર્મનું ફળ તજવાનું કહ્યું છે.
જ્ઞાન માટે તો શ્રીકૃષ્ણ ભગવાને પોતે જ કહ્યું છે : ‘‘જ્ઞાન જેવું કાંઈ જ પવિત્ર નથી.’’ (ગીતા ૪ - ૩૮). જેમ કર્મ કામના રહિત હોવું જોઈએ તેમ જ્ઞાન અહંકાર રહિત હોવું જોઈએ. નહીંતર કર્મ અને જ્ઞાન બંને બોજારૂપ બની જાય. જ્ઞાની હોવું એ સારું છે, પણ એ જ્ઞાન સંપૂર્ણ અહંકાર વિનાનું હોવું સવિશેષ મહત્વનું છે. કર્મની જેમ જ જ્ઞાન તજવાનું નથી, પણ જ્ઞાનનો અહંકાર તજવાનો છે. એક કવિએ બહુ સુંદર પંક્તિઓ લખી છે :
‘‘મારા જ્ઞાન ગુમાનની ગાંસડી ઊતરાવો શિરેથી આજ,
મારાં પુસ્તક, પોથાંની પોટલી ઊતરાવો શિરેથી આજ,
બોજો ખેંચી ખેંચીં માથું ફાટે છે ને કાયામાં કળતર થાય,
હાંફી હાંફી મારું હૈયું થાક્યું છે ને આંખે અંધારાં ઘેરાય.’’
આમ કર્મયોગ અને જ્ઞાનયોગથી વિમુખ થવાની જરૂર નથી, પરંતુ એ બોજારૂપ ન બની જાય એટલી ખાસ કાળજી રાખવાની જરૂર છે. હું જ્ઞાની છું, બીજા બધા કરતાં હું કાંઈક વિશેષ છું એવું મિથ્યાભિમાન મનમાં પેસી ન જાય એટલી તકેદારી બહુ મહત્વની છે. આંબામાં જેમ જેમ કેરી વધતી જાય તેમ તેમ એ વધુ ને વધુ નમતો જાય. વિનમ્રતા એ ભક્તિનું પહેલું લક્ષણ છે.
એક સજ્જન કોઈ સંતને મળવા ગયા. સંતની કુટિરનું બારણું બંધ હતું. તેમણે બારણાને પાટુ મારી બારણું ખોલ્યું. પગમાંથી ચંપલ જેમ તેમ કાઢીને સંત પાસે આવ્યા. સંતે આવવાનું કારણ પૂછતાં સજજ્ને કહ્યું કે ‘‘હું આપની પાસેથી ભક્તિ વિષે શીખવા આવ્યો છું. આપ મને ઉપદેશ આપો.’’ સંતે કહ્યું કે ‘‘હું ભક્તિ વિષે તમને ઉપદેશ આપીશ, પરંતુ પહેલાં તમે બારણાની માફી માગી આવો.’’ બારણાની માફી શા માટે માગવી એ ન સમજાતાં સંતે કહ્યું : ‘‘તમે બારણાને પાટુ માર્યું એ ઠીક ન ગણાય. બારણું તો ટાઢ, તડકાથી આપણું રક્ષણ કરે છે. વરસાદથી આપણને બચાવે છે. એની સાથે આપણાથી અયોગ્ય વર્તન ન થાય, એટલે તેની સામે હાથ જોડીને, માફી માગી આવો પછી આપણે ભક્તિ વિષે વાત કરીશું.’’
સજ્જને કમને સંતની સૂચના અનુસાર બારણાની માફી માગી. ફરીથી સંતને ભક્તિ માટે ઉપદેશ આપવા વિનંતી કરતાં સંતે હવે ચંપલની માફી માગવા કહ્યું. સજ્જન મૂંઝાઈ ગયા. સંતે શાંતિથી સમજાવ્યું કે ‘‘સજીવ કે નિર્જીવ વસ્તુ, આપણને ઉપકારક હોય કે ન હોય તો પણ કોઈ પ્રત્યે આપણું વર્તન તોછડું ન હોવું જોઈએ. ચંપલ જડ છે તો પણ એ ખૂબ ઉપકાર કરે છે. આપણા પગનું કાંટા, કાંકરાથી રક્ષણ કરે છે. તેને કારણે જ આપણે ગરમ સડક પર ચાલી શકીએ છીએ. પગમાંથી ચંપલ દૂર કરીએ ત્યારે પણ જાળવીને દૂર કરવાં જોઈએ’’.
કંઈક સમજાતાં સજજ્ન ચંપલ પાસે જઈને ઊભા રહ્યા. પોતાના અવિવેક બદલ ખૂબ જ નમ્ર થઈને ચંપલની માફી માગી. પછી સંત પાસે આવીને ભક્તિ વિષે ઉપદેશ આપવા વિનંતી કરી. સંતે હસતાં હસતાં કહ્યું : ‘‘તમને તો ભક્તિ આવડે જ છે. જે માનવી બારણા કે ચંપલ જેવી જડ વસ્તુ પાસે પણ પોતાના અવિવેક બદલ માફી માગે, સામાન્ય વ્યક્તિ ન હોય. એ સંત કક્ષાનો જ ગણાય. તમને તો હવે ભક્તિના ઉપદેશની જરૂર જ નથી. મારા કહેવા છતાં તમે અક્કડ રહીને માફી ન માગી હોત તો જ તમને ઉપદેશ આપવો પડત.’’ આપણાથી કોઈને તકલીફ ન થાય તેની કાળજી રાખવી. તેમ છતાં ક્યારેક કાંઈક ભૂલ થાય તો વિના સંકોચ માફી માગવી. માફી માગવાથી કોઈ નાનું બની જતું નથી. વિશાળ દિલવાળા માનવી જ માફી માગી શકે. પરમાત્મા બધામાં સમાયેલા છે એટલે આપણાથી કોઈને તકલીફ ન થાય, કોઈ પ્રત્યે આપણું વર્તન તોછડું ન હોય એ બહુ મહત્વનું છે.
આમ ખાતરી થશે કે આશા તજવાથી ચિંતાથી મુક્ત થઈ શકાય અને વિનમ્રતાને કારણે અહંકારથી મુક્ત થઈ શકાય. એવું જ ક્રોધ, વાસના, લોભ, લાલચ, મૃત્યુનો ભય વગેરેથી મુક્ત થવાથી ભક્તિ પ્રગટ થાય છે. જેમ જેમ એક એકથી મુક્ત થઈએ તેમ તેમ બોજો હળવો થતો જાય. આપણે હળવાફૂલ થતા જઈએ. બધા અવગુણોથી મુક્ત થતા જઈએ તેમ તેમ ભક્તિ વધતી જાય. આપણે ખાસ કોઈ પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી. પ્રભુની કૃપા જ આપણો માર્ગ સહેલો બનાવી દેશે.
સુપ્રસિદ્ધ સંત શ્રી રણછોડદાસજી મહારાજે કહ્યું છે કે જેમ માછલીને જળ વિના ચાલતું નથી, જળ વિના તે તરફડીને મરી જાય છે તેવી અતૂટ ઝંખના આપણને પ્રભુ માટે જાગે તો પ્રભુદર્શન અશક્ય નથી.

૨૫. ગુણાતીત

શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના ૧૩મા અધ્યાયમાં ક્ષેત્ર એટલે કે શરીર અને ક્ષેત્રજ્ઞ એટલે કે શરીરમાં રહેલો આત્મા, જે પરમાત્માનો જ અંશ છે તે બાબત સમજાવી છે. જ્ઞાન શું છે ? અને જ્ઞેય એટલે કે જ્ઞાનથી જેમને જાણવાના છે તે પરમાત્મા વિષે સમજાવ્યું છે. શરીર, આત્મા, પરમાત્મા એ બધી બાબત અગાઉ સમજાવ્યું જ છે, પરંતુ વધુ સમજાય તે હેતુથી પુનરુક્તિ કરેલી છે. શરીર પંચ મહાભૂતોનું બનેલું છે, તે નાશવંત છે. આત્મા નિર્ગુણ છે, છતાં ગુણોનો ભોક્તા છે એટલે કે પ્રકૃતિમાંથી ઉત્પણ થયેલા ત્રણ ગુણ, સત્ત્વ, રજસ, અને તમસને કારણે મનુષ્યને સુખ, દુઃખ ભોગવવાં પડે છે. જો આ ત્રણે ગુણોથી માનવી પર થઈ જાય એટલે કે ગુણાતીત થઈ જાય તો તે પરમાત્માને પામી શકે છે. માનવીના જીવનનું આ મુખ્ય ધ્યેય હોવું જોઈએ.
ગીતાજીના ૧૪મા અધ્યાયમાં ત્રણ ગુણ વિષે વિસ્તારથી સમજાવ્યું છે. આ ત્રણ ગુણો જ આપણાં સુખ, દુઃખ માટે કારણરૂપ છે એ વાત બહુ મહત્વની છે. શ્લોક નં. ૫માં કહ્યું છે કે આ ત્રણે ગુણો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છે. સત્વગુણ નિર્મળ હોવાથી પ્રકાશ કરનારો અને દોષરહિત છે. તે સુખ અને જ્ઞાનના સંગથી જીવને બાંધે છે. રાગરૂપ રજોગુણ, કામના અને આસક્તિથી ઊપજેલો છે. તે જીવને કર્મોની સાથે બાંધે છે. સર્વ જીવોને મોહ પમાડનાર તમોગુણ અજ્ઞાનથી ઊપજેલો છે. તે પ્રમાદ, આળસ અને નિદ્રા વડે જીવને બાંધે છે.
હે અર્જુન ! સત્વગુણ સુખમાં જોડે છે, રજોગુણ કર્મમાં જોડે છે અને તમોગુણ તો જ્ઞાનને ઢાંકી દઈને પ્રમાદમાં જોડે છે. જ્યારે કોઈ પણ એક ગુણ વધે ત્યારે તે અન્ય બે ગુણોને દબાવીને વધે છે. સત્વગુણ વધવાથી જ્ઞાન અને વિવેક ઊપજે છે, જે શાંતિદાયક છે. રજોગુણ વધવાથી લોભ, સકામ ભાવે કર્મનો આરંભ તથા ભોગની ઇચ્છા ઉત્પન્ન થાય છે, જે અશાંતિકારક છે. જ્યારે તમોગુણ વધે ત્યારે અજ્ઞાન, નિષ્ક્રિયતા, આળસ, મોહ એ બધાં જ ઉત્પન્ન થાય છે.
સાત્વિક કર્મનું ફળ સાત્વિક અને નિર્મળ છે. રાજસ કર્મનું ફળ દુઃખ છે અને તામસ કર્મનું ફળ અજ્ઞાન છે. સત્વગુણથી જ્ઞાન, રજોગુણથી લોભ અને તમોગુણથી પ્રમાદ, મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે. જ્યારે જ્ઞાની, ગુણો સિવાય બીજો કોઈ કર્તા નથી અને પોતાને ત્રણે ગુણોથી પર રહેલો જાણે છે ત્યારે તે મારા સ્વરૂપને પામે છે. જ્યારે દેહધારી આ શરીરની ઉત્પત્તિના કારણરૂપ ત્રણે ગુણોને તરી જઈને જન્મ, મૃત્યુ, ઘડપણ અને તેમનાં દુઃખોમાંથી મુક્ત થઈ પરમાનંદને પામે છે.
અર્જુને પૂછ્યું : ‘‘હે પ્રભુ ! આ ત્રણ ગુણોથી પર મનુષ્યનાં લક્ષણો શાં ? અને કઈ રીતે આ ત્રણ ગુણોથી પર થઈ શકાય ?’’
શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું : ‘‘હે અર્જુન ! જે મનુષ્ય સત્વ, રજસ અને તમોગુણથી થનારાં પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહ પ્રાપ્ત થતાં તેનાથી દુઃખ નથી માનતો અને તે નિવૃત્ત થતાં તેમની ઇચ્છા નથી કરતો, તટસ્થની પેઠે સ્થિર રહે છે. ગુણોથી વિચલિત થતો નથી. ગુણો જ પોતાનું કાર્ય કરે છે એમ જાણીને સ્વસ્થ રહે છે. સ્વરૂપના ભાનમાંથી ખસતો નથી. સુખ, દુઃખને સમાન સમજે છે. માટી, પથ્થર અને સોનાને સમાન માને છે. પ્રિય, અપ્રિયમાં કે નિંદા, સ્તુતિમાં, માન અપમાનમાં તથા શત્રુમિત્રમાં સમભાવ વાળો છે. તે બધાં કર્મોમાં કર્તાપણાના અભિમાનથી રહિત થયેલો મનુષ્ય ગુણાતીત કહેવાય છે.’’
‘‘જે અસ્ખલિત ભક્તિરૂપ યોગ વડે મને સેવે છે તે એ ત્રણ ગુણોથી પર થઈ બ્રહ્મભાવ પામવા યોગ્ય હોય છે. આ બ્રહ્મની સ્થિતિ તે હું છું. અવિનાશી, અમરતા, મોક્ષનું સ્વરૂપ પણ હું છું. અખંડ એકરસ આનંદનું હું જ આશ્રય સ્થાન છું.’’
આપણું જીવન તો ત્રણે ગુણોના મિશ્રણવાળું છે. આપણામાં થોડાક શુભ વિચારો છે, થોડીક શુભ ભાવના છે, થોડાક વિકારો છે, થોડાં લોભ લાલચ છે. થોડીક આળસ છે, થોડોક દ્વેષ છે. ક્યારે ક્યા ગુણનું જોર વધી જાય તે કહેવાય નહીં. એવું નથી કે આપણે સારા થવા માગતા નથી, પરંતુ ઊંચે ચડવું અઘરું છે. પતન સહેલું છે. આત્મા ઉન્નતિ ઇચ્છે છે. જ્યારે મન પતન તરફ લઈ જવા કોશિશ કરે છે. એટલે જ બીજો કોઈ દુશ્મન ન હોય તો પણ આપણા પોતાના મન સાથે આપણે સતત અવિરામ યુદ્ધ કરવાની જરૂર છે. જ્યારે મનથી થાકીને યુદ્ધ ન કરવાની ઇચ્છા થાય ત્યારે જો શ્રીકૃષ્ણ ભગવાન આપણા સારથિ હોય તો આપણને ઉત્સાહ પ્રેરે. એટલે જ આપણે અર્જુનની જેમ, સાચા દિલથી શ્રીકૃષ્ણ ભગવાનને આપણા સારથિ બનવા પ્રાર્થના કરવાની જરૂર છે.
રજસ અને તમસ ગુણ તો બંધન કર્તા છે જ, પણ સત્વ ગુણ પણ બંધન કર્તા છે. ક્યારેક પોતે સારા હોવાનું કે મેં કોઈકનું સારું કર્યું છે તેવું સૂક્ષ્મ અભિમાન પણ બંધન કર્તા છે એટલે ત્રણે ગુણને તજવાની જરૂર છે. જે કંઈ થાય છે તે પ્રભુની ઇચ્છાથી જ થાય છે એમ માનીને સદાય નિર્લેપ રહેવાની કોશિશ કરવી એ જ શ્રેષ્ઠ છે. અકર્તા થવા પર ગીતાજીમાં ભાર મૂકેલો છે.
ગીતાજીમાં ખુદ પરમાત્માએ જેમને માટે કહ્યું છે કે ‘‘દેવર્ષિ નારદ હું છું.’’ એ શ્રી નારદજી પરમ ‘‘ગુણાતીત’’ હતા. તેમના આશીર્વાદથી ભક્ત પ્રહલાદ, ભક્ત ધૃવ તથા વાલિયા લૂંટારાના (મહર્ષિ વાલ્મીકિ) જીવનમાં કેવો અદભુત પલટો આવ્યો એ આપણે જાણીએ છીએ. એ વાતોને આપણે કદાચ પૌરાણિક સમજીને ન માનીએ, એ સ્વાભાવિક છે, પરંતુ થોડાં વર્ષો પહેલાં જ ભગવાન સ્વામી નારાયણે પોતાના એક પરમ શિષ્યનું નામ ‘‘ગુણાતીતાનંદ’’ રાખેલું. એ સાચા અર્થમાં ‘‘ગુણાતીત’’ હતા. એમના આશીર્વાદથી એક માનવીના જીવનમાં આવેલા પલટાની વાત જાણવા જેવી છે.
એક વાર ગુણાતીતાનંદ સ્વામીજી અન્ય સંતો સાથે જંગલના રસ્તે ક્યાંક જતા હતા. રાત પડી ગઈ. તેથી રોકાવું પડે તેમ હતું. એક મુસ્લિમ કઠિયારાના છોકરાએ સંતો માટે થોડાં ફળની વ્યવસ્થા કરી. રાતે બહુ ઠંડી હોવાથી પોતે વેચવા માટે ભેગાં કરેલાં સૂકાં લાકડાંનું તાપણું કરી આપ્યું. પોતે ગરીબ હોવાથી વધુ સારી સેવા ન કરી શક્યાનો અફસોસ વ્યક્ત કરતાં, પરમ સંત ગુણાતીતાનંદ સ્વામીજીએ આશીર્વાદ આપતાં કહ્યું ‘‘બેટા ! તેં સંતોની ટાઢ ઉડાડી છે, પરમાત્મા તારી ટાઢ ઉડાડશે.’’ થોડા સમય પછી જૂનાગઢના નવાબે તે છોકરાને સામાન્ય નોકરી આપી. પોતાની કર્તવ્યનિષ્ઠા તથા ગરીબો પ્રત્યેની હમદર્દીને લીધે તેમની લોકપ્રિયતા વધતી ગઈ. આપબળે તેઓ જૂનાગઢના વજીરપદે પહોંચ્યા. આજે તેમની સ્મૃતિમાં જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજ ઊભી છે. એક ગુણાતીત સંતના આશીર્વાદથી એક કઠિયારાનું જીવન પલટાઈ ગયું.

૨૬. પુરુષોત્તમ યોગ

શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના ૧૫મા અધ્યાય પુરુષોત્તમ યોગમાં સંસારને ઊંધા પીપળાના વૃક્ષ સાથે સરખાવીને કહ્યું : ‘‘આ પીપળાનાં મૂળ ઊંચે છે અને ડાળીઓ નીચે છે. વેદસૂક્તો તેનાં પાંદડાં છે.’’ આમ કહેવાનું કારણ એ છે કે સંસારની ઉત્પત્તિ પરમાત્માને આભારી હોવાથી જીવનતત્ત્વ ખેંચનારાં મૂળિયાં ઉપર તરફ છે. આ સંસાર વૃક્ષને પરમાત્માએ જ ઉત્પન્ન કર્યું હોવા છતાં તેને દ્રઢ વૈરાગ્યરૂપી કુહાડીથી કાપી નાખવાની સલાહ પણ પરમાત્માએ જ આપી છે. પછી એવું પદ શોધવું જોઈએ કે જ્યાં ગયેલા જીવો જન્મમરણ રૂપ સંસારમાં પાછા આવતા નથી. તે પરમ પદને પ્રાપ્ત કરવા માટે તેણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને શરણે જવું જોઈએ.
આપણા જન્મ પહેલાં આ જગત આપણા માટે અદ્રશ્ય હતું. જન્મ પછી થોડાક સમય માટે જ એ દેખાય છે. આપણા મૃત્યુ પછી એ જગતનું અસ્તિત્વ હોય તો પણ આપણા માટે તો એ અદ્રશ્ય જ થઈ જશે. સંત કબીરજીએ બહુ સરસ વાત કરી કે ‘‘આપ મૂઆ પીછે ડૂબ ગઈ દુનિયા.’’ કેટલાક લોકો ટૂંકા જીવનને કારણે લૂંટાય એટલી મોજમસ્તી લૂંટી લેવાની વિચારસરણીવાળા હોય છે. કદાચ આપણા આનંદ માટે બીજાને નુકસાન થાય તો પણ વાંધો નહીં એવી સ્વાર્થી વૃત્તિવાળા હોય છે. એક ભાઈએ તો કહ્યું ‘‘ઋણં કૃત્વા, ઘૃતં પીબેત’’ એટલે કે દેવું કરીને, પણ ઘી પી લેવું. આ સ્વાર્થી વૃત્તિ છે. પરમાત્મા પોતે નિષ્કામ કર્મના ઉપદેશક છે, એટલે આવી સ્વાર્થી વૃત્તિને તેમનું અનુમોદન નથી, તો સહેલાઈથી સમજી શકાય. કેટલાક વિચારવંત સજ્જનો ટૂંકા જીવનને માત્ર વૈભવવિલાસમાં વેડફી નાખવાને બદલે તેને અણમોલ તક સમજીને પ્રભુમય જીવન ગાળી પરમપદ પામવા કોશિશ કરે છે. દરેક માનવીને પોતાની જીવન દિશા નક્કી કરવાનો અધિકાર છે. કોઈને પથ્થરમાં રસ હોય તો કોઈને હીરામાં રસ હોય એટલે કોઈની ટીકા કરવી ઉચિત નથી. છતાં શ્રી અખા ભગતે ભોગવિલાસમાં રસ ધરાવતા માણસો માટે કહ્યું ‘‘મૂકી હીરો, ઉપાડ્યો પહાણ.’’
જનકરાજાને એક વાર પોતે ગરીબ ભિખારી છે તેવું સ્વપ્ન આવ્યું. પોતે રાજા હોવા છતાં આવું સ્વપ્ન કેમ આવ્યું ? તે વિચારે તેમણે ગુરુ શ્રી અષ્ટાવક્રને પૂછ્યું : ‘‘આ સાચું કે તે સાચું ?’’ બધી વાત સાંભળીને ગુરુએ જવાબ આપ્યો : ‘‘આ પણ સાચું અને તે પણ સાચું. આ પણ ખોટું અને તે પણ ખોટું.’’ વિગતવાર ચર્ચા કરતાં ગુરુએ સમજાવ્યું કે તમે રાજા છો એ સૌ જાણે છે અને સ્વપ્નમાં ભિખારી છો એવું તમે પોતે જોયું છે એટલે બંને વાત સાચી છે. તમારા જન્મ પહેલાં તમે રાજા ન હતા. મૃત્યુ પછી પણ તમે રાજા નહીં હો, એવી જ રીતે સ્વપ્ન પહેલાં તમે ભિખારી ન હતા, સ્વપ્ન પછી પણ ભિખારી નથી એટલે બંને વાત ખોટી છે. જેમ સ્વપ્ન, રાત્રે નિદ્રા દરમિયાન આપણને સાચું લાગે છે તેમ આ જગત પણ જીવન દરમિયાન સાચું લાગે છે. જીવન ખરેખર તો એક લાંબા સ્વપ્ન જેવું જ છે. એટલે જ સંસારને અસાર, નાશવંત અને ભ્રમરૂપ કહ્યો છે. એ સાચો લાગે છે પણ સાચો નથી.
સંસાર અસાર છે એ વાત સાચી છે, પરંતુ એટલે માથે હાથ દઈને ગમગીન બેસવાની જરૂર નથી. આનંદ ભૂલી જઈને, વિષાદમય જીવન જીવવાની જરૂર નથી. મોજમજા, આનંદપ્રમોદ, ભોગવિલાસ બધું છોડી દઈને સાધુ બની જવું એવું નથી. જીવનમાં આનંદનું સ્થાન એટલું જ મહત્વનું છે. ફક્ત એટલું યાદ રાખવું જરૂરી છે કે આપણો આનંદ બીજાને ભોગે ન હોવો જોઈએ. બીજાનાં આંસુ લૂછી શકીએ તો એ ઉત્તમ છે, પણ આપણે એટલું ન કરી શકીએ તો પણ આપણી ખુશી, બીજાને ભોગે ન હોય એટલી કાળજી જરૂર લેવી જોઈએ.


પ્રામાણિકપણે આપણે જે કાંઈ કમાઈએ તે ફક્ત આપણા સ્વાર્થને ધ્યાનમાં રાખીને, આપણે માટે કે આપણા પરિવાર માટે જ વાપરીએ તેમાં કાંઈ ખોટું નથી. પરંતુ આપણા આનંદ માટે, આપણે અપ્રામાણિક બનીએ, બીજાને મુશ્કેલીમાં મૂકીને આપણે ભોગવિલાસમાં રચ્યાપચ્યા રહીએ એ ખોટું છે. નિયમોનો ગેરલાભ લઈ આપણી ઓફિસમાંથી ખોટાં બિલ બનાવી રકમ ઉપાડીએ, આપણને ખરીદીની સત્તા હોય તો બિનજરૂરી વસ્તુઓ ખરીદી, વેપારી પાસેથી કમિશન લઈએ અને આપણી સંસ્થાને નુકસાન કરીએ. આપણને કોન્ટ્રેક્ટ આપવાની સત્તા હોય તો કોઈક સગાંસંબંધીને લાભ કરાવવા તેના ઊંચા ભાવ હોય તો પણ તેને કોન્ટ્રેક્ટ આપીને આપણી સંસ્થાને નુકસાન કરીએ. કામની ગુણવત્તા તપાસ્યા વિના બિલ પાસ કરી દઈએ. આમ અનેક રીતે ખોટાં કામ કરી આપણે ખૂબ હોશિયાર છીએ એવો સંતોષ લઈએ. હકીકતમાં આપણા થોડાક સ્વાર્થ માટે આપણે સમાજને અને દેશને ખૂબ નુકસાન કરીએ છીએ.
સંસારની અસારતા જેમને સાચી રીતે સમજાણી છે, તેઓ ભોગવિલાસમાં રાચવાને બદલે પરમાત્માને શરણે જઈને, પરમાત્માના પરમ ધામને પામવા કોશિશ કરે છે. ક્ષર એટલે નાશવંત શરીર, અક્ષર એટલે અમર અવિનાશી આત્મા અને આત્માઓમાં શ્રેષ્ઠ એટલે પુરુષોત્તમ પરમાત્મા એ વાત આ અધ્યાયમાં સમજાવી છે. એમનું પરમ ધામ કેવું હશે ? સૂર્ય, ચંદ્ર કે અગ્નિનો પ્રકાશ પણ જેને ઉજાળી શકતો નથી એટલે કે જે તેનાથી પણ વધુ પ્રકાશમાન છે તે પ્રભુનું પરમ ધામ છે. પરમાત્મા કહે છે કે સૂર્ય, ચંદ્ર અને અગ્નિમાં રહેલું તેજ, એ મારૂં જ તેજ છે, એમ તું જાણ. હું તો એથી પણ વધુ પ્રકાશમાન છું. જે મારા પરમધામને પામે છે, તેઓ ત્યાંથી કદી પાછા ફરતા નથી. એટલે કે તેમના જન્મ મરણના ફેરા ટળી જાય છે.
પરમાત્માના અસ્તિત્વને માનવું કે ન માનવું એ દરેક માનવીની અંગત શ્રદ્ધા પર આધારિત છે. પૂર્વજન્મમાં કે પુનર્જન્મમાં પણ આપણે ન માનીએ તો કાંઈ વાંધો નહીં. મૃત્યુને પેલે પાર શું છે એ તો કોઈ જાણતું નથી. બીજાની કાળજી રાખવાની આપણી ફરજ નથી એમ માનીએ તો પણ ફક્ત આપણા જ કલ્યાણની વાત તો વિચારવા જેવી ખરી કે નહીં ?
ક્રોધથી આપણે બીજાને નુકસાન કરીએ છીએ કે આપણને પોતાને ? કોઈ ઉપર ગુસ્સે થવાથી તેને આપણા પર ગુસ્સો આવે, ધિક્કારની લાગણી જન્મે. એટલું જ નહીં પણ જો આપણું મન અવારનવાર ધૂંધવાયા કરે તો આપણને પારાવાર નુકસાન થાય છે. સતત ટેન્શન અનુભવાતાં તે ગંભીર રોગનું કારણ બને છે. આ કહેવાની નહીં પણ અનુભવવાની વાત છે. કોઈનું અહિત કરવાનું વિચારવાથી તેનું અહિત થતું નથી, પણ જ્યાં સુધી તેનું અહિત ન થાય ત્યાં સુધી આપણને ચેન પડતું નથી. આમ દ્વેષ પણ આપણને જ નુકસાન કરે છે. જીવન માટે ધનનો થોડો સંગ્રહ જરૂરી છે. અણધારી મુશ્કેલી આવે ત્યારે ધનસંચય કામ લાગે, પરંતુ જેમની પાસે જીવનનિર્વાહ કરતાં સવિશેષ ધન હોવા છતાં કરોડો રૂપિયાનાં કૌભાંડો કરે છે તેમને કાં તો જેલના સળિયા ગણવા પડે છે અથવા એવી સજાથી બચવા સતત ટેન્શનમાં જીવવું પડે છે. આમ જીવનની શાંતિ હણાઈ જાય છે.
આપણને નુકસાન કરતાં પરિબળોથી બચવું હોય તો મનની શાંતિ બહુ જરૂરી છે. અધ્યાત્મ માર્ગ એના ઉપાય બતાવે છે. આપણે એ માર્ગે ચાલવું કે નહીં એ આપણે જ નક્કી કરવાનું છે. ગીતાજીનો અભ્યાસ આ દ્રષ્ટિએ બહુ મહત્વનો છે.

૨૭. દૈવી સંપત્તિ તથા આસુરી સંપત્તિ

શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના ૧૬મા અધ્યાયમાં દૈવી સંપત્તિ તથા આસુરી સંપત્તિ વિષે ચર્ચા કરી છે. પહેલા ત્રણ શ્લોકમાં જ દૈવી સંપત્તિ વિષે કહ્યું કે : ‘‘હે ભારત ! નિર્ભયતા, અંતઃકરણની શુધ્ધિ, અધ્યાત્મ, ધ્યાન, યોગમાં દ્રઢ સ્થિતિ, સાત્વિક દાન, ઇન્દ્રિયો પર કાબૂ, યજ્ઞ, સ્વાધ્યાય, તપ, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, ચાડીરહિતપણું, જીવદયા, અલોલુપતા, મૃદુતા, લજ્જા, અડગ નિશ્ચય, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, અદ્રોહ અને અભિમાનનો ત્યાગ આ બધાં દૈવી સંપત્તિને પ્રાપ્ત થયેલા પુરુષનાં લક્ષણો છે.’’
ચોથા શ્લોકમાં આસુરી સંપત્તિ વિષે કહ્યું કે : ‘‘હે પાર્થ ! પાખંડ, ગર્વ, અહંકાર, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન આ ગુણો આસુરી સંપત્તિ તરફ વળેલા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે.’’
દૈવી સંપત્તિ મોક્ષ આપનારી છે, જ્યારે આસુરી સંપત્તિ બંધનમાં નાખનારી માનવામા આવેલી છે. આસુરી સ્વભાવવાળા મનુષ્યો, શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ, તે જાણતા નથી. તેઓમાં બહારની કે અંદરની પવિત્રતા, સદાચાર કે સત્ય હોતાં નથી. તેઓ કહે છે કે જગત અસત્ય, આધાર વિનાનું અને ઇશ્વર વિનાનું છે. તે સ્ત્રી પુરુષના સંયોગથી ઉત્પન્ન થયેલું છે. તેથી ભોગ તૃપ્તિ સિવાય તેનો બીજો શો હેતુ હોય ? દંભ, માન અને મદથી ભરેલા તે લોકો પૂરી ન થવાવાળી કામવાસનાઓમાં રચ્યાપચ્યા રહે છે.
વિષયભોગમાં જ આનંદ છે એવું માનનારા મરણની છેલ્લી ઘડી સુધી, સેંકડો આશારુપી પાશથી બંધાયેલા, કામ ક્રોધમાં રહેનારા અને વિષયભોગ માટે અન્યાયપૂર્વક ધનનો સંગ્રહ કરવાની વૃત્તિ વાળા હોય છે. શ્લોક ૧૩થી ૧૬માં કહ્યું કેઃ ‘‘તેઓ વિચારે છે કે આજે મેં આ મેળવ્યું અને હવે પછી આ વસ્તુ મેળવીશ. આટલું ધન તો મારી પાસે છે અને હવે ફરી આટલું ધન મેળવીશ. આ શત્રુને મેં માર્યો અને બીજાઓને પણ મારીશ.’’
હું સર્વાધીશ છું. ઐશ્વર્યનો ભોક્તા છું. સર્વ સિધ્ધિઓથી પરિપૂર્ણ છું. હું સુખી છું. હું ધનાઢ્ય છું. હું મોટા કુટુંબવાળો કુલીન છું. મારા જેવો બીજો કોણ છે ? હું યજ્ઞ કરીશ, હું દાન કરીશ. ( આવું સારાં કાર્યો માટેનું અભિમાન પણ અયોગ્ય છે.) પોતાને જ શ્રેષ્ટ માનનારા ઘમંડી પુરુષો, ધન અને માનના મદવાળા, શાસ્ત્રવિધિ છોડીને દંભથી કેવળ નામ માત્રના યજ્ઞો કરે છે. આવા મનુષ્યો મારો દ્વેષ કરવાવાળા હોય છે, તેથી મને પામી શકતા નથી.
‘‘હે કૌંતેય ! કામ, ક્રોધ તથા લોભ એ ત્રણ પ્રકારનાં નરકનાં દ્વાર આત્માને નુકસાન કરે છે. માટે એ ત્રણેને તજી દેવાં જોઈએ. આ ત્રણથી મુક્ત થયેલો મનુષ્ય પોતાનું કલ્યાણ થાય એવાં કર્મ કરે છે તેથી પરમ ગતિ પામે છે.’’
સારા, નરસાની આ વ્યાખ્યા કોઈ સામાન્ય માણસે નથી કરી, પણ જગતના તાતે કરી છે. પરમાત્મા સારાં કાર્યોનું અનુમોદન કરે છે અને અયોગ્ય કાર્યોનું અનુમોદન કરતા નથી એ તો દીવા જેવું સ્પષ્ટ છે. આ સીધીસાદી વાત સમજ્યા પછી પણ આપણે અયોગ્ય કાર્યો તજીએ નહીં તો આપણે મહામૂરખ છીએ એમ માનવું પડે.
આપણે સંત કક્ષાના મહાનુભાવ નથી એટલે પ્રયત્નો છતાં આપણામાં ઘણી ખામી રહેવાની એ સ્વાભાવિક છે. તેમ છતાં આપણો પ્રયત્ન તો વધુ ને વધુ સારા બનવાનો હોવો જોઈએ, સારા દેખાવાનો નહીં. સંત જેટલી ઊંચી કક્ષાએ ન પહોંચીએ તો પણ આપણા અયોગ્ય સ્વભાવ કે કર્મનો આપણને અફસોસ થવો જોઈએ અને ફરીથી તેવી ભૂલ ન થાય એવી કાળજી લેવી જોઈએ.
શ્રી બ. ક. ઠાકોર નામના વિદ્વાન કવિએ કહ્યું છેઃ ‘‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન.’’ ઘણા લોકો માને છે કે સારા થવાની વાત સહેલી છે, પણ વાસ્તવિક જીવનમાં એ બહુ અઘરી છે. એ વાત સાચી છે, પરંતુ સહેલા દાખલા તો સહુ ગણે એમાં કાંઈ નવું નથી. અઘરા દાખલા ગણવાની મજા માણવા જેવી છે. પ્રયત્ન કર્યા વિના હાર શા માટે સ્વીકારી લેવી ? જો આપણા મહાન વૈજ્ઞાનિકોએ કોઈ શોધ કર્યા પહેલાં જ હાર સ્વીકારી લીધી હોત તો આજે આપણે જેટલી ભૌતિક સુખ સગવડ ભોગવીએ છીએ તે ન ભોગવી શકત. કાંઈ પણ સારું પરિણામ મેળવવા માટે અથાક પ્રયત્ન કરવો અત્યંત જરૂરી છે. જે વાત ભૌતિક બાબતોને લાગુ પડે છે એ જ વાત આધ્યાત્મિક બાબતોને લાગુ પડે છે.
શ્રીકૃષ્ણ ભગવાનનાં પરમ ભક્ત મીરાંબાઈ, પ્રભુની ભક્તિ કરતાં કરતાં જીવનને એટલી બધી ઊંચી કક્ષાએ લઈ ગયાં કે ભગવાન શ્રી દ્વારિકાધીશજીની મૂર્તિમાં સદેહે સમાઈ ગયાં. તેમણે ગાયું કે :
‘‘પાયોજી મૈંને રામ રતન ધન પાયો......’’
અને એ ધન પણ કેવું ?
‘‘ખર્ચ્યો ન ખૂટે, વાકો ચોર ન લુંટે, દિન દિન બઢત સવાયો.’’
આને કહેવાય દૈવી સંપત્તિ. પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં જે આનંદ મળે તે ક્યારેય ખૂટે નહીં. તેને કોઈ લૂંટી ન શકે અને તે સતત વધતો જ રહે. એ આનંદ જ પરમ આનંદ તરફ લઈ જાય.
કહેવાય છે કે રાવણ ભગવાન શિવનો પરમ ઉપાસક હતો. તે પરાક્રમી હતો, નવ ગ્રહને તેણે વશ કરેલા. તેની નગરી સોનાની લંકા કહેવાતી. આમ તેની પાસે અખૂટ શક્તિ અને ભૌતિક સંપત્તિ હતી. અહંકારને લીધે કુબુદ્ધિ સુઝતાં, તેની શક્તિ અને સંપત્તિનો સંપૂર્ણ નાશ થયો. એ આસુરી શક્તિ અને સંપત્તિ હતાં, એટલે જ વિનાશ થયો. દૈવી સંપત્તિનો નાશ ન થાય.

૨૮. ઉત્તમ જીવન

શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને યુદ્ધ કરવા પાનો ચડાવવા માટે જ કેવળ ગીતા ઉપદેશ આપેલો નથી. યુદ્ધના તેઓ હિમાયતી ન હતા. ઊલટું યુદ્ધ અટકાવવા માટે શક્ય એટલા તમામ પ્રયત્નો કરવા જોઈએ એમ તેઓ માનતા હતા. એટલે તો પોતે રાજાઓ કરતાં પણ શ્રેષ્ઠ હોવા છતાં શાંતિદૂત તરીકે કૌરવોને સમજાવવા હસ્તિનાપુર ગયા હતા. મૂઢ દુર્યોધન સમજ્યો નહીં એટલે જ મહાભારત યુદ્ધ અનિવાર્ય બની ગયું.
ઉત્તમ જીવન અંગેની બહુ રસપ્રદ અને મહત્વની ચર્ચા ગીતાજીમાં થયેલી છે. એ તો ગીતાજી વાંચીએ તો જ સમજાય. એટલે જ જેમણે ગીતાજીનો અભ્યાસ કરેલો છે તેવા વિદ્વાનો આ ગ્રંથને વિશ્વગ્રંથ ગણે છે. શ્રદ્ધા ત્રય વિભાગ યોગનામના ૧૭મા અધ્યાયમાં શ્લોક નં.૩,,,૧૧,૧૪થી ૧૯ એ બધા જ બહુ ઉત્તમ શ્લોક છે અને જીવન ઘડતર માટે ખાસ વાંચવા જેવા છે.
શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે બધા મનુષ્યોની શ્રદ્ધા તેમના અંતઃકરણની શુદ્ધિ અનુસાર હોય છે. જેવી જેની શ્રદ્ધા, તેવો તે થાય છે. સાત્વિક શ્રદ્ધાવાળા પુરુષો દેવોને ભજે છે, રાજસી શ્રદ્ધાવાળા યક્ષ અને રાક્ષસોને ભજે છે અને તામસી શ્રદ્ધાવાળા ભૂત, પ્રેત વગેરેને ભજે છે.
આહાર પણ સૌને પોતપોતાની પ્રકૃતિ અનુસાર પ્રિય હોય છે. આયુષ્ય, સાત્વિકતા, બળ, આરોગ્ય, સુખ અને રુચિ વધારનારા, રસયુક્ત, પૌષ્ટિક તથા મનને ગમે તેવા આહાર સાત્વિક લોકોને પ્રિય હોય છે. કડવા, ખાટા, ખારા, ખૂબ ગરમ, તીખા તમતમતા, સૂકા અને દાહ કરનારા આહારો રાજસ મનુષ્યોને પ્રિય હોય છે. કેટલીય વાર સુધી પડી રહેલું, ઊતરી ગયેલું, દુર્ગંધયુક્ત, વાસી, ઉચ્છિષ્ટ અને અપવિત્ર ભોજન તામસ લોકોને પ્રિય હોય છે.
ફળની આકાંક્ષા વગરના મનુષ્યો, કર્તવ્ય સમજીને વિધિપૂર્વક જે યજ્ઞ કરે છે તે સાત્વિક યજ્ઞ છે. ફળની આકાંક્ષા રાખીને તેમ જ દંભથી જે યજ્ઞ કરે છે તે રાજસ યજ્ઞ છે. શાસ્ત્રવિધિ રહિત, અન્નદાન રહિત, મંત્ર રહિત, દક્ષિણા રહિત અને શ્રદ્ધા રહિત જે યજ્ઞ કરવામાં આવે છે તે તામસ યજ્ઞ છે.
દેવતા, બ્રાહ્મણ, ગુરુ અને જ્ઞાનીજનોનું પૂજન, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા આ શારીરિક તપ કહેવાય છે. કોઈને ઉદ્વેગ ન કરનારી, સત્ય, પ્રિય અને હિત કરનારી વાણી બોલવી તથા સદગ્રંથોનું પઠન કરવું તે વાણીનું તપ કહેવાય છે. મનની પ્રસન્નતા, સૌમ્ય ભાવ, મૌન, આત્મસંયમ અને ભાવનાશુદ્ધિ મનનું તપ કહેવાય છે. આ પ્રકારનું તપ જ્યારે પરમ શ્રદ્ધાથી, ફળની આકાંક્ષા વગર કરવામાં આવે છે ત્યારે સાત્વિક તપ કહેવાય છે. કોઈનાં  સત્કાર, ખુશામત અથવા પૂજા માટે જે તપ થાય છે તે ક્ષણિક અને અનિશ્ચિત ફળ આપનાર રાજસ તપ કહેવાય છે. જે મૂઢતાપૂર્વક હઠથી, મન, વાણી અને શરીરને પીડીને બીજાનું અનિષ્ટ કરવાના હેતુથી તપ કરાય છે તેને તામસ તપ કહેવાય છે.
ઉપરની તમામ વાતો બહુ સરળ છે તેમ છતાં કાંઈ ન સમજાય તો તેની માથાકૂટ કરવાને બદલે જેટલું સમજાય તેટલું આચરણ કરીએ તો પણ જીવન ધન્ય બની જાય. જીવનને ઉત્તમ બનાવવા માટે ઉપરની તમામ વાતો કેટલી અગત્યની છે તે સમજાવવાની જરૂર નથી. વળી એ ખુદ પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાને કહેલી છે એટલે તેનું મહત્વ ખૂબ વધી જાય છે. આપણા ચીલાચાલુ જીવનથી આપણને સંતોષ છે કે આપણે આપણું જીવન સુધારવા માગીએ છીએ એટલું જ વિચારવાનું રહે છે. જો સુધારવા માગતા હોઈએ તો ગીતાજીના શ્લોકો ગોખવાને બદલે પરમાત્માએ કહેલી વાતોને જીવનમાં ઉતારીએ.
પૈસાથી ઘણું બધું ખરીદી શકાય છે, પણ ઉત્તમ સંસ્કાર બજારમાં વેચાતા નથી. એને માટે માર્ગદર્શન આપતાં પુસ્તકો વેચાતાં મળે, પરંતુ સંસ્કાર ન મળે. આપણા જન્મ પછી તો ઠીક, પણ જન્મ પહેલાં પણ ઉત્તમ સંસ્કાર મા આપી શકે. ભક્ત પ્રહલાદનાં મા ગર્ભવતી હતાં ત્યારે સંજોગવશાત્ તેમને દેવર્ષિ નારદજીના આશ્રમમાં રહેવાનું થયું. આશ્રમના પવિત્ર અને ભક્તિમય વાતાવરણની અદભુત અસરથી અસુરકુળમાં જન્મવા છતાં પ્રહલાદજી પરમાત્માના પરમ ભક્ત બન્યા.
શ્રીકૃષ્ણ ભગવાનનાં બહેન સુભદ્રાને ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ વેદના થતી હતી. તેમનું મન બીજે વાળવા શ્રીકૃષ્ણ ભગવાને યુદ્ધ દરમિયાન ચક્રવ્યૂહ તોડવાની અટપટી વાતો કહેવાનું શરૂ કર્યું. સુભદ્રાને નીંદર આવી જતાં ચક્રવ્યૂહની વાત અધૂરી રહી. ગર્ભાવસ્થામાં સાંભળેલી વાતને કારણે અભિમન્યુએ મહાભારતના યુદ્ધ દરમિયાન ચક્રવ્યૂહ તોડવા કોશિશ કરી, પણ અધૂરા જ્ઞાનને કારણે સફળતા ન મળતાં તેનું મૃત્યુ થયું. આ તો પુરાણોની વાત થઈ, પણ કહેવાય છે કે માતા જીજાબાઈ ગર્ભાવસ્થા દરમિયાન રામાયણ, ભાગવત વગેરે ગ્રંથોનું વાંચન કરતાં તેથી ધર્મનું રક્ષણ કરવાની તીવ્ર ઇચ્છાશક્તિ છત્રપતિ શિવાજીમાં જન્મ પહેલાં જ જાગૃત થઈ ગઈ હતી.
‘‘પેટમાં પોઢીને સાંભળેલી બાળે, રામ, લક્ષ્મણની વાત,
માતાજીને મુખ જે દીથી, ઊડી એની ઊંઘ તે દીથી.’’
જેનાં વાણી, વર્તનની આટલી બધી અસર જન્મ પહેલાં થતી હોય એ માતાએ પોતાના બાળકને સુસંસ્કારી બનાવવા કેટલી બધી કાળજી લેવી જોઈએ ! આવી જ જવાબદારી પિતા અને શિક્ષકોની છે. બાળપણમાં મળેલાં સંસ્કારો અને વાતાવરણ બાળકને ઘડે છે. જે ઘરમાં ગાળાગાળી કે મારકૂટ થતી હોય, માબાપ, બાળકો પ્રત્યે બેપરવા હોય, શાળાના શિક્ષકોને ટ્યુશન સિવાય ભણાવવામાં રસ ન હોય એ તમામ નાની નાની વાતો બાળકોનાં ભાવિ જીવન પર અસર કરે છે.
આઝાદી પહેલાં મોજશોખનાં સાધનો ઓછાં હતાં. શિક્ષકો કર્તવ્યનિષ્ઠ અને સંતોષી હતા. લોકોમાં દેશદાઝ હતી, પણ આજે આઝાદી પછી મોજશોખનાં સાધન વધ્યાં, ધન પાછળની આંધળી દોટને કારણે શિક્ષણનું સ્તર નીચે ગયું. શિક્ષકો પરીક્ષામાં ચોરી કરવામાં મદદ કરે, પૈસા ખર્ચીને કે લાગવગના જોરે પેપરમાં માર્ક મુકાવી શકાય, ડોનેશન આપી શકે તેને એડમિશન મળી શકે એવી પ્રથા શરૂ થઈ. હોશિયાર વિદ્યાર્થી શિક્ષણથી વંચિત રહે અને ધનવાનને તક મળે એને ન્યાય કહેવાય ? આપણે સૌએ સંસ્કારને બદલે ધનને જ મહત્વ આપ્યું છે તેનું આ પરિણામ છે. આ બધાં દૂષણો માટે આપણે જ જવાબદાર છીએ. બીજા કોઈને દોષ દેવાની જરૂર નથી.
શ્રીકૃષ્ણ ભગવાને કહેલી જીવનને ઉત્તમ બનાવવાની રીત જો માતાપિતા અને શિક્ષકો, શુભનિષ્ઠાથી અમલમાં મૂકે તો બાળકોને સુસંસ્કારી બનાવી શકાય. સમાજનો સડો સાફ કરવા માટે એ બહુ જરૂરી છે. વળી એમાં કાંઈ ખર્ચ થતો નથી. કોઈને દુઃખ થાય તેવું ન બોલવું, કોઈનું અપમાન થાય તેવી મજાકમશ્કરી ન કરવી. સદાય હસતાં રહેવું, મુશ્કેલીમાં પણ હિંમત ન હારવી. નાની નાની બાબતમાં પણ બીજાને ઉપયોગી થવાની કોશિશ કરવી. બીજાને તકલીફ થાય તેવું કાંઈ ન કરવું. આપણે આટલું પણ ન કરી શકીએ ? જીવનમાં સતત કાંટા વાગ્યા કરે છે તેવી ફરિયાદ કરવાને બદલે ખુદ પરમાત્માએ બતાવેલી ફૂલની કેડી પર ચાલીએ તો જીવન ફૂલોની સુવાસથી મહેકતું થઈ જાય.

૨૯. ઉત્તમ દાન

શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના શ્રદ્ધાત્રયવિભાગ યોગનામના ૧૭મા અધ્યાયમાં શ્લોક નં.૨૦-૨૧-૨૨માં દાનના ત્રણ પ્રકાર બાબત વાત કરી છે.
દાન આપવું એ ફરજ છે તેવી બુદ્ધિથી, બદલો મળવાની આશા વગર, યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિને જે દાન આપવામાં આવે છે તે સાત્વિક દાન કહેવાય છે, પરંતુ જે બદલો મેળવવા માટે અથવા ફળની આશાથી, કચવાતા મને દાન આપવામાં આવે છે તે રાજસ દાન કહેવાય છે. જે દાન સત્કાર વગર, તિરસ્કારથી અને અયોગ્ય દેશકાળમાં, કુપાત્રને આપવામાં આવે છે તે તામસ દાન કહેવાય છે.
સંસ્કૃત સાહિત્યમાં ધનની ત્રણ ગતિ દર્શાવેલી છે. ‘‘દાન, ભોગ, વિનાશ.’’ જે ધન બીજાના હિત માટે વપરાય તે દાન કહેવાય છે. જે ધન પોતાને માટે કે પોતાના પરિવાર માટે વપરાય તે ભોગ કહેવાય છે. જે ધન કોઈ માટે ન વપરાય એટલે કે ફક્ત સંગ્રહ રૂપે પડી રહે તે અને જે ધન અયોગ્ય કામ માટે વપરાય તે ધનનો વિનાશ કહેવાય છે.
પોતાના સ્વાર્થ વિના, બીજાનું દુઃખ દૂર કરવા, ધનનો સદ્ઉપયોગ થાય તેને ઉત્તમ ગણી શકાય. ધનનો ઉપભોગ કરવામાં કાંઈ ખોટું નથી. બીજાનું અહિત કર્યા સિવાય, પોતે જે કાંઈ કમાય તે ફક્ત પોતાના પરિવાર માટે જ વાપરે તેમાં કાંઈ જ અયોગ્ય નથી, પણ એ જીવનનું શ્રેષ્ઠ લક્ષણ નથી. હિંદીના સુપ્રસિદ્ધ કવિ શ્રી મૈથિલીશરણજીએ તો ગજબ કહ્યું :
‘‘યહી પશુ પ્રવૃત્તિ હૈ, કિ આપ આપ હી ચરે,
વહી મનુષ્ય હૈ કિ જો મનુષ્ય કે લીયે મરે.’’
લાંચ આપીને ખોટાં કામ કરાવવામાં કે સોપારીને નામે મોટી રકમ આપીને કોઈનું ખૂન કરાવવામાં જે ધન વપરાય છે એ ધનનો વિનાશ જ છે. ખોટાં કામ કરાવવાથી આપણને કદાચ થોડો આર્થિક ફાયદો થતો હશે, પણ સમાજને આપણે ગંભીર નુકસાન પહોંચાડીએ છીએ. લાંચિયા કર્મચારી, લાંચ ન મળે તો કામ કરતા નથી, આમ કામચોરી વધે છે અને સાચા માણસોને તેમનું કામ ન થવાથી અન્યાય થાય છે.
ભવિષ્યમાં કામ લાગે એ દ્રષ્ટિએ ધનનો થોડો સંચય જરૂરી છે. અણધારી માંદગી કે કોઈ સામાજિક જવાબદારીને કારણે રકમની જરૂર પડે તો મૂંઝાવું ન પડે, પણ ફક્ત બેંક બેલેન્સ વધારવાની વૃત્તિ યોગ્ય નથી. તેમાં પણ અયોગ્ય માર્ગે ધન ભેગું કરીને સ્વિસ બેંકમાં મૂકવું પડે એ તો દેશદ્રોહ જ છે. પશુ કરતાં માનવી વધુ બુદ્ધિશાળી છે, એટલે ધન, અનાજ, પાણી વગેરે વસ્તુઓનો સંગ્રહ કરે છે. એક વાર સંગ્રહની વૃત્તિ શરૂ થાય પછી સોનું, ચાંદી, રૂપિયા બધું સંઘરવા મંડે. આ અસંતોષની વૃત્તિ જ પતનનું કારણ બને છે.
સંતો ધન સંઘરતા નથી તો પણ તેઓ ગજબ સેવા કરી શકે છે. સદગુરુ શ્રી રણછોડદાસજી મહારાજ પાસે જરાય ધન ન હતું તેમ છતાં બિહારમાં દુકાળ પડતાં તેમણે ત્યાં અન્નક્ષેત્ર ચાલુ કર્યું. દરરોજ ૩૫,૦૦૦ (પાંત્રીસ હજાર) માણસોને તેઓ જમાડતા. આ કેમ્પ છ મહિના ચાલ્યો. ધન ન હોય તો પણ એક સાચા સંત શું કરી શકે એ જાણવા ‘‘માનવ દ્રષ્ટિ’’ નામનું પુસ્તક સૌએ વાંચવા જેવું છે. અનેક સજ્જનોએ સ્વેચ્છાએ યથાશક્તિ દાન આપ્યું, તેમની સુવ્યવસ્થિત નિષ્કામ સેવાથી પ્રભાવિત થઈને, અરવિંદ મિલ્સવાળા શ્રી અરવિંદભાઈ મફતલાલે છ મહિના સુધીનો રાહત કેમ્પનો તમામ ખર્ચ સ્વેચ્છાએ ઉપાડી લીધો.
પૂજ્ય રણછોડદાસજી મહારાજ તેમના ઉપદેશમાં કહેતા કે જેમની પાસે લાખો રૂપિયા હોય તે જ દાન કરી શકે એવું નથી. તમે શ્રીમંત ન હો તો પણ થોડુંક દાન તો જરૂર કરી શકો. તમને સિનેમા જોવાનો શોખ હોય તો એક સિનેમા ન જોઈને, એક ટિકિટ જેટલું દાન કરો. સિગારેટ પીવાનો શોખ હોય તો થોડીક સિગારેટ ઓછી પીને એક પાકીટ જેટલા રૂપિયા દાનમાં આપો. બીજાના હિત માટે તમારા મોજશોખમાં થોડો કાપ મૂકીને તમે બીજા માટે તકલીફ વેઠીને થોડુંક દાન કરો. એ શ્રેષ્ઠ દાન છે. તમને કોઈ વ્યસન ન હોય અને ધન પણ ન હોય તો પણ તમે તનથી અન્યની સેવા કરી શકો. શ્રમદાન પણ દાન જ છે. કદાચ ધન ન હોય અને સગાંસંબંધી દુષ્કાળ રાહત કેમ્પમાં જવાની રજા ન આપે તો પણ તમે ધન વિના કે શ્રમદાન રૂપે તનથી થતી સેવા પણ કર્યા વિના ઘેર બેસીને પણ અન્યની સેવા કરી શકો. દુષ્કાળ પીડિત માનવીઓનું કલ્યાણ કરવા, સાચા દિલથી પરમાત્માને પ્રાર્થના કરો. તમારી પ્રાર્થના પ્રભુ જરૂર સાંભળશે. આ મનથી થતી સેવા છે. સેવા તન, મન કે ધન કોઈ પણ રીતે થઈ શકે.
બીજાના હિત માટે અપાતું ધન એ દાન છે, પણ શ્રીકૃષ્ણ ભગવાને ભારપૂર્વક કહ્યું છે કે બદલો મળવાની આશા રાખ્યા વિના જે દાન અપાય તે જ સાત્વિક દાન છે. ગીતાજીમાં અનેક વાર ફળની આશા રાખ્યા વિના જ કર્મ કરવા પર ભાર મૂકેલો છે. દાન લેનારી વ્યક્તિ આભાર માને એટલી પણ અપેક્ષા ન રાખવી જોઈએ. સંપૂર્ણ નિષ્કામ ભાવે પ્રભુની પૂજા કરવાની શુભ ભાવનારૂપે દાન કરવું જોઈએ.
શ્રેષ્ઠ દાન કોને કહેવાય એ બાબત મહાભારતમાં એક બહુ સરસ કથા છે, જે ભાવનગરના શ્રી નાનાભાઈ ભટ્ટ નામના વિદ્વાન લેખકે તેમના ‘‘હિંદુ ધર્મની આખ્યાયિકાઓ’’ નામના ઉત્તમ પુસ્તકમાં લખી છે.
યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યો ત્યારે સારા કાર્ય માટે પુષ્કળ ધન વાપર્યું. શ્રીકૃષ્ણ ભગવાન, મહામુનિ વેદ વ્યાસજી, પાંડવો અને અનેક મહાનુભાવો જમીને વાતો કરતા હતા ત્યારે અર્ધું સોનાનું અને અર્ધું નોળિયા જેવું એક વિચિત્ર પ્રાણી જોયું. એ કચરામાં આળોટતું હતું. સૌને નવાઈ લાગી. મહર્ષિ વેદ વ્યાસજીએ તેના પર મંત્ર ભણીને પાણી છાંટતાં એ બોલી ઊઠ્યું : ‘‘આ યજ્ઞ ખોટો છે.’’ પાંડવો ગુસ્સે થઈને એને મારવા જતા હતા, તેમને શ્રીકૃષ્ણ ભગવાને રોક્યા અને કારણ જાણવા કહ્યું. પ્રાણીએ વાત કરી :
‘‘એક બ્રાહ્મણ પરિવાર ભિક્ષાન્ન પર જીવનનિર્વાહ કરતો હતો. મળેલી ભિક્ષામાંથી રસોઈ બનાવી જમવા બેસતાં એક વૃદ્ધ અતિથિ આવ્યા. તેઓ ખૂબ ભૂખ્યા હતા. બધું અન્ન તેમને આપી પરિવાર ભૂખ્યો રહ્યો. આવું એક મહિના સુધી ચાલ્યું. કોઈનાં મન પર કચવાટ ન હતો. બીજાને જમાડ્યાનો પરમ સંતોષ હતો. છેવટે અતિથિ રૂપે આવતા પરમાત્માએ દર્શન આપ્યાં. અતિથિએ જમીને હાથ ધોતાં થયેલા થોડાક કચરામાંથી હું પસાર થતાં મારું શરીર આવું થયું ત્યાર પછી હું ઘણે ઠેકાણે ગયો, પણ બાકીનું શરીર સોનાનું ન થયું. અહીં પણ ન થયું એટલે જ મેં કહ્યું કે આ યજ્ઞ ખોટો છે. પોતે ભૂખ્યા રહીને બીજાને અન્નદાન આપનારનો સેવાયજ્ઞ જ સાચો છે.’’
આપણી પાસે પુષ્કળ ધન હોય તો પણ તેમાંથી થોડુંક બીજા માટે વાપરતાં આપણે અચકાઈએ છીએ. આપણી પાસે કેટલું ધન છે એ વાત મહત્વની નથી. પુષ્કળ ધન હોય તો પણ આપણે ગરીબ હોઈ શકીએ. મનથી કંગાળ હોવું અને વધુ ને વધુ ધન ભેગું કર્યા કરવા ઝાવાં મારવાં એ અયોગ્ય છે. આપણી પાસે પુષ્કળ ધન હોય અને કદાચ થોડુંક બીજા માટે વાપરીએ તો પણ તેમાં મોટાઈ નથી. આપણા દાનની વાત જાણીને કોઈક આપણી વાહવાહ કરે, આપણા નામની તકતી ક્યાંક મુકાય, આપણે શ્રીમંત છીએ એવી સમાજમાં વાત ફેલાય એટલી અપેક્ષા મનમાં રહે છે. આપણે તકલીફ વેઠીને કોઈકનું ભલું કરવાનું ક્યારેય વિચારીએ છીએ ? આપણે ભૂખ્યા રહીને કોઈ ભૂખ્યા માનવીને જમાડવાનું ક્યારેય વિચારીશું? શ્રીકૃષ્ણ ભગવાને આવા દાનને જ શ્રેષ્ઠ ગણ્યું છે.

૩૦. મોક્ષ સંન્યાસ યોગ - ૧

શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને ઉદબોધેલો શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો આ છેલ્લો અધ્યાય છે. અર્જુને સંન્યાસ અને ત્યાગનું તત્વ જુદું જુદું સમજાવવા વિનંતી કરતાં પરમાત્માએ સમજાવ્યું કે કામ્ય કર્મોના ત્યાગને સંન્યાસ અને કર્મફળના ત્યાગને ત્યાગ કહેવાય છે. આમ બંને ત્યાગ જ છે.
અમુક વિદ્વાનો માને છે કે જીવનના બંધનનું મુખ્ય કારણ કર્મ છે માટે કર્મ ન કરવાં જોઈએ. પરંતુ બીજા વિદ્વાનો માને છે કે દાન, તપ, યજ્ઞ વગેરે કર્મો ત્યજવા જેવાં નથી. જીવનની ઉન્નતિ માટે એ જરૂરી છે. આમ કર્મત્યાગ એટલે કે સંન્યાસ બાબત વિદ્વાનોમાં મતમતાંતર છે. આ બાબત પોતાનો નિર્ણય આપતાં, શ્લોક નં. ૫ અને ૬માં પરમાત્મા કહે છે કે યજ્ઞ, દાન અને તપનાં કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં. એ તો બુદ્ધિમાન મનુષ્યોને પણ પાવન કરનાર છે. પરંતુ ‘‘હે પાર્થ ! આ કર્મો આસક્તિ અને ફળની ઈચ્છા છોડીને જ કરવાં જોઈએ. એવો મારો નિશ્ચિત અને ઉત્તમ મત છે.’’
ગીતાજીનો ખરો પ્રારંભ બીજા અધ્યાય ‘સાંખ્યયોગ’થી થાય છે. પરમાત્માએ તેમાં કહ્યું છે કે : ‘‘તને ફક્ત કર્મ કરવાનો જ અધિકાર છે. ફળની આશા તારે રાખવી નહીં.’’ આ આપણે ખાસ યાદ રાખવા જેવું છે. ગીતાજીની શરૂઆતમાં થયેલ વાત પર પરમાત્માએ છેલ્લા અધ્યાયમાં પણ ખૂબ ભાર મૂક્યો છે.
‘‘નિયત કર્મોનો કદી ત્યાગ ન કરવો જોઈએ. છતાં મોહવશ, આપણે તેનો ત્યાગ કરીએ તો તે તામસ ત્યાગ કહેવાય છે. જે કંઈ કર્મ છે તે બધાં જ દુ:ખરૂપ છે, એમ સમજીને શારીરિક કષ્ટના ભયથી જે કર્મો છોડી દેવાય તેને રાજસ ત્યાગ કહે છે. આવા ત્યાગનું ફળ મળતું નથી. હે અર્જુન ! કર્તવ્ય તરીકે નિયત થયેલું કર્મ, જે પોતાનો ધર્મ સમજીને, આસક્તિ અને ફળની ઈચ્છાનો ત્યાગ કરીને કરાય છે, તે ત્યાગ સાત્વિક ત્યાગ મનાયો છે. આવો ત્યાગી બુદ્ધિમાન અને સંશયરહિત હોઈ મુશ્કેલ કામ ધિક્કારતો નથી અને કલ્યાણ કરનારાં કામોમાં આસક્ત થતો નથી. કર્મોનો સંપૂર્ણ ત્યાગ કરવો એ દેહધારી મનુષ્ય માટે શક્ય નથી. તેથી જે મનુષ્ય કર્મફળનો ત્યાગી છે તે જ ત્યાગી છે, એમ કહેવાય છે.’’
કર્મફળનો ત્યાગ ન કરનારાઓને મરણ પછી (પણ) કર્મનું, સારૂં, માઠું અને મિશ્ર, એમ ત્રણ પ્રકારે ફળ મળે છે, પરંતુ જે કર્મફળનો ત્યાગી છે એવા કર્મફળ સંન્યાસીને આવાં ફળ કદી ભોગવવાં પડતાં નથી. કર્મોમાં જેને ‘‘હું કર્તા છું’’, એવો અહંકાર નથી, તેની બુદ્ધિ તે કર્મની સિદ્ધિ અસિદ્ધિથી લેપાતી નથી, એટલે કે કર્મનાં ફળની તેને અસર થતી નથી, તે આ બધા લોકોને મારી નાખે તો પણ તે ખરી રીતે મારતો નથી અને બંધનમાં પડતો નથી.( આ વાત યુદ્ધના સંદર્ભમાં હોવાથી આમ કહ્યું છે, પરંતુ સામાન્ય અર્થમાં ‘‘હું કર્તા છું’’, એવા અહંકાર વિના જે કર્મ કરવામાં આવે તે કર્મ, બંધનકર્તા બનતું નથી.)
જ્ઞાનના ત્રણ પ્રકાર સમજાવી કહ્યું કે ‘‘જે જ્ઞાનથી મનુષ્ય, જુદા જુદા દેખાતા સર્વ ભૂતોમાં રહેલા પરમ તત્ત્વને, અવિનાશી ભાવે એકરૂપે જોઈ શકે તે જ્ઞાનને સાત્વિક જ્ઞાન કહે છે અને જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા દેખાતા સર્વ ભૂતોમાં પરમ તત્ત્વને વહેંચાયેલું માને તે રાજસ જ્ઞાન છે. જે જ્ઞાન એક જ કાર્યમાં લાભ માની તેનું સ્વરૂપ સમજ્યા વિના, વગર વિચાર્યે તેમાં આસક્ત થઈ જાય તેને તામસ જ્ઞાન જાણ.’’
કર્મના ત્રણ પ્રકાર સમજાવી કહ્યું કે ‘‘કર્તવ્ય તરીકે નિયત થયેલું જે કર્મ, રાગદ્વેષ અને આસક્તિથી રહિત થઈને ફળની ઇચ્છા વગર મનુષ્ય કરે તે સાત્વિક કર્મ છે. જે કર્મ ‘‘હું કર્તા છું" એવા અભિમાનપૂર્વક, કામનાવાળો મનુષ્ય, ફળને માટે બહુ મહેનત ઉઠાવી કરે તે રાજસ કર્મ કહેવાય છે. પરિણામનો, વસ્તુઓના બગાડનો, હિંસાનો અને પોતાની શક્તિનો વિચાર કર્યા વગર મનુષ્ય, અજ્ઞાનથી જે કાર્યનો આરંભ કરે છે તે તામસ કર્મ છે.
જે કર્તા, આસક્તિરહિત, અહંકાર ન રાખનાર, કાર્ય સિદ્ધ થાય કે ન થાય તેમાં સમાન ભાવ રાખવાવાળો, હર્ષ શોક વિનાનો છે તે સાત્વિક કર્તા છે. જે કર્તા આસક્તિયુક્ત, કર્મના ફળની ઈચ્છાવાળો અને લોભી છે તથા બીજાઓને કષ્ટ દેવાના સ્વભાવવાળો અને હર્ષ શોકમાં આવેશવાળો છે, તે રાજસ કર્તા છે. જે કર્તા અવ્યવસ્થિત, અસંસ્કારી, શઠ, અજ્ઞાની, જક્કી, આળસુ, શોક કરનાર તથા દીર્ઘસુત્રી છે, તે તામસ કર્તા છે.
આ તમામ બાબતો અંગે વિચારીશું તો સ્પષ્ટ પણે સમજાશે કે પરમાત્માએ જીવનમાં સદગુણોને કેટલું બધું મહત્વ આપ્યું છે. પરમાત્માનું અવતાર કાર્ય જ ધર્મ સંસ્થાપનાનું છે. સારા ગુણોનું મહત્વ સમાજમાં વધે તો જ સાચા અર્થમાં ધર્મની સંસ્થાપના થઈ શકે. સાત્વિક જ્ઞાન, રાજસ જ્ઞાન અને તામસ જ્ઞાન, સાત્વિક કર્મ, રાજસ કર્મ અને તામસ કર્મ એ ચર્ચા, ગીતાજીમાં અગાઉ જે કહેવાયું છે તેની પુનરોક્તિ જ છે. પરમાત્મા એ વાત પર અત્યંત ભાર મૂકે છે કે તમારાં તમામ કામ ફળની અપેક્ષા વિનાનાં હોવાં જોઈએ.
સાત્વિક જ્ઞાન એટલે પરમાત્મા બધામાં એક રૂપે વ્યાપેલા છે,તે વાત સાચા અર્થમાં સમજવી. સાત્વિક કર્મ કરીએ, સાત્વિક જ્ઞાન જીવનમાં ઉતારીએ તો ભક્તિ આપમેળે થશે, પ્રભુદર્શન શક્ય બનશે. પુણ્ય કમાવાની ગણતરીથી કોઈ સારું કામ કરવું કે અપયશની બીકથી કે કોઈના ડરથી, કોઈ કામ ન કરવું એ બંને ખોટું છે. ફરજ બજાવતાં બજાવતાં પ્રભુમય થઈ જવું એ જ જીવનનું ધ્યેય હોવું જોઈએ. કોઈ સજ્જને ફક્ત બે પંક્તિમાં ગીતાસાર સમજાવેલો છે :
‘‘સંસારમાં સરસો રહે, ને મન મારી પાસ,
સંસારથી લેપાય નહીં, તે જાણ મારો દાસ. ’’

૩૧. મોક્ષ સંન્યાસ યોગ - ૨

શ્રીકૃષ્ણ ભગવાને બુદ્ધિ અને ધૃતિના ત્રણ પ્રકાર વિષે સમજાવતાં કહ્યું : ‘‘હે પાર્થ ! જે બુદ્ધિ પ્રવૃત્તિ, નિવૃત્તિ, કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય, ભય, અભય, બંધન તથા મુક્તિને જાણે છે, તે સાત્વિક બુદ્ધિ છે. જેનાથી મનુષ્ય, ધર્મ તથા અધર્મને, કર્તવ્ય તથા અકર્તવ્યને યથાર્થ રીતે જાણી શકતો નથી, તે રાજસ બુદ્ધિ છે. હે પાર્થ ! અહંકારથી ઢંકાયેલી જે બુદ્ધિ અધર્મને ધર્મ સમજે છે અને બધા પદાર્થોને અવળી રીતે જુએ છે, તે તામસી બુદ્ધિ છે.’’
‘‘હે પાર્થ ! જે એકનિષ્ઠા ધૃતિથી, મનુષ્ય મન, પ્રાણ અને ઇંદ્રિયોની ક્રિયાઓને આત્મયોગથી ધારણ કરે છે, તે સાત્વિક ધૃતિ છે. હે અર્જુન ! ફળની ઈચ્છાવાળા લોકો જે ધૃતિથી આસક્તિ પૂર્વક ધર્મ અને અર્થ કામોને ધારણ કરે છે, તે રાજસી ધૃતિ છે. હે પાર્થ ! જે ધૃતિ વડે દુર્બુદ્ધિવાળા મનુષ્ય નિદ્રા, ભય, શોક અને જડતાને છોડી શકતા નથી, તે તામસી ધૃતિ છે.
સુખના પણ ત્રણ પ્રકાર સમજાવતાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું : ‘‘જે સુખ શરૂઆતમાં ઝેર જેવું લાગે, પણ પરિણામે અમૃત સમાન હોય તેવું આત્મજ્ઞાનની પ્રસન્નતાથી થયેલું સુખ સાત્વિક છે. વિષયો અને ઇંદ્રિયોના સંયોગથી ઉત્પન્ન થયેલું સુખ, શરૂઆતમાં અમૃત જેવું મીઠું લાગે, પણ પરિણામે ઝેર જેવો ગુણ કરે, તે સુખ રાજસી છે. જે સુખ આરંભમાં અને પરિણામમાં આત્માને મોહ ઉત્પન્ન કરનાર અને નિદ્રા, આળસ તથા પ્રમાદમાંથી ઉત્પન્ન થયું છે, તે સુખ તામસી છે. પૃથ્વી પર આ ત્રણે ગુણોથી મુક્ત કોઈ નથી.
હિન્દુ ધર્મની પ્રાચીન વર્ણવ્યવસ્થા પણ ત્રણ ગુણ અનુસાર, તેમના અલગ અલગ સ્વભાવને અનુલક્ષીને નક્કી કરવામાં આવેલી છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણના સ્વભાવજન્ય કર્મનું વર્ણન કરેલ છે. પોતપોતાના સ્વાભાવિક કર્મમાં જ રત રહીને મનુષ્ય મોક્ષ પામે છે. પોતાના ધર્મ કરતાં બીજાનો ધર્મ લાભકારક લાગતો હોય તો પણ, પોતાનો ધર્મ જ કલ્યાણકારક છે. તેથી પોતાના સ્વાભાવિક કર્તવ્યનું પાલન કરનારને પાપ લાગતું નથી. જેમ અગ્નિની સાથે ધુમાડો હોય છે તેમ કોઈ પણ કર્મ સાથે દોષ સંકળાયેલો જ હોય છે. પોતાનું કર્મ દોષયુક્ત હોય તો પણ તેનો ત્યાગ ન કરવો જોઈએ.
મન અને ઇંદ્રિયો જીતનાર, આસક્તિ રહિત બુદ્ધિવાળો મનુષ્ય , જેને કોઈ સ્પૃહા રહી નથી તે, જ્ઞાનયોગ દ્વારા, કર્મ કરવા છતાં, કર્મબંધનથી મુક્ત થાય છે. જ્ઞાનની પરમ નિષ્ઠા પામવાની આવશ્યક સાધનરૂપ અંતઃકરણની શુદ્ધિ બહુ જરૂરી છે. તેવો વિશુદ્ધ બુદ્ધિવાળો યોગી, દ્રઢતાપૂર્વક શબ્દ, સ્પર્શ વગેરે વિષયો તજીને, રાગદ્વેષ છોડીને, મિતાહાર તથા એકાંતસેવન દ્વારા, વાણી, શરીર તથા મનને વશ કરી, નિત્ય ચિંતન પરાયણ રહી, વૈરાગ્ય ધારણ કરી, અહંકાર, બળ, ઘમંડ, કામ, ક્રોધ અને પરિગ્રહનો ત્યાગ કરી, મમતા રહિત અને શાંત થઈ મોક્ષસ્થાનને પ્રાપ્ત કરવા યોગ્ય બને છે.
‘‘પરબ્રહ્મભાવને પ્રાપ્ત થયેલો તે પ્રસન્નચિત્ત મનુષ્ય, કશાનો શોક કરતો નથી. તે સર્વ ભૂતોમાં સમાન ભાવ રાખીને, મારી પરમ ભક્તિ પામે છે. તે યથાર્થરૂપે મને જાણે છે. મારા પરાયણ રહી સર્વ કર્મો રોજ કરવા છતાં પણ, મારી પ્રસન્નતાથી, અવિનાશી શાશ્વત પદને પામે છે. હે અર્જુન ! માટે તું પણ ચિત્તથી સર્વ કર્મો મને સમર્પણ કરી, મને પામવાની એક નિશ્ચયવાળી બુદ્ધિથી, કર્મયોગનો આશ્રય લઈ, સતત મારામાં ચિત્તવાળો થા. મારામાં ચિત્ત જોડવાથી, તારી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે. પરંતુ જો અહંકારને વશ થઈ મારૂં કહેવું નહીં સાંભળે, તો નાશ પામીશ. અહંકારને લીધે, તું એમ માને છે કે હું નહીં લડું, પણ તારો સ્વભાવ જ તને પરાણે એમાં જોડશે.’’
‘‘હે કૌંતેય ! મોહવશ તું અત્યારે જે કાર્ય કરવા નથી ઈચ્છતો, તે તારા સ્વભાવજન્ય પૂર્વ કર્મથી બંધાયેલો હોઈ પરવશ થઈને પણ કરીશ. હે ભારત ! તું સંપૂર્ણ ભાવથી પરમાત્માને શરણે જા. તેની કૃપાથી તને પરમ શાંતિ મળશે.’’
‘‘ ઈતિ તે જ્ઞાનમ્ આખ્યાતમ્, ગુહ્યાદ્ ગુહ્યતરમ્ મયા,
વિમૃશ્ય એતદ્ અશેષેણ, યથેચ્છસિ તથા કુરુ......’’ (ગીતા ૧૮ - ૬૩)
‘‘આ પ્રમાણે ગુહ્યમાં ગુહ્ય જ્ઞાન મેં તને કહ્યું. હવે તું પૂરેપૂરૂં વિચારીને જેમ યોગ્ય લાગે, તેમ કર.’’
આ શ્લોકનું છેલ્લું ચરણ બહુ જ મહત્વનું છે. શ્રીકૃષ્ણ ભગવાન માટે ઘણા લોકો માને છે કે તેમણે અર્જુનને યુદ્ધ કરવા માટે ઉશ્કેરવાથી જ મહાભારતનું યુદ્ધ થયું, પરંતુ ગીતાજીનું આ ચરણ તે વાતનું સ્પષ્ટ ખંડન કરે છે. શ્રીકૃષ્ણ ભગવાન યુદ્ધના હિમાયતી ન હતા. યુદ્ધથી થનાર સંભવિત વિનાશ અટકાવવા તો, તેઓ રાજા મહારાજાઓ કરતાં પણ શ્રેષ્ઠ હોવા છતાં, એક શાંતિદૂત તરીકે હસ્તિનાપુર ગયા હતા.
હસ્તિનાપુરની રાજસભામાં પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય, રાજા ધૃતરાષ્ટ્ર અને અનેક મહાનુભાવોની હાજરીમાં યુદ્ધ અટકાવવા, પાંડવોને ન્યાય આપવા વિનંતિ કરી. સમાધાનરૂપે પાંડવોને અર્ધા રાજ્યને બદલે ફક્ત પાંચ ગામ આપવા વિનંતિ કરી. પરંતુ અભિમાની દુર્યોધને સોયની અણી જેટલી જમીન પણ આપવાની ના પાડી. પુત્રમોહને લીધે, રાજા હોવા છતાં, ધૃતરાષ્ટ્ર કાંઈ બોલી ન શક્યા. પરિણામે યુદ્ધની શક્યતા ઊભી થઈ.
મૂંગે મોઢે અન્યાય સહન કરવો એ કાયરતા છે, એમ સ્પષ્ટ માનનાર શ્રીકૃષ્ણ ભગવાને પાંડવોને પોતાના હક્ક માટે લડી લેવા કહ્યું. તેમ છતાં યુદ્ધ શરૂ થવાના સમયે, પોતાના પૂજ્ય વડીલોને હણીને રાજ્ય મેળવવું ઉચિત નથી, તેમ વિચારી અર્જુને યુદ્ધ કરવા ના પાડી. છેલ્લી ઘડીએ દુર્બળતા દેખાડવા બદલ પરમાત્માએ તેને ઠપકો આપતાં, આત્માનું અમરત્વ, નાશવંત શરીરનું મૃત્યુ, જીવનની તમામ પરિસ્થિતિમાં સમાન ભાવ, એટલે કે સ્થિતપ્રજ્ઞતા, સ્વભાવજન્ય કર્મ કરવાં જરૂરી વગેરે અનેક બાબતો સમજાવી.
રાજ્ય મેળવવાની ઈચ્છા તજીને તથા વડીલોને હણવાનો શોક તજીને, યુદ્ધ કરવા સમજાવ્યું. પરંતુ સમગ્ર ગીતાજીના બોધ પછી, પોતે સંપૂર્ણ વિચાર કરીને જ યુદ્ધનો નિર્ણય કરવા કહ્યું, તે ખૂબ મહત્વનું છે. તેમણે અર્જુનને આંખો બંધ રાખી પોતાને અનુસરવા નથી કહ્યું, તે વાત ખાસ નોંધવા જેવી છે.
અંતઃકરણની શુદ્ધિ પર ખૂબ ભાર મૂક્યો છે, તે પણ નોંધવા જેવું છે. પરમાત્માની કૃપા માટે, પરમાત્માનાં દર્શન માટેની આ પૂર્વ શરત છે એમ કહી શકાય. જો પરમાત્માની અખંડ કૃપા અનુભવવી હોય, પ્રભુદર્શનની તીવ્ર ઈચ્છા હોય તો અંતઃકરણને શુદ્ધ કરવું જ પડે.

૩૨. મોક્ષ સંન્યાસ યોગ - ૩

શ્રીકૃષ્ણ ભગવાને શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના આ છેલ્લા અઢારમા અધ્યાયમાં અર્જુનને કહ્યું : ‘‘તું મને પ્રિય હોવાથી આ મારું પરમ હિતકર વચન સાંભળ કે તું મારામાં જ મન રાખનારો થા, મારો જ ભક્ત થા, મને જ નમસ્કાર કર, તેથી તું મને જ પામીશ. બધા ધર્મોનો ત્યાગ કરીને મારે જ શરણે આવ. હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ.’’ પરમાત્માનું આ અભયવચન બહુ વિચારવા જેવું છે. બીજું બધું તજીને જે પ્રભુશરણે જાય છે તેને પરમાત્મા પ્રેમથી આવકારે છે. તેની તમામ મુશ્કેલીઓ પ્રભુ દૂર કરે છે.

ગીતાજીની ચર્ચાને અંતે પ્રભુ પૂછે છે : ‘‘હે પાર્થ ! મેં કહેલા આ ઉપદેશને તેં એકાગ્ર ચિત્તથી સાંભળ્યો ? આથી તારો મોહ નષ્ટ થઈ ગયો ?’’ ત્યારે અર્જુને જવાબ આપ્યો : ‘‘હે અચ્યુત ! આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે અને મને સત્યનું જ્ઞાન થયું છે. હવે મારો સંદેહ મટી ગયો છે. હું આપનાં વચન પ્રમાણે વર્તીશ.’’ અહીં ગીતાજી પૂર્ણ થાય છે.

મહર્ષિ વેદવ્યાસજીની કૃપાથી જેમને મહેલમાં બેઠાં બેઠાં, મહાભારતનું યુદ્ધ જોવા માટે જ દિવ્યદ્રષ્ટિ મળી હતી તે સંજય, ધૃતરાષ્ટ્ર પાસે વર્ણન કરતાં કરતાં પોતાનો અભિપ્રાય આપતાં કહે છે : ‘‘આ પરમ ગુહ્ય યોગને મેં સાંભળ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનના આ રહસ્યયુક્ત કલ્યાણકારક અદભુત સંવાદનું વારંવાર સ્મરણ કરીને હું હર્ષિત થાઉં છું. હે રાજન! શ્રી હરિનું તે અત્યંત અદભુત રૂપ (વિશ્વરૂપ દર્શનની વાત) સંભારી સંભારી મારા ચિત્તમાં મહાન આશ્ચર્ય થઈ રહ્યું છે અને હું વારંવાર આનંદ પામું છું. હે રાજન ! જ્યાં યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધારી અર્જુન છે ત્યાં શ્રી, વિજય, વૈભવ અને અવિચળ નીતિ છે જ એવો મારો મત છે.’’

ત્યાર પછી મહાભારતનું યુદ્ધ શરૂ થાય છે. ભીષ્મ પિતામહ કૌરવોના સેનાપતિ હોવા છતાં પોતાના પૌત્રો પાંડવોને નહીં હણવાનું તેમણે મનમાં નક્કી કર્યું હતું. એવી જ રીતે મોહ નાશ પામવા છતાં અર્જુન પણ પૂજ્ય ભીષ્મ પિતામહને હણવાનું ટાળે છે. નવ દિવસ સુધી યુદ્ધ ચાલવા છતાં અને બંને પક્ષે ઘણી ખુવારી થવા છતાં કંઈ પરિણામ આવતું નથી. જો આમ ને આમ યુદ્ધ લંબાયા કરે તો ખુવારી વધવા સિવાય કંઈ અર્થ ન રહે તેથી દુર્યોધન ભીષ્મ પિતામહને વધુ આક્રમક બનવા કહે છે.

યુદ્ધ દરમિયાન પોતે શસ્ત્ર ગ્રહણ નહીં કરે એવી પ્રતિજ્ઞા શ્રીકૃષ્ણ ભગવાને લીધી હતી, પરંતુ દસમા દિવસે ભીષ્મ પિતામહે શ્રીકૃષ્ણ ભગવાનને શસ્ત્ર ઉઠાવવાની પોતે ફરજ પાડશે એવી પ્રતિજ્ઞા લીધી. તેમનું વધુ આક્રમક રૂપ જોઈને, પાંડવોની રક્ષા કરવા માટે શ્રીકૃષ્ણ ભગવાન રથ પરથી કૂદીને બાજુમાં પડેલા ભાંગેલા રથનું પૈડું લઈને ભીષ્મ પિતામહને મારવા ધસી ગયા. આ પ્રસંગ અદભુત છે.

ભીષ્મ પિતામહે પોતાનાં શસ્ત્રો ફેંકી હાથ જોડીને કહ્યું : ‘‘પ્રભુ ! આપને હાથે મારું મૃત્યુ થાય એનાથી વધુ ઉત્તમ બીજું શું હોય ? આપને શસ્ત્ર ઉપાડવાની ફરજ પડે એટલે જ હું ઉગ્ર યુદ્ધ કરતો હતો. આપે આપની પ્રતિજ્ઞા તોડીને પણ મારી પ્રતિજ્ઞા સાચવી છે. રથનું પૈડું એ શસ્ત્ર નથી એ રીતે આપે આપની પ્રતિજ્ઞા પણ સાચવી છે, પરંતુ મારવા ઉગામેલી કોઈ પણ વસ્તુ હથિયાર જ ગણાય એ રીતે આપે શસ્ત્ર ઉઠાવીને મારી પ્રતિજ્ઞા પણ સાચવી છે. હું આપને કોટિ કોટિ વંદન કરું છું.’’

શ્રી શિવ મહિમ્ન સ્તોત્ર એ મહાદેવજીની સ્તુતિ છે. એમાં એક શ્લોકમાં શ્રીકૃષ્ણ ભગવાન માટે એક શબ્દ છેઃ ‘‘રથચરણપાણિ’’. ચરણ એટલે પગ અને રથચરણ એટલે રથનું પૈડું અને પાણિ એટલે હાથ. ‘‘રથચરણપાણિ’’ એટલે રથનું પૈડું જેમણે હાથમાં ધારણ કર્યું છે એવા શ્રીકૃષ્ણ ભગવાન. ઉપર વર્ણવેલા પ્રસંગને અનુરૂપ આવું સુંદર નામ સંસ્કૃત સાહિત્યમાં જ મળે.

એ પછી તો શ્રીકૃષ્ણ ભગવાનની સૂચના અનુસાર, શિખંડીની પાછળ રહીને અર્જુને બાણોનો વરસાદ વરસાવી ભીષ્મ પિતામહને બાણશૈયા પર ઢાળી દીધા.

આચાર્ય ગુરુ દ્રોણ નવા સેનાપતિ બન્યા. તેમને ખાળવા શ્રીકૃષ્ણ ભગવાને ભીમને અશ્વત્થામા નામના હાથીને હણીને અશ્વત્થામા મરાયોએવું જાહેર કરવા કહ્યું. ગુરુ દ્રોણને પોતાનો પુત્ર અશ્વત્થામા હણાયો એવું લાગતાં તેઓ ઢીલા પડી ગયા. તે તકનો લાભ લઈ, ધૃષ્ટદ્યુમ્ને પોતાના પિતાનું વેર વાળવા ગુરુ દ્રોણનું માથું કાપી નાખ્યું.

મહારથી કર્ણ સેનાપતિ બન્યા પછી યુદ્ધ દરમિયાન તેમના રથનું પૈડું જમીનમાં ખૂંચવા માંડ્યું. એ રથમાંથી નીચે ઊતરી પૈડું ઠીક કરતા હતા ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને કર્ણને હણવા કહ્યું. પોતે રથમાં નથી. હાથમાં શસ્ત્રો નથી એ સમયે પોતાના પર શસ્ત્ર ચલાવવાં એ અધર્મ છે એમ કહી કર્ણે વિરોધ કર્યો ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને ગજબ કહ્યું ‘‘દ્રૌપદીનાં વસ્ત્રહરણ પ્રસંગે અધર્મનું આચરણ થયું ત્યારે ચૂપ રહેનારને ધર્મની વાત કરવાનો અધિકાર નથી.’’ આ રીતે કર્ણ હણાયો.

યુદ્ધના અંત ભાગમાં, ભીમ અને દુર્યોધન વચ્ચે ગદાયુદ્ધ થયું ત્યારે, ભીમ અત્યંત પરાક્રમી હોવા છતાં, દુર્યોધનને હરાવવાનું અશક્ય હતું. માતા ગાંધારીના આશીર્વાદને કારણે દુર્યોધનનું જાંઘ સિવાયનું શરીર વજ્ર જેવું બની ગયેલું. યુદ્ધના નિયમ અનુસાર શરીરના નીચેના ભાગમાં ગદા ન મારી શકાય. તેમ છતાં દુર્યોધનની જાંઘ પર પ્રહાર કરવા ભીમને ઇશારો કરવા, શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને સૂચવ્યું. આ રીતે ભીમની પ્રતિજ્ઞા પણ સચવાય તેમ હતી. ફરીથી ધર્મ અધર્મની ચર્ચા થઈ, પરંતુ ‘‘અધર્મનું આચરણ કરનારને ધર્મની ચર્ચા કરવાનો અધિકાર નથી’’ એમ કહી તેની હત્યા કરવામાં કશું ખોટું નથી એમ શ્રીકૃષ્ણ ભગવાને ભારપૂર્વક કહ્યું. આવાં તો મહાભારતમાં અનેક ઉદાહરણો છે.

આમ ઉપરછલ્લી દ્રષ્ટિએ દરેક વખત શ્રીકૃષ્ણ ભગવાને કંઈક અધર્મ કહી શકાય તે રીતે દુશ્મનોની હત્યા કરાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો એવું લાગે, પરંતુ એક બહુ જ મહત્વનો ફેર આપણે નોંધવો જોઈએ. સામાન્ય રીતે દરેક માનવી પોતાના અંગત સ્વાર્થને ધ્યાનમાં રાખીને સાચાખોટાનું અર્થઘટન કરતો હોય છે, પરંતુ શ્રીકૃષ્ણ ભગવાનનો કોઈ નિર્ણય તેમના પોતાના અંગત સ્વાર્થ પર આધારિત ન હતો. ધર્મસંસ્થાપનાના શુભ આશયથી, સમાજકલ્યાણની ભાવનાથી, અધર્મીઓનો નાશ કરવા માટે જરૂરી હોય તો અધર્મ આચરવામાં કંઈ ખોટું નથી. આવું સ્પષ્ટ મંતવ્ય ભાગ્યે જ કોઈ વ્યક્ત કરી શકે. શ્રીકૃષ્ણ ભગવાને ક્યારેય કોઈ નિર્દોષની હત્યા કરવા કે કરાવવા કોશિશ કરી નથી એ અત્યંત મહત્વની વાત આપણે નોંધવી જોઈએ.

આમ સંજયનું મંતવ્ય સાચું પડ્યું. જો શ્રીકૃષ્ણ ભગવાનની હાજરી ન હોત તો તેમના અમૂલ્ય માર્ગદર્શન વિના પાંડવો મહાભારતનું યુદ્ધ જીતી ન શકત. અર્જુન મહાસમર્થ બાણાવળી હતા તેમ છતાં શ્રીકૃષ્ણ ભગવાનના દેહોત્સર્ગ પછી દ્વારિકાથી હસ્તિનાપુર જતાં રસ્તામાં લૂંટારાઓએ તેમને તથા તેમની સાથેના યાદવ પરિવારોને લૂંટી લીધા એટલે તો કોઈએ કહ્યું:
‘‘કાબે અર્જુન લૂંટિયો, વોહી ધનુષ્ય, વોહી બાણ.’’

શ્રીકૃષ્ણ ભગવાન વિના અર્જુનની શક્તિ હણાઈ ગઈ. આવા અદભુત, અપ્રતિમ, અને વિરલ વ્યક્તિત્વવાળા, ગીતાગાયક શ્રીકૃષ્ણ ભગવાનને કોટિ કોટિ વંદન.

૩૩. પ્રાર્થના

શ્રીકૃષ્ણ ભગવાનના પરમ તત્ત્વને સંબોધીને કોઈ ઋષિએ સંસ્કૃતમાં સુંદર શબ્દોમાં પ્રાર્થના કરી છે :
‘‘અસતો મા સદ્ ગમય,
તમસો મા જ્યોતિર્ગમય,
મૃત્યો મા અમૃત ગમય.’’
આ જ પ્રાર્થના ગુજરાતીમાં આપણા વિદ્વાન કવિ સ્વ. શ્રી ન્હાનાલાલે બહુ જ ભાવવાહી શબ્દોમાં પરમાત્માને સંબોધીને કરી છે :
‘‘અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી પ્રભુ ! પરમ તેજે તું લઈ જા,
મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા.’’
ઉપરનાં ત્રણ ચરણ તો સુંદર છે, સરળ છે અને મહત્વનાં છે, પણ ચોથું ચરણ તો સવિશેષ સુંદર, સરળ અને અત્યંત મહત્વનું છે. ‘‘હે પ્રભુ ! હું તમારા વિના અધૂરો છું, તમારાં દર્શનથી જ પરિપૂર્ણ થઈ શકું. દુન્યવી વસ્તુઓની ઝંખનાને બદલે સતત તમારાં દર્શનની ઝંખના રહે એવું નિર્મળ મન આપો. તમારું સ્મરણ ક્યારેય ન ભૂલું એવી સન્મતિ આપો. હે નાથ ! તમારામાં ખોવાઈ જવા ઇચ્છું છું. હું મારા અસ્તિત્વને જ ભૂલી જાઉં એવી વિસ્મૃતિ આપો.’’
મુસ્લિમ કવિ શ્રી રહીમજી ગજબ કૃષ્ણ ભક્ત હતા. તેમણે સાદા શબ્દોમાં ભક્તિનું રહસ્ય સમજાવી દીધું.
‘‘આપુ હૈ તો હરિ નહીં, હરિ તો આપુન નાહીં,
રહીમન ગલી હૈ સાંકરી, દોનોં નહીં ઠહરાઈં.’’
ભક્તિમાર્ગની ગલી બહુ સાંકડી છે. આપણું અહમ્, આપણો અહંકાર, આપણું જુદાપણું અને પરમાત્મા બંને સાથે રહી શકે તેમ નથી. આપણે પ્રભુમાં ખોવાઈ જઈએ, આપણું અસ્તિત્વ ભૂલી જઈએ તો જ પ્રભુનાં દર્શન શક્ય છે. આપણું અસ્તિત્વ પ્રભુમાં ઓગળી જાય તો પછી પ્રભુદર્શનનો સવાલ જ ન રહે.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં નિષ્કામ કર્મનો મહિમા ખૂબ જ વર્ણવ્યો છે અને સકામ પુરુષો પામર છે એમ પણ કહ્યું છે, એટલે પરમાત્માની પ્રાર્થના કરતી વખતે કોઈ દુન્યવી વસ્તુની માગણી ન કરવી જોઈએ. આ બાબતમાં એક સજ્જને બહુ સરસ વાત કરી કે કોઈ પણ બાળક પોતાના માબાપ પાસે હક્કથી માગી શકે. એ એનો અધિકાર છે. એમાં કશું ખોટું પણ નથી. આપણે સૌ પરમાત્માનાં સંતાનો છીએ એટલે પરમાત્મા પાસે કાંઈ માગીએ તો અયોગ્ય ન ગણાય.
આ વાત ખરેખર સાચી અને સારી છે, પણ એક વાત યાદ રાખવા જેવી છે, આપણું બાળક આપણને ખૂબ વહાલું હોય છે તેમ છતાં એ દરરોજ ચોકલેટ, પિપરમીંટ જેવું કાંઈક ને કાંઈક માગે તો આપણે ઘણી વાર તેની માગણી સંતોષતા નથી. ક્યારેક છરી, ચપ્પુ, લોખંડનો સળિયો કે માચીસ માગે તો આપણે આપતા નથી. એ જ રીતે આપણે દરરોજ પ્રભુ પાસે કાંઈક ને કાંઈક માગ્યા જ કરીએ તો એ ન પણ આપે. એમને આપવા યોગ્ય લાગે તો આપે અને ક્યારેક આપવા યોગ્ય ન લાગે તો ન પણ આપે ત્યારે આપણે નારાજ ન થવું જોઈએ. પ્રભુ મારી પ્રાર્થના સાંભળતા નથી, એટલે મારી શ્રદ્ધા ઊઠી ગઈ એવી ફરિયાદ ન કરવી જોઈએ. જે ઉઠી જાય તેને શ્રધ્ધા ન કહેવાય.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને દરેક પરિસ્થિતિમાં સમાન ભાવ કેળવવા પર ખૂબ ભાર મૂક્યો છે. બીજા અધ્યાયમાં કહ્યું છે :
‘‘દુઃખેષુ અન્ ઉદ્વિગ્ન મનાઃ સુખેષુ વિગતસ્પૃહઃ,
વિતરાગભયક્રોધઃ સ્થિત ધીઃ મુનિઃ ઉચ્યતે .’’ ( ગીતા ૨ - ૫૬ )
સુખ, દુઃખ, લાભ, ગેરલાભ, જય, પરાજય એમ દરેક પરિસ્થિતિમાં સમાન ભાવ કેળવવો જરૂરી છે. કદાચ દુઃખ પડે તો પણ મન ઉદ્વેગરહિત રહે, કોઈ ચિંતા મનને પરેશાન ન કરે અને સુખ હોય તો પણ મન ઇચ્છારહિત રહે, માણસ અભિમાનથી છકી ન જાય. જો મનની સ્થિતિ આવી રહે તો પરમાત્મા પાસે પણ કાંઈ માગવાની જરૂર ન રહે.
પ્રાર્થના એટલે ખુશામત નહિ. ખુશામત તો માનવીના પતનની નિશાની છે. પ્રાર્થના પરમાત્મા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવાનું માધ્યમ છે. પ્રેમ ઉન્નતિની નિશાની છે. પ્રેમ જેટલો વધુ એટલી પ્રભુનાં દર્શનની શક્યતા વધુ. પ્રભુનાં ગુણગાન ગાઈએ, અઘરા શ્લોક બોલીએ, બધાં કીર્તન કરે એટલે આપણે પણ કીર્તન કરીએ, ઝાંઝપખાજ વગાડીએ તો જ પ્રભુ પ્રસન્ન થાય એવું નથી.
અનેક મહાનુભાવોએ બહુ ઉત્તમ સ્તુતિ દ્વારા પ્રભુની પ્રાર્થના કરી છે. આપણે તદ્દન સાદી ભાષામાં આપણા હૃદયના ભાવ વ્યક્ત કરતી પ્રાર્થના કરી શકીએ. પ્રાર્થના ચોક્કસ શબ્દોથી જ થઈ શકે એવું નથી. પ્રેમ વ્યક્ત કરવા અલંકારિક ભાષાની બિલકુલ જરૂર નથી. અરે ! સંપૂર્ણ મૌન રહીને પણ દિલથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી. કોઈ દુન્યવી વસ્તુની અપેક્ષા વિના, પ્રભુનો પ્રેમ મેળવવા પ્રાર્થના કરનારને, પરમાત્મા વાંસો થાબડીને કહે છેઃ ‘‘મારે શરણે આવતો રહે, તું ક્યારેય મૂંઝાઈશ નહિ, હું તારી સાથે જ છું.’’
ગીતાજીમાં શ્રીકૃષ્ણ ભગવાને આવું અદભુત અભય વચન આપ્યું છે :
‘‘સર્વ ધર્માન્ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ,
અહમ્ ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ .’’ ( ગીતા ૧૮ - ૬૬ )
આપણાં વિદ્વાન લેખિકા શ્રીમતી કુંદનિકાબહેન કાપડીઆએ ‘‘પરમ સમીપે’’ નામના તેમના પુસ્તકમાં એક બહુ સરસ પ્રાર્થના લખી છે. ‘‘હે પરમાત્મા ! આમ તો અમે દરરોજ તમારી પાસે કાંઈક ને કાંઈક માગીએ છીએ, પણ આજે હું કાંઈ માગવા આવી નથી. મને તમારી પાસે બેસવું ગમે છે એટલે આવી છું. તમારો પ્રેમાળ હાથ મારા માથા પર ફરતો રહે, પરમ શાંતિનો અનુભવ કરતાં કરતાં હું તમારામાં ખોવાઈ જાઉં. બસ, એથી વિશેષ કોઈ જ ઇચ્છા નથી.’’
ભક્તકવિ શ્રી દયારામે, મૃત્યુ સમયે પરમાત્માનાં દર્શન થાય અને બીજી શારીરિક વેદના ન થાય એ માટે તેમણે પ્રભુને ખૂબ ભાવવાહી શબ્દોમાં પ્રાર્થના કરી છે :
‘‘મુખ, મન, લોચનમાં આવી વસજો શામળિયા ! વ્હાલા !
પીડા ન પામું એવું કરજો હો નંદલાલા !
અવગુણ ભર્યા છે મુજમાં સારા શામળિયા ! વ્હાલા !
દોષ ન જોશો, દર્શન દેજો, હો નંદલાલા ! ’’

૩૪. ગીતાજી ગોખવાની જરુર નથી.

શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીમાં ત્રણ યોગને બહુ મહત્વ આપ્યું છે. કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ. આ ત્રણે યોગ એકબીજા સાથે ગજબ રીતે સંકળાયેલા છે. કોઈપણ એક યોગનું નિષ્ઠાપૂર્વકનું આચરણ આપોઆપ બીજા બે યોગ તરફ દોરી જાય છે. સંપૂર્ણ ગીતાજીનું આચરણ તો અદભુત છે જ, પણ એ માટે સંપૂર્ણ ગીતાજી ગોખવાની કોઈ જરૂર નથી. બધું ન સમજાય તો કાંઈ વાંધો નહીં, જેટલું સમજાય તેટલું આચરણ કરીએ તો પણ જીવન ઉન્નત બને.
(૧) કર્મયોગ
શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીમાં અનેકવાર નિષ્કામ કર્મ ઉપર ખૂબ ભાર મૂક્યો છે. બીજા અધ્યાય સાંખ્યયોગમાં શ્લોક નં. ૪૭માં કહ્યું છે કે :
‘‘ કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન,
                     મા કર્મફલ હેતુર્ભૂર્મા તે સંગોસ્ત્વકર્મણિ.. ’’ (ગીતા 2 - 47)
‘‘હે અર્જુન ! કર્મો કરવાં એ જ તારા હાથની વાત છે, ફળો ઉપર તારો કોઇ અધિકાર નથી. તું ફળો માટે કર્મ કરનારો ન થા, તેમજ કર્મનો ત્યાગ કરવા પણ તૈયાર ન થા.’’
 ઈચ્છા હોય કે ન હોય તો પણ દરેક માનવી કર્મ કરે જ છે. તેને કરવાં જ પડે છે એ કુદરતી નિયમ છે. પરંતુ આ કામ કરવાથી મને આર્થિક લાભ થશે કે નહીં ?, આ કામ કરવાથી મને યશ મળશે કે નહીં ?, એવી ફળની આશા રાખીને ન વિચારાય. દરેક કામ પોતાની ફરજરૂપે કરવું જોઈએ. કોઈ લાંચ આપે તો કામ કરવું, કે કોઈ વાહવાહ કરે તો કામ કરવું, એ કર્મયોગ નથી. પોતાના અંગત સ્વાર્થનો વિચાર કર્યા વિના કામ કરવું એ જ સાચો કર્મયોગ છે.
 તેવી જ રીતે, જે કામ કરતાં, લાભ ન થાય, અથવા યશ ન મળે, કે સગાં સંબધીને દુઃખ થાય, આપણા સંબંધો બગડી જાય, એવાં કામ કરવાં જ નહીં, એ પણ કર્મયોગ નથી. કર્મત્યાગને પ્રભુ મહત્વ આપતા નથી. કોઈ જ અપેક્ષા વિના અને નુકસાનની પરવા વિના કામ કરવું જ જોઈએ. આ વાત ગીતાજીમાં વારંવાર ભારપૂર્વક કહેલી છે. કર્મત્યાગ નહીં પણ સ્વાર્થત્યાગનું મહત્વ છે. લાભ - ગેરલાભ, કે યશ - અપયશનો વિચાર કર્યા વિના કર્મ કરવાં, તેનો અર્થ એવો નથી કે વગર વિચારે કામ કરવાં. યોગ્ય આયોજન કર્યા વિના કામ કરવાં. પરંતુ મહત્વની વાત એ જ છે કે પોતાના અંગત સ્વાર્થનો વિચાર કર્યા વિના કામ કરવાં.
 (૨) જ્ઞાનયોગ
શ્રીકૃષ્ણ ભગવાને જ્ઞાનયોગને પણ વિશેષ મહત્વ આપ્યું છે. જ્ઞાનથી વિશેષ કાંઈ પવિત્ર નથી, એમ કહીને જ્ઞાનનો મહિમા ગાયો છે. છટ્ઠા અધ્યાય આત્મસંયમયોગમાં શ્લોક નં. ૩૦માં કહ્યુ છે કે :
‘‘યો મામ્ પશ્યતિ સર્વત્ર, સર્વં ચ મયિ પશ્યતિ,
                 તસ્યાહં ન પ્રણશ્યામિ, સ ચ મે ન પ્રણશ્યતિ..’’ (ગીતા 6 - 30)
 ‘‘જે મને સઘળે જુએ છે, અને હું બધાંમાં સમાયેલો છું, તેમ સમજે છે, તેનાથી હું અદ્રશ્ય નથી અને તે મારાથી અદ્રશ્ય નથી.’’
આ શબ્દો શ્રીકૃષ્ણ ભગવાનના છે. પરમાત્મા સર્વવ્યાપી છે. એ જ્ઞાન જ સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે. એ જ્ઞાનથી વિશેષ કાંઈ મહત્વનું નથી. જો આપણે દરેક માનવીમાં પરમાત્માને જોઈએ, તો પછી બીજાને છેતરવાનો વિચાર જ ન આવે. અન્ય કોઈને દુઃખ થાય તેવું વર્તન આપણાથી ન થાય. કોઈ પાસેથી લાંચ ન મગાય. કોઈનું ઈરાદાપૂર્વક અહિત ન કરાય. દરેક માનવીમાં પરમાત્મા છે એમ સમજીને બીજાને શક્ય તેટલા ઉપયોગી થવાનો પ્રયત્ન કરીએ તો, ધરતી ઉપર સ્વર્ગ ઉતરી શકે. ખુદ પરમાત્માએ કહ્યું છે કે ‘‘ જે મને સઘળે જુએ છે તેનાથી હું અદ્રશ્ય નથી અને તે મારાથી અદ્રશ્ય નથી’’ એટલે જો આ જ્ઞાન જીવનમાં ઉતારીએ તો પરમાત્માનાં દર્શન અશક્ય નથી. તેટલું જ નહીં, પરમાત્માની અખંડ કૃપા આપણે પામી શકીએ.
 કોઈ પ્રધાન, કલેક્ટર કે પોલીસ કમીશ્નર જેવા સામાન્ય માનવીની ઓળખાણથી પણ આપણે ગર્વ અનુભવીએ છીએ તો સકલ વિશ્વના નિયંતા પરમાત્મા સાથે ગાઢ સંબંધ હોય તો એ કેટલું બધું ગૌરવવંતું ગણાય ! જેને પરમાત્મા વાંસો થાબડીને કહે કે મુંઝાઈશ નહીં, હું તારી સાથે છું તેને કેટલો બધો અવર્ણનીય આનંદ હોય ! એ સમજાવી ન શકાય.
 (૩) ભક્તિયોગ
શ્રીકૃષ્ણ ભગવાને ભક્તિયોગનું આચરણ કરનારને ગીતાજીમાં ગજબ અભય વચન આપેલ છે. અઢારમા અધ્યાય મોક્ષ સંન્યાસ યોગમાં શ્લોક નં ૬૬માં કહ્યું છે :
‘‘સર્વ ધર્માન્ પરિત્યજ્ય, મામ્ એકમ્ શરણમ્ વ્રજ,
                                 અહમ્ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિશ્યામિ મા શુચઃ..’’         (ગીતા 18 - 66)
 ‘‘બધા ધર્મોનો ત્યાગ કરી, મારે જ શરણે આવ. હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ.’’
 શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીમાં ભક્તિયોગ વિષે બહુ સરળ ભાષામાં સમજાવ્યું છે. ભક્તિ માટે કોઈ આકરી શરતો નથી. બધું તજીને માત્ર પ્રભુનું શરણ સ્વીકારવું. કર્મયોગ અને જ્ઞાનયોગનો સાચો અર્થ સમજીને તેનું આચરણ કરીએ એ જ શ્રેષ્ઠ ભક્તિ છે. આપણું જીવન સુધારીએ, અપેક્ષાઓથી રહિત જીવન જીવીએ, કોઈ પ્રત્યે દ્વેષ ન રાખીએ, બીજાને બને તેટલા મદદરૂપ થઈએ તો ભક્તિ શીખવાની જરૂર નથી. સાચા અર્થમાં પ્રભુને ‘‘આત્મ સમર્પણ’’ કરીએ તો પ્રભુની કૃપા અનુભવી શકીએ. એ વર્ણનનો વિષય નથી એ અનુભવવાની બાબત છે. ભક્તિ પ્રેમથી ભરપૂર હોય છે, ભક્તિ એ ખુશામત નથી. પ્રભુનું શરણ સ્વીકારવું એટલે સંપૂર્ણ પ્રભુમય થઈ જવું.
કોઈ કહેશે કે ગીતાજી સંસ્કૃતમાં છે એ વાંચવી જ બહુ અઘરી છે, ગોખવાનું અતિ મુશ્કેલ છે, પરિણામે સમજવી તો અત્યંત કઠિન છે. આ વાત સાચી છે. આપણા જેવા સામાન્ય માનવીને સંસ્કૃત ભાષાનું ખાસ જ્ઞાન ન હોય એટલે મુશ્કેલી પડે. એના ૭૦૦ શ્લોક આપણને કડકડાટ બોલતાં ન આવડે તો મૂંઝાવા જેવું નથી. ૧૮ અધ્યાયમાંથી એકાદ અધ્યાય પણ પૂરો ન આવડે તો કાંઈ વાંધો નહિ, ૧૦ - ૧૨ શ્લોક પણ યાદ ન રહે તો ચાલે, પરંતુ કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ વિષેના ઉપરોક્ત, ફક્ત ત્રણ શ્લોકનો અર્થ બરાબર સમજી લઈએ અને તેનું આચરણ કરીએ તો આખાં ગીતાજી ગોખવાની કોઈ જરૂર નથી.  પૂજ્ય રવિશંકરદાદાએ કરેલા પ્રવચનોને આધારે લખાયેલી ‘‘ગીતા બોધવાણી’’ જેવું ઉત્તમ પુસ્તક વાંચીએ તો આ શ્લોકોનો અર્થ વધુ સરળ રીતે સમજાય.
 વિશ્વનું શ્રેષ્ઠ પુસ્તક ‘‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’’ હિન્દુ ધર્મગ્રંથ ‘‘મહાભારત’’ના એક ભાગ રૂપે હોવા છતાં એ ફક્ત હિંદુઓ માટે જ નથી. જ્ઞાનને ધર્મ કે સંપ્રદાયના સીમાડા બાંધી ન શકે. એ ફક્ત પુરુષો કે સ્ત્રીઓ માટે જ નથી. જેમને પોતાનું જીવન ઉજ્જ્વળ બનાવવું હોય તે ગીતાજીનું આચરણ કરે. ગીતાજી જ્ઞાનની કોરી ચર્ચા કે વાદવિવાદ કરીને જ્ઞાનનું પ્રદર્શન કરવા માટે નથી. ખુદ શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને પોતાનો ઉપદેશ આંખ બંધ રાખીને અનુસરવા કહ્યું નથી. શાંતિથી વિચારીને, યોગ્ય નિર્ણય કરવા કહ્યું છે. આપણું આચરણ સુધારવાની કોશિશ કરતાં કોઈ ભૂલ થાય તો ફરીથી સતત પ્રયત્ન કરીએ. પ્રભુ આપણી ભૂલો જરૂર માફ કરશે એ તો અત્યંત ક્ષમાશીલ છે. સૂરદાસજીએ પરમાત્માને બહુ સરસ વિનંતી કરી છે :
‘‘નૈનહીન કો રાહ દીખા પ્રભુ !, પગ પગ ઠોકર ખાઉં મૈં,
તેરી નગરીયા કી કઠિન ડગરીયા, ચલત ચલત ગિર જાઉં મૈં,
એક બાર પ્રભુ ! હાથ પકડ લો, એક બાર પ્રભુ ! હાથ પકડ લો...’’

૩૫. ગીતાજી અને યોગ વિજ્ઞાન

શ્રીકૃષ્ણ ભગવાન એટલે સાક્ષાત્ પ્રેમની મૂર્તિ. શ્રીકૃષ્ણ ભગવાનનું જીવન નિર્દોષ, નિરવધિ અને નિર્વ્યાજ પ્રેમથી છલકાય છે. એમણે ધન કરતાં પ્રેમને જ વિશેષ મહત્વ આપ્યું છે એટલે તો ભક્તકવિ શ્રી સુરદાસજીએ ગાયું ને :
‘‘પ્રેમકે વશ અર્જુન રથ હાંક્યો, ભૂલ ગયે ઠકુરાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ.’’
શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનના સારથિ બનીને ચાર સુંદર શ્વેત અશ્વો જોડેલા રથને યુદ્ધ માટે તૈયાર ઊભેલી બે સેનાઓ વચ્ચે લાવે છે. અર્જુન બંને સેનાઓમાં ઉપસ્થિત પોતાના સ્વજનોને જોઈને ઘેરો વિષાદ અનુભવે છે. પૂજા કરવા યોગ્ય વડીલોને મારાથી કેમ હણી શકાય ? અને આ યુદ્ધમાં તો બંને પક્ષે સ્વજનોનો જ સંહાર થશે માટે ‘‘હું યુદ્ધ નહિ કરું.’’ એમ કહી રથમાં બેસી જાય છે. વિષાદ ત્યજવા અને કર્તવ્યનું પાલન કરવા શ્રીકૃષ્ણ ભગવાને સ્વયં અર્જુનને જે ઉપદેશ આપ્યો તે શ્રીમદ્ ભગવદ્ ગીતા.
 ‘‘ચિદાનંદેન કૃષ્ણેન પ્રોક્તા સ્વમુખતોર્જુનમ્,
વેદત્રયી પરાનન્દા તત્ત્વાર્થ જ્ઞાનસંયુતા.’’
 આ પુસ્તક કોઈ સાધારણ પુસ્તક નથી. પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાને સ્વયં અર્જુનને જે ઉપદેશ આપ્યો તે ત્રણે વેદરૂપ, પરમાનંદ આપનારી તથા તત્ત્વાર્થ જ્ઞાનથી સભર તે શ્રીમદ્ ભગવદ્ ગીતા. અઢાર પુરાણોના રચયિતા મહર્ષિ વેદવ્યાસજીએ ‘‘મહાભારત’’ લખ્યું અને તેના એક ભાગરૂપે શ્રીમદ્ ભગવદ્ ગીતાજી છે. યુદ્ધ સમયે શ્રીકૃષ્ણ ભગવાન કે અર્જુને ગીતાજી લખેલી નથી અને વ્યાસજી યુદ્ધના મેદાનમાં હાજર ન હતા તો આ વર્ણનને સાચું કેમ માનવું ? કાંઈક ન સમજાય તેવું અટપટું છે.
 મહર્ષિ વેદવ્યાસજી ત્રિકાળદર્શી ઋષિ હોવાથી યુદ્ધના મેદાનમાં હાજર ન હતા તો પણ યુદ્ધની રજેરજ માહિતીના જાણકાર હતા. તેમણે જ સંજયને દિવ્ય દ્રષ્ટિ આપીને મહેલમાં બેઠાં બેઠાં મહાભારતનું યુદ્ધ જોઈ ધૃતરાષ્ટ્રને તેનું વર્ણન સંભળાવવાની વ્યવસ્થા કરી હતી. આ વાત પણ આપણને માન્યામાં ન આવે તેવી છે. જે વાત ન સમજાય તે ફક્ત અંધશ્રદ્ધાથી માનવી નહિ.
 આપણો સૌનો અનુભવ છે કે દુનિયાના કોઈ પણ સ્થળે, બે દેશો વચ્ચે રમાતી ક્રિકેટ મેચના એકેએક દડાને આપણે ઘેર બેઠાં જોઈ શકીએ છીએ અને તેના વર્ણનનો એકેએક શબ્દ સાંભળી શકીએ છીએ. તેવી જ રીતે શ્રીમતી લતા મંગેશકરનો સંગીતનો કાર્યક્રમ મુંબઈમાં ચાલતો હોય, પરંતુ આપણે ઘેરબેઠાં તે પ્રસંગ જોઈ શકીએ અને સંગીતના એકેએક શબ્દની મધુરતા માણી શકીએ છીએ. આ પ્રસંગનું વર્ણન કરતાં કોઈ શંકા કરતું નથી કે ‘‘તું તો મુંબઈ ગયો નથી ત્યાંના બનાવની તને ક્યાંથી ખબર હોય ?’’ વિડિયો ઓડિયો ઇલેક્ટ્રોનિક સિસ્ટમ તથા ટેલિવિઝનથી એ શક્ય છે. આપણને તેનું જ્ઞાન ન હોય તો પણ ટીવી પર દેખાતાં દ્રશ્યો ખોટાં છે તેમ કોઈ માનતું નથી. તેવી જ રીતે અગાઉના સમયમાં યોગવિદ્યાથી એ શક્ય હતું કે સ્થળ પર હાજર રહ્યા વિના ત્યાંની રજેરજ માહિતી જાણી શકાય. તેમ જ આજના આધુનિક વિજ્ઞાન માટે હજી સુધી જે શક્ય નથી તે મનની વાતો પણ યોગવિદ્યાથી યોગીઓ જાણી શકતા.
 અગાઉની વાતો આપણે ન માનીએ પણ થોડા સમય પહેલાં જ થઈ ગયેલા શ્રી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી શ્રી વિવેકાનંદજીની વાત વિચારીએ. શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય ૧૦ ‘વિભૂતિયોગ’માં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છેઃ ‘‘હું સર્વ પ્રાણીઓમાં રહેવાવાળો આત્મા છું.’’ (શ્લોક - ૨૦) અને ‘‘હું સમસ્ત જગતને મારા એક અંશમાં વ્યાપ્ત કરીને રહું છું.’’ (શ્લોક - ૪૨) આ વાત જ્યારે સ્વામી રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદજીને સમજાવી ત્યારે તે વાત તેમને ન સમજાણી.
 તેમણે વિચાર્યું : ‘‘હું પણ બ્રહ્મ અને તું પણ બ્રહ્મ. આ થાળી બ્રહ્મ અને આ વાટકો પણ બ્રહ્મ. આનાથી વધુ મૂર્ખાઈ ભરેલી વાત બીજી શી હોય ?’’ પરંતુ સ્વામી રામકૃષ્ણ પરમહંસજીએ સ્પર્શ કરતાં વિવેકાનંદજીને અલૌકિક અનુભવ થયો અને બધું જ બ્રહ્મમય છે, પરમાત્મા બધે જ વ્યાપેલા છે એ જ્ઞાનનો અનુભવ થયો.
 સ્વામી રામકૃષ્ણ પરમહંસજીને મૃત્યુ પહેલાં કેન્સર થયેલું. ખૂબ વેદના થતી હતી. વિવેકાનંદજીએ મનમાં વિચાર્યું ‘‘ગુરુ પરમાત્માનો અવતાર હોય તો તેમના શરીરને વેદના કેમ ?’’ એવી શંકા થવા છતાં આ વિષે તેઓ કંઈ બોલ્યા નહીં, પણ યોગવિદ્યાથી તેમના મનની વાત જાણીને ગુરુએ કહ્યું ‘‘બેટા ! હજી શંકા છે ? હું શરીર નથી, હું આત્મા છું, મને કોઈ વેદના નથી, જે રામ હતા, જે કૃષ્ણ હતા તે જ હું રામકૃષ્ણ છું.’’ આપણને માન્યામાં ન આવે તે હકીકત યોગવિદ્યાથી શક્ય છે, તે ગઈ સદીના અંત ભાગમાં જ આ મહાનુભાવોએ સિદ્ધ કરેલી. આપણને યોગવિદ્યામાં સમજણ ન પડે, એટલે એ વિદ્યા ખોટી છે એમ કેમ કહી શકાય ?
 મહારાષ્ટ્રના શ્રી જી. કે. પ્રધાન નામના સજ્જનને ઈ. સ. ૧૯૪૨માં શ્રી શંકર મહારાજ નામના પરમ યોગીનો મેળાપ થયો. શ્રી પ્રધાન સંપૂર્ણ નાસ્તિક હતા, પરંતુ મહાન યોગીએ તેમનું જીવન પલટાવી નાખ્યું. શ્રી પ્રધાને ત્યાર બાદ અંગ્રેજીમાં એક Towards The Silver Crest of The Himalayas નામનું પુસ્તક લખ્યું. તેનો મરાઠીમાં અનુવાદ થયો. ૧૯૬૫માં શ્રી પ્રધાનનું અવસાન થયા બાદ તેમના મરાઠી પુસ્તકનો ૧૯૭૮માં શ્રી ગુલાબરાય મંકોડી નામના સજ્જને ગુજરાતીમાં અનુવાદ કર્યો. પરિણામે હિમગિરિ શિખરોનો આધ્યાત્મિક સાદનામનું અદભુત પુસ્તક આપણને મળ્યું. તેમાં લખ્યા મુજબ ૧૯૪૮માં મહાન યોગી શ્રી શંકર મહારાજનું અવસાન થયેલું.
 ઉપરોક્ત પુસ્તકની પ્રસ્તાવનામાં પાના નં. ૧૬ ઉપર એક કલ્પનાતીત પ્રસંગનું વર્ણન છે. એક વાર શ્રી પ્રધાને તેમના આધ્યાત્મિક ગુરુને કહ્યું ‘‘કુરુક્ષેત્રમાં સૈન્યો સામસામે ઊભાં હતાં ત્યારે શ્રીકૃષ્ણે અર્જુનને ગીતા કહી એ વાત ગળે ઊતરતી નથી.’’
 મહારાજે કહ્યું ‘‘ઠીક, બેસ મારી સામે.’’ અને તેમણે પ્રધાનની સામે એવી રીતે જોયું કે પ્રધાનને સમાધિ લાગી ગઈ. બે અઢી કલાક એવી સ્થિતિમાં રહ્યા. સમાધિમાંથી જાગ્યા પછી પ્રધાને મહારાજનાં શ્રી ચરણો પર માથું મૂક્યું અને કહ્યું ‘‘મહારાજ ! આજે હું ધન્ય થયો. પ્રત્યક્ષ શ્રીકૃષ્ણના મુખેથી મને આપે ગીતા સંભળાવી. આખા કુરુક્ષેત્રનો દેખાવ મેં આજે સદેહે અને આ જ આંખે જોયો !’’ ઉપરોક્ત બનાવ ૧૯૪૨થી ૧૯૪૮ વચ્ચેનો છે એટલે કે ફક્ત ૬૦ વર્ષ પહેલાંની વાત છે એ ખાસ નોંધવા જેવું છે.
યોગવિદ્યાથી એક સંત બે કાયા ધારણ કરી શકતા એમ શ્રી પરમહંસ યોગાનંદજીએ તેમની આત્મકથામાં લખ્યું છે. આ પુસ્તકમાં યોગવિદ્યાની અનેક આશ્ચર્યકારક વાતો છે. યોગવિદ્યા કે ગીતાજીની ઉત્પત્તિ નહીં સમજાય તો ચાલશે. એમાં સમય બરબાદ કરવાની જરુર નથી.
‘‘ગીતાજી’’ રસપ્રદ નવલકથા નથી છતાં સંત જ્ઞાનેશ્વર, મહાત્મા ગાંધીજી, વિનોબાજી, રવિશંકરદાદા વગેરે પૂજ્ય મહાનુભાવોના મત અનુસાર એ વારંવાર વાંચવા જેવું પુસ્તક છે. દરેક વાંચન વખતે કાંઈક વિશેષ જાણ્યાની અનુભૂતિ થાય છે. તેમાં વર્ણવેલું જ્ઞાન અત્યંત મહત્વનું છે, એ વાત દુનિયાના વિદ્વાનોએ સ્વીકારેલી છે. સ્વાર્થ રહિત કર્મ, બધું પ્રભુમય છે એવું જ્ઞાન અને પરમાત્માને આત્મસમર્પણ એટલું સમજવાની કોશિષ કરવી, અને આચરણ કરવું, એટલું જ જરુરી છે, ગીતાજી ગોખવાની કોઈ જ જરુર નથી.

૩૬. નિષ્કામગુરુ

શ્રીકૃષ્ણ ભગવાનને જગદગુરુ કહેવામાં આવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા દ્વારા સમગ્ર જગતને નિષ્કામ કર્મયોગી અને જ્ઞાનવાન બનવાનો અને અન્યાય, અત્યાચાર તથા અધર્મ સામે ઝઝૂમવાનો અનન્ય બોધ આપનાર એ વિરલ વ્યક્તિત્વ માટે જગદગુરુ શબ્દ સંપૂર્ણ યથાર્થ છે.
અધર્મને સાથ દેનાર વ્યક્તિ પોતાના પૂજ્ય વડીલ હોય, અન્ય સગાંસંબંધી હોય કે ગમે તે મહાનુભાવ હોય તો પણ લાગણીવશ થયા સિવાય કે તેની શેહશરમથી દબાયા સિવાય પોતાનું કર્તવ્યપાલન કરવું જ જોઈએ એવું સ્પષ્ટ મંતવ્ય વ્યક્ત કરનાર પરમ તત્ત્વ વિશ્વવંદ્ય જ હોય. પોતાના કર્તવ્યપાલનમાં વિનમ્રતા હોવી જોઈએ, પરંતુ મક્કમતા પણ એટલી જ હોવી જોઈએ. પોતાના કર્તવ્યપાલનથી કદાચ ગેરલાભ થશે, અપયશ મળશે કે કોઈને ખરાબ લાગશે એ વિચારાય નહિ. સંપૂર્ણ નિઃસ્વાર્થ ભાવનાથી ફરજપાલન કરવું જોઈએ. આવો અદભુત ઉપદેશ આપનાર શ્રીકૃષ્ણ ભગવાન સાચા અર્થમાં જગદગુરુ છે.
સમાજમાં વિદ્યાર્થીઓને જ્ઞાન આપનાર સજ્જનને આપણે ગુરુ તરીકે ઓળખીએ છીએ. શિક્ષક, આચાર્યશ્રી, પ્રાધ્યાપકશ્રી, પ્રિન્સિપાલશ્રી એ તમામ વ્યક્તિ ગુરુ છે. ગુરુનો અર્થ જ મહાન. ગુરુ સામાન્ય વ્યક્તિ હોઈ જ ન શકે. વર્ષો પહેલાં એક સજ્જને કહેલું કે ગુરુ ત્રણ પ્રકારના હોય છે :
(૧) તુંબડા જેવા ગુરુ --- તુંબડું પોતે તરે અને જે વ્યક્તિ તેનો આધાર લે તેને તારે.
(૨) પાંદડા જેવા ગુરુ --- પાંદડું પોતે તરે, પરંતુ જે વ્યક્તિ તેનો આધાર લે તેને ડુબાડે.
(૩) પથ્થર જેવા ગુરુ --- પથ્થર પોતે ડૂબે અને જે વ્યક્તિ તેનો આધાર લે તેને પણ ડુબાડે.
તુંબડા જેવા ગુરુને આપણે સદગુરુ કહીએ છીએ. પરમહંસ સ્વામી શ્રી રામકૃષ્ણદેવ જેવા સદગુરુએ પોતાના પ્રિય શિષ્ય નરેન્દ્રનાથને આત્મસાક્ષાત્કાર કરાવ્યો હતો એટલે જ અમેરિકામાં શિકાગોમાં સર્વધર્મ પરિષદમાં સ્વામી શ્રી વિવેકાનંદજીએ ગૌરવભેર કહ્યું હતું ‘‘મેં પરમાત્માનાં દર્શન કરેલાં છે.’’
દરેક ગુરુ પોતાના શિષ્યોને પરમાત્માનાં દર્શન કરાવી ન શકે તો પણ પોતાના શિષ્યોનું જીવન ઉજ્જ્વળ, સંસ્કારી અને ગૌરવવંતુ બનાવવા પોતે સતત પ્રયત્નશીલ રહે. પોતાના વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપી, તેમને અથાક પ્રયત્ન કરવા જરૂરી પ્રેરણા આપે, એકાગ્રતા કેળવવા સમજાવે, વિનમ્ર બનાવવા કોશિશ કરે અને આત્મશ્રદ્ધાથી સભર બનાવે એવા ગુરુને સદગુરુ કહેવા જ જોઈએ.
પાંદડા જેવા ગુરુ પોતે વિદ્વાન હોય પણ નિષ્ક્રિય હોય અને ‘‘વિદ્યાર્થીઓને ભણવું હોય તો ભણે, નહીંતર મારે શું ?’’ એવા નિરાશાવાદી હોય તો એવા ગુરુ પોતાના શિષ્યોનાં જીવન ઉજાળી ન શકે. ફક્ત પોતાનો ઉત્કર્ષ મહત્વનો નથી. પોતાના શિષ્યોનું જીવન ઉન્નત બનાવવા પ્રયત્ન તો કરવા જ જોઈએ. સફળતા કે નિષ્ફળતા ગૌણ બાબત છે. પોતાનું ર્ક્મ જ ન કરે તેને ‘‘કર્મયોગી’’ તો ક્યાંથી કહેવાય ? એ વિદ્વાન હોય તો પણ ફક્ત સામાન્ય માનવી છે.
પથ્થર જેવા ગુરુ, જે પોતે ડૂબે અને બીજાને ડુબાડે એને તો ગુરુ જ ન કહેવાય, સામાન્ય માનવી પણ ન કહેવાય એને તો પામર માનવી જ કહેવાય. આવી વ્યક્તિ સમાજ માટે ભારરૂપ છે.
સમાજમાં બીજાને ભોગે પોતે સુખી થવાની ગજબ ઘેલછા જોવા મળે છે એટલે જ ભ્રષ્ટાચાર, અનીતિ, અન્યાય, દહેજ, બળાત્કાર, લાંચ, લાગવગ, કામચોરી, ચોરી, લૂંટફાટ, ખૂન, ગરીબોનું શોષણ અને અજ્ઞાન માનવીઓની નિરક્ષરતાનો ગેરલાભ લેવા જેવાં અનેક દૂષણો આપણા રોજબરોજના જીવનમાં અનુભવીએ છીએ. જેમ ચેપી રોગોને લીધે શરીર ગંધાય છે તેમ આવાં દૂષણોને લીધે સમાજ ગંધાય છે.
આ બધાં દૂષણોની ટીકા કરવાથી આ પ્રશ્ન ઊકલશે નહિ. જો સમાજમાંથી દુર્ગંધ દૂર કરવી હોય તો વિદ્યાર્થીઓને બાળપણથી જ સંસ્કારી બનાવવા જોઈએ. ફક્ત અભ્યાસક્રમમાં જણાવેલું મર્યાદિત પોપટિયું જ્ઞાન આપવાનો કોઈ અર્થ નથી. જો વિદ્યાર્થીઓ સંસ્કારી અને સુશિક્ષિત હશે તો તેમનું જીવન ઉજ્જ્વળ બનશે અને સમાજમાંથી દૂષણો ઘટતાં દુર્ગંધ ઘટશે. આ મહત્વની જવાબદારી શિક્ષકોની છે.
સૌરાષ્ટ્રની ધરતીના સપૂત સ્વામી દયાનંદ સરસ્વતીજીએ સંન્યાસ ગ્રહણ કર્યા બાદ સ્વામી શ્રી વીરજાનંદજી પાસેથી જ્ઞાન સંપાદન કરેલું. ગુરુજી અત્યંત ક્રોધી હતા અને ગજબ પ્રેમાળ હતા. ગુરુ શ્રી વીરજાનંદજી પ્રજ્ઞાચક્ષુ હતા. આંખનું તેજ ન હોવાથી પોતાની આસપાસ તો અંધારું હતું, પરંતુ પોતાના પ્રિય શિષ્ય સ્વામી શ્રી દયાનંદ સરસ્વતીજીને ઉત્તમ જ્ઞાન આપી તેમને પરમ તેજસ્વી બનાવી દીધા. વિદાય થતીવેળાએ ગુરુનાં ચરણોનો સ્પર્શ કરી દયાનંદજીએ અત્યંત વિનમ્ર ભાવે કહ્યું :‘‘ગુરુજી ! હું તો સંન્યાસી છું, મારી પાસે કાંઈ નથી. હું આપને ગુરુદક્ષિણા શું આપું ?’’
એક સદગુરુ જ કહી શકે એવા પ્રેમાળ શબ્દોમાં ગુરુ શ્રી વીરજાનંદજી મહારાજે કહ્યું : ‘‘બેટા ! મારે કાંઈ નથી જોતું. મેં તને જે જ્ઞાન આપ્યું છે તેનો પ્રકાશ સમાજમાં ફેલાવજે. અંધશ્રદ્ધા અને વહેમથી પીડાતી પ્રજાને સાચો માર્ગ બતાવજે.’’
આનું જ નામ ‘‘નિષ્કામ કર્મયોગ’’ જેનો ગીતાજીમાં વારંવાર ઉલ્લેખ છે.
પૂજ્ય શ્રી વીરજાનંદજી પાસે તો ધન ન હતું અને કુદરતી આંખો પણ ન હતી. છતાં પોતાની તકલીફ કરતાં, સમાજ કલ્યાણની સવિશેષ ચિંતા હતી. પરંતુ જે શિક્ષકોને ધન સિવાય કાંઈ દેખાતું ન હોય એવા છતી આંખે આંધળા જેવા ધનલોભી શિક્ષકો, વિદ્યાર્થીઓને ભ્રષ્ટાચાર અને દહેજ જેવાં સામાજીક દુષણો સામે ઝઝુમવાનું ક્યાંથી શીખવી શકે ? પરીક્ષા દરમિયાન થતી ચોરીઓ અટકાવવાનું જેમનું કામ છે એવા શિક્ષકો પોતે જ ચોરી કરવામાં મદદરૂપ થાય છે, એવા અખબારી અહેવાલ આપણે વાંચીએ છીએ.
આવા લેભાગુ શિક્ષકો, વિદ્યાર્થીઓને લાંચ રુશ્વત ન લેવાનું ક્યાંથી શીખવી શકે ? છ શિક્ષકો સાથે મળીને, પોતાની વિદ્યાર્થીની પર વારંવાર બળાત્કાર ગુજારતા હતા તેવા અત્યંત હીન કક્ષાના, ઘૃણાજનક સમાચાર હમણાં જ આપણે સૌએ વાંચ્યા છે. આવા અધમ અને અસંસ્કારી શિક્ષકો વિદ્યાર્થીઓને સંસ્કારી બનવાનું ક્યાંથી શીખવી શકે ? આવા નરાધમોને સમય વેડફ્યા વિના ફાંસીએ લટકાવી દેવા જોઈએ. શ્રીકૃષ્ણ ભગવાન પણ આતતાયીઓને હણવામાં માનતા હતા.
કેટલીક કોલેજોમાં, રેગિંગ જેવી જંગલી પ્રથા દ્વારા સિનિયર વિદ્યાર્થીઓ, જુનિયર વિદ્યાર્થીઓને કેટલી હદ સુધી પરેશાન કરે છે, માનસિક ત્રાસ આપે છે એ કોલેજના સત્તાવાળાઓથી અજાણ્યું નહિ હોય. નિર્દોષ મજાકમશ્કરી અને માનસિક ત્રાસ વચ્ચેનો ફરક વિદ્યાર્થીઓ ન સમજતા હોય તો પણ પ્રાધ્યાપકો અને પ્રિન્સિપાલ તો સમજતા હશે ને ? આવી બેશરમ અને અસંસ્કારી ઘટનાઓ જે અટકાવી ન શકે એવા લાચાર અને ડરપોક પ્રિન્સિપાલ, વિદ્યાર્થીઓને અન્યાય સામે લડવાનું ક્યાંથી શીખવી શકે ?
શ્રીકૃષ્ણ ભગવાન વજ્ર કરતાં કઠોર હતા અને ફૂલ કરતાં સુકોમળ હતા. અસુરોનો સંહાર કરતાં તેમણે ક્યારેય ખચકાટ અનુભવ્યો ન હતો અને સુદામાનું પ્રેમભર્યું સ્વાગત કરનાર પણ એ જ હતા. આચાર્ય કે પ્રિન્સિપાલ શિસ્તપાલન માટે અત્યંત કડક હોવા જ જોઈએ આ માટે તેમને જરૂરી સત્તા આપવી જોઈએ, સાથોસાથ દરેક વિદ્યાર્થી માટે તેમને ખૂબ પ્રેમ હોવો જોઈએ. આવા ગુરુ પ્રત્યે વિદ્યાર્થીઓને ખૂબ આદરભાવ હોય છે એ ભૂલવા જેવું નથી. ડરપોક માનવી યુદ્ધ ન લડી શકે. એવી જ રીતે બીકણ પ્રિન્સિપાલ શિસ્તપાલન ન કરાવી શકે.
એટલા માટે જ પહેલાં સૌથી મહત્ત્વનું કામ તો શિક્ષકો, આચાર્યશ્રી, પ્રાધ્યાપક ગણ અને પ્રિન્સિપાલોએ ‘‘નિષ્કામ કર્મયોગી’’ બનવું પડે. નિર્ભય બનવું પડે અને જરૂર પડે ત્યારે અત્યંત કઠોર પણ બનવું પડે. આ સજ્જનો જ સમાજમાંથી દુર્ગંધ ઘટાડવા ઘણું કરી શકે.આ બળ ગીતાજીના આચરણમાંથી જ મળી શકે.

૩૭. કર્મયોગી વિદ્યાર્થી

શ્રીકૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચેનો અદભુત સંવાદ એ શ્રીમદ્ ભગવદ્ ગીતા. વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવું કંઈ આ પુસ્તકમાં છે ? પોતાના અભ્યાસ પરત્વે વધુ ધ્યાન આપવું કે આવા અઘરા પુસ્તકના વાંચનમાં સમય બગાડવો ? ગીતાજીનાં બધાં પાનાં પાંચ છ વખત ફેંદી નાખીએ તો પણ એન્જિનિયરિંગ, મેડિકલ, આર્ટ્સ, કોમર્સ કે કોમ્પ્યુટર ટેકનોલોજી વિષે કાંઈ જ વાંચવા નહિ મળે. તો એ પુસ્તક વિદ્યાર્થીઓને કઈ રીતે ઉપયોગી થાય ?
અધ્યાય ચોથો, શ્લોક નં. ૩૮માં કહ્યું છે કે : ‘‘ન હિ જ્ઞાનેન સદૃશમ્ પવિત્રમ્ ઈહ વિદ્યતે’’ - ‘‘આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.’’
અધ્યાય બીજો શ્લોક નં.૫૦માં કહ્યું છે : ‘‘યોગઃ કર્મસુ કૌશલમ્’’ - ‘‘કૌશલ્યપૂર્ણ કર્મ કરવું, એ જ યોગ છે.’’
આ બે નાનકડી વાત તદ્દન સરળ છે. તેમાં અઘરૂં કે ન સમજાય તેવું કાંઈ નથી. એ સમજાઈ જાય તો ગીતાજીનું મહત્વ સમજાવવું નહીં પડે. જ્ઞાન મેળવવા માટે જ સ્કૂલ કે કોલેજમાં જઈએ છીએ અને જે વિષયમાં રૂચિ હોય તે અભ્યાસ ખૂબ કુશળતાપૂર્વક કરવો. જીવનમાં સફળતા મેળવવા ઈચ્છતા કોઈપણ વિદ્યાર્થી માટે આનાથી વધુ સોનેરી વાત બીજી શી હોઈ શકે ?
વિદ્યાર્થી માટે સૌથી મહત્વનું કામ, અથાક પ્રયત્ન કરવાનું છે. શરૂઆતથી જ સતત પ્રયત્ન કરનારને, અઘરા લાગતા વિષયો પણ સમજાવા લાગે છે. ધીમે ધીમે એ વધુને વધુ સહેલા થતા જાય છે. તમારી પ્રગતિનો આધાર તમારા પ્રયત્નો ઉપર જ છે. જેને પોતાના અભ્યાસમાં ખૂબ કંટાળો આવતો હોય, તે ક્યારેય પ્રગતિ કરી ન શકે. સતત પ્રયત્નશીલ રહેવાની ટેવ ચાલુ અભ્યાસમાં તો મદદરૂપ થશે જ, પણ ભાવિ જીવનમાં એ અનેરી સિદ્ધિઓ મેળવવામાં એટલી જ ઉપયોગી છે.
વિદ્યાર્થી માટે બીજો મહત્વનો ગુણ છે એકાગ્રતા, જે અથાક પ્રયત્નમાંથી જ જન્મે છે. જે અભ્યાસ કરતા હો તેમાં સંપૂર્ણ લીન થઈ જવું બહુ જરૂરી છે. એકાગ્રતાની ટેવ આપણને હંમેશાં ખૂબ ઉપયોગી થશે.
વિદ્યાર્થી માટે ત્રીજી મહત્વની બાબત છે વિનમ્રતા, જે સારા સંસ્કારમાંથી જન્મે છે. તેનું મહત્વ તો આચાર્ય રજનીશજીએ બહુ સરસ રીતે સમજાવ્યું છે. બે પનિહારી ઘડા લઈને નદીકિનારે જાય છે. એક પનિહારી વિચારે છે : ‘‘હું શું કામ નમું ?’’ તે અક્કડ રહે છે, નમતી નથી. નદીના વહેતા પ્રવાહ પાસે ઊભી હોવા છતાં તેનો ઘડો ખાલી રહે છે. બીજી પનિહારી વાંકી વળીને વહેતા પ્રવાહમાંથી પોતાનો ઘડો છલોછલ ભરી લે છે. વિનમ્રતા બહુ ઉત્તમ વસ્તુ છે.
કોઈ પણ વિદ્યાર્થીને પોતાના અભ્યાસમાં કાંઈ પણ અઘરું લાગે કે ન સમજાય તો પહેલાં પોતાના મિત્રો સાથે ચર્ચા કરવી જોઈએ. જે તમને સમજાતું ન હોય તે કદાચ તમારા મિત્રને સમજાતું હોય. મિત્રો સાથેની નિખાલસ ચર્ચા બહુ ઉપયોગી થાય છે. એકલા એકલા પુસ્તક વાંચવા કરતાં મિત્રો સાથેની ચર્ચાથી, ક્યારેક અઘરી લાગતી બાબત એકદમ સરળ લાગે છે. જરૂરી હોય ત્યારે આપણા શિક્ષકનું માર્ગદર્શન લેવું જોઈએ. આનાથી આત્મવિશ્વાસ વધશે અને નિર્ભયતા કેળવાશે, ખોટી શરમ જતી રહેશે, તમને તમારી રજૂઆત સારી રીતે કરતાં આવડી જશે. ભવિષ્યમાં આ ગુણ તમને બહુ ઉપયોગી થશે.
વિદ્યાર્થી માટે સર્વશ્રેષ્ઠ ગુણ છે ‘‘આત્મશ્રદ્ધા’’. અથાક પ્રયત્ન, એકાગ્રતા અને વિનમ્રતામાંથી જન્મતી આત્મશ્રદ્ધા એ અહંકાર નથી, પરંતુ દિવ્ય શક્તિ છે. તમારી શક્તિઓને ક્યારેય ઓછી ન આંકતા. તમારી શક્તિઓમાં તમને સંપૂર્ણ વિશ્વાસ હોય એને જ આત્મશ્રદ્ધા કહેવાય છે. કોઈ પણ અઘરું લાગતું કામ કરવા તમે સક્ષમ છો, તમારે માટે કાંઈ અશક્ય નથી. મુશ્કેલ લાગતું કામ તમે આત્મશ્રદ્ધાથી શરૂ કરશો એટલે આપોઆપ મુશ્કેલીઓ હળવી થતી જશે.
તમને તમારી સફળતાથી આનંદ મળશે, તમારો ઉત્સાહ વધશે અને તમારી શક્તિઓમાં તમારો વિશ્વાસ વધતો જશે.તમારો દ્રઢ આત્મવિશ્વાસ તમને કલ્પનાતીત સફળતા અપાવશે. ક્યારેક કોઈ અઘરો વિષય શરૂઆતમાં ન સમજાય તો નિરાશ થવાની જરૂર નથી. નિષ્ફળતાથી ગભરાઈને પ્રયત્ન છોડી દેવાય નહિ, ઘણી વાર વારંવારની નિષ્ફળતા પછી અણધારી સફળતા મળે છે. તમારો અપ્રતિમ આત્મવિશ્વાસ તમને સફળતાનાં ઉચ્ચ શિખરોએ પહોંચાડશે.
સદાય હસતા રહો, આનંદમાં રહો. આનંદ જીવનને જીવંત રાખે છે. નિરાશા, હતાશા, ગમગીની, વિષાદ એ બધાંથી દૂર રહો એ જીવનને હણી નાખે છે. શરીરને શ્રમ પડે તેવી રમતો, ચાલવું, દોડવું, તરવું, વોલીબોલ, ક્રિકેટ વગેરેથી શરીર સુદ્રઢ થાય છે. ફક્ત પુસ્તકિયા કીડાની જેમ વાંચ્યા કરવું એ યોગ્ય નથી. તમને ગમતી કોઈ પણ રમત રમવી એ જરૂરી છે. ઇન્ડોર ગેમ કરતાં આઉટડોર ગેમ શરીરને તંદુરસ્ત બનાવવા વધુ ઉપયોગી છે.
થોડો સમય ટીવી જોવું પણ સારું છે એનાથી મનને આનંદ મળે, પરંતુ તેમાં ઝાઝો સમય જાહેરાતમાં વેડફાય છે અને ટીવી કાર્યક્રમ કેવો છે તેના પર મનોરંજનનો આધાર છે. ટીવી જોવાનું શરૂ કર્યા પછી તે સતત જોવાનું મન થાય છે. પરિણામે અભ્યાસનું વાંચન ઠેલાય છે. હોમવર્ક પૂરું ન થાય તો માનસિક બોજો વધે છે. સામાન્ય રીતે મનોરંજન માટે રમતગમતને શ્રેષ્ઠ કહી શકાય. તેનાથી સ્ફૂર્તિ વધે છે. વહેલા ઊઠીને વાંચીએ તો યાદ વધુ રહે કેમ કે સવારે ઊઠતી વખતે મન થાકેલું હોતું નથી. વળી વાતાવરણ ખૂબ શાંત હોય એ વાંચેલું યાદ રાખવામાં મદદરૂપ બને છે. મન સતત આનંદમય રહે છે. સતત આનંદમય રહેવાની ટેવ ઉત્તમ છે.
જે વિદ્યાર્થી પોતાના અભ્યાસમાં બેદરકાર હોય તેને જ પરીક્ષા વખતે ચોરી કરવા ફાંફાં મારવાં પડે છે. કોઈ ચોરી કરવા ન દે તો છરી બતાવવી પડે છે, ક્યારેક ખૂનની ધમકી દેવી પડે છે. આ રીતે તો તે પોતાની અભ્યાસ પ્રત્યેની બેકાળજી અને પોતાની નિષ્ફળતાનો ખુલ્લો એકરાર કરે છે. ઘણી વાર વડીલો પોતાના સંતાનને વધુ માર્ક મળે તે માટે લાગવગ અને લાંચનો આશરો લે છે. આ રીતે પરીક્ષામાં પાસ થઈ જવાય, ડિગ્રી મળે, પણ જ્ઞાન તો ન જ મળે. આવા યુવાનો સમાજ માટે ભારરૂપ છે. ચોરીના દૂષણને પ્રોત્સાહન ન અપાય, એમને આકરી શિક્ષા કરવી જ જોઈએ. જેને અભ્યાસમાં રસ ન હોય તેમને પરાણે ભણાવવાની જરૂર નથી, તેઓ ભલે જીવનમાં ઠોકર ખાય. આ દૂષણથી સાચા વિદ્યાર્થીઓને બહુ અન્યાય થાય છે. જો સમાજને સુધારવો હોય તો પરીક્ષામાં થતી ચોરીઓ અટકાવવા સરકારે બહુ કડક પગલાં લેવાં જ જોઈએ. દરેક બાબતમાં વધુ પડતું ઢીલું વલણ સમાજને પતન તરફ દોરી જશે.
દરેક માનવીના જીવનમાં તડકો, છાંયો આવે છે. સુખ, દુઃખ, ચડતી, પડતી, સફળતા, નિષ્ફળતા, લાભ, ગેરલાભ, યશ, અપયશ, માન, અપમાન વગેરે દ્વંદ્વો જીવનના ભાગરૂપ છે. આસાન પરિસ્થિતિમાં તો સૌ આનંદથી જીવે, એમાં કાંઈ નવું નથી. પરંતુ વિષમ પરિસ્થિતિમાં પણ આનંદથી જીવે, હસતાં હસતાં મુશ્કેલીઓનો સામનો કરે તેને જ સાર્થક જીવન કહી શકાય. ગીતાજીમાં સુખ અને દુઃખને સમાન ગણવાની વાત છે, યશ - અપયશ, લાભ - ગેરલાભમાં સમાન ભાવ રાખવાની વાત છે.
ક્રોધથી થતા નુકસાનની વાત છે. આમ ગીતાજી જીવન કઈ રીતે, સારી રીતે જીવવું એ સમજાવતું પુસ્તક છે. આનું આચરણ કરનાર વ્યક્તિને શ્રીકૃષ્ણ ભગવાને ‘‘સ્થિતપ્રજ્ઞ’’ કહીને બિરદાવેલી છે. આર્થિક મુશ્કેલી હોય તો સાદાઈથી જીવવું, કરકસરથી જીવવું પરંતુ કોઈની પાસેથી કાંઈ અપેક્ષા ન રાખીને ‘‘નિષ્કામ કર્મયોગી’’ બની પરમાત્માને ચરણે સંપૂર્ણ ‘‘આત્મ સમર્પણ’’ કરીએ એ જ ગીતા સંદેશ છે. આટલું સમજાઈ જાય તો વિદ્યાર્થીઓએ ગીતાજી વાંચવાની કે ગોખવાની જરૂર નથી. દરરોજ મંદિરે જવાની પણ જરૂર નથી.

૩૮. દીપાવલી

શ્રીકૃષ્ણ ભગવાનના સમયમાં દીપાવલીનો ઉત્સવ આજના જમાના અનુસાર ઊજવાતો હતો કે કેમ તેનો ક્યાંય ઉલ્લેખ હોય તો ખબર નથી. ગીતાજીમાં પણ એ બાબતનો ક્યાંય ઉલ્લેખ હોય તો ખબર નથી. શરદપૂર્ણિમાની રૂપેરી ચાંદનીના અદભુત અને પવિત્ર વાતાવરણમાં શ્રીકૃષ્ણ ભગવાન અનેક રૂપ ધારણ કરી, વાંસળીના સુમધુર સૂર રેલાવતાં દરેક ગોપી સાથે આત્મીયતાથી મહારાસ રમ્યા હતા એ અપ્રતિમ ભક્તિમય પ્રસંગનું વર્ણન શ્રીમદ્ ભાગવતમાં છે.
ગોપીઓ અને શ્રીકૃષ્ણનો એ રાસ કોઈ સામાન્ય માનવીના મિલન જેવો ન હતો, પણ એ તો આત્મા અને પરમાત્માના અવર્ણનીય મિલનનો અલૌકિક પ્રસંગ હતો. શક્ય છે કે ગોકુળમાં રહેતાં ગોપ, ગોપીઓએ આત્મા અને પરમાત્માના અદભુત મિલન સમા શરદોત્સવની પવિત્ર સ્મૃતિમાં જે ઉત્સવ મનાવ્યો હોય તે દીપાવલી હોય કેમ કે એ પ્રસંગ જ અવર્ણનીય આનંદનો હતો. એમાં વિષાદ કે ગમગીનીને સ્થાન ન જ હોય. જીવનની સામાન્ય ખુશાલીથી આપણે ઘણી વાર ખૂબ આનંદ અનુભવીએ છીએ તો જેને પરમાનંદ સ્વરૂપ શ્રીકૃષ્ણ ભગવાન સાક્ષાત્ મળ્યા હોય એના આનંદની સીમા ક્યાંથી હોય ?
એવી જ રીતે કહેવાય છે કે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો તેની ખુશીમાં જે ઉત્સવ ઊજવાયો તેને આપણે દશેરાના તહેવાર તરીકે આજે પણ ઊજવીએ છીએ. એ ઉત્સવ આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજય તરીકે ઊજવાય છે. ત્યાર બાદ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરી ભગવાન શ્રીરામ અયોધ્યા પાછા ફર્યા તેની ખુશાલીમાં અયોધ્યાના લોકોએ જે ઉત્સવ ઊજવ્યો તે દીપાવલી. ભગવાન શ્રીરામ અત્યંત લોકપ્રિય હતા.
તેઓ જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ હતા તેમ છતાં રાજ્યાભિષેકને બદલે તેમને ચૌદ વર્ષનો વનવાસ મળ્યો. પ્રજા અત્યંત નારાજ થઈ, પરંતુ પરિસ્થિતિનો અણધાર્યો પલ્ટો શ્રી રામે કોઈ કટુતા વિના સહજ ભાવે સ્વીકારી લીધો. ચૌદ વર્ષના વનવાસ પછી, પ્રજાના લાડીલા શ્રીરામ અયોધ્યા પાછા ફરતાં લોકોએ અત્યંત આનંદપૂર્વક જે ઉત્સવ ઊજવ્યો તે દીપાવલી. આસોપાલવનાં તોરણ બંધાયાં. મીઠાઈ વહેંચવામાં આવી. ઘેર ઘેર દીવા પ્રગટાવવામાં આવ્યા. લોકોએ પોતાનો આનંદ વ્યક્ત કર્યો.
ગીતાજીના દશમા અધ્યાય ‘વિભૂતિયોગ’માં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે : ‘‘શસ્ત્રધારીઓમાં શ્રીરામ હું છું.’’ સુખદુઃખને સમાન ગણવાની વાત શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીમાં કરી છે એ જ વાતનું તેમણે શ્રીરામ રૂપે પોતે આચરણ કર્યું છે. એ કોરો ઉપદેશ નથી. આમ શ્રીકૃષ્ણ અને શ્રીરામ એક જ છે એ વાત આપણે સમજી શકીએ તો દીપાવલીનો ઉત્સવ પરમાત્માના બંને અવતાર દરમિયાન ઊજવાયો એમ કહી શકાય. એ આનંદ અને ઉત્સાહનું પર્વ છે. દીપાવલીમાં વિષાદ કે ગમગીનીને ક્યાંય સ્થાન નથી.
શરદપૂર્ણિમાના બીજે દિવસે શ્રીકૃષ્ણ ભગવાન મથુરા ગયા. પછી તો કંસવધ કરી મથુરાનું રાજ્ય કબજે કરવાને બદલે શ્રીકૃષ્ણ ભગવાને તે કંસના પિતા ઉગ્રસેનને સોંપ્યું. ધર્મસંસ્થાપકે અપ્રતિમ ત્યાગનું આચરણ કરી ઉત્તમ દાખલો બેસાડ્યો. મથુરા ગયા પછી શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવને ગોકુળ મોકલ્યા અને વ્રજવાસીઓને શ્રીકૃષ્ણ વિરહમાં દુઃખી ન થવા તથા શોક ન કરવા સમજાવવા કહ્યું.
વ્રજમાં યશોદામૈયા, નંદરાય, રાધા તથા અન્ય ગોપગોપીઓની સ્થિતિ અવર્ણનીય હતી. કોઈની આંખમાં આંસુ ન હતાં, કોઈ ગમગીન ન હતું, ક્યાંય વિષાદ ન હતો. વિરહથી વ્યાકુળ થવાને બદલે અકલ્પનીય પાગલપન દરેકના વર્તનમાંથી છતું થતું હતું. કાંઈક અનેરી ઘેલછા નજરે પડતી હતી. શ્રીકૃષ્ણ ન હતા છતાં ગોપબાળકો શ્રીકૃષ્ણ પોતાની સાથે રમવા આવતા નથી તેવી ફરિયાદ કરતા હતા, ગોપીઓ કાનુડો પોતાને ઘેર છાનોમાનો આવીને માખણ ખાઈ ગયો તેવી ફરિયાદ કરતી હતી.
મા યશોદા શ્રીકૃષ્ણની ફરિયાદથી તંગ આવી જઈ તેને દોરીથી બાંધી દેવા દોરી શોધતાં હતાં. શ્રીકૃષ્ણ ગાયો ચરાવવા જાય ત્યારે યમુનામાં નાહવા ન પડે તો સારું, એવી ચિંતા નંદરાય કરતા હતા. રાધા એવી ફરિયાદ કરતી હતી કે શ્રીકૃષ્ણ વાંસળી કેમ વગાડતા નથી ? જ્યાં સુધી શ્રીકૃષ્ણ વાંસળી નહીં વગાડે ત્યાં સુધી હું તેની સાથે બોલીશ જ નહીં. વાંસળીના સુર વિના હું બેચેન થઈ જાઉં છું એમ કહી રાધા રિસાયેલી હતી.
કોઈએ ગજબ કહ્યું ‘‘ઉધો, આયો ઉધો, લેકીન ગયો સીધો.’’ ઉદ્ધવજી આવ્યા હતા આશ્વાસન દેવા,પણ અહીં તો કોઈને આશ્વાસનની જરૂર જ ન હતી. શ્રીકૃષ્ણને ભૂલીને મનને બીજાં કાર્યોમાં પરોવવાની વાત કરવા આવ્યા હતા, પરંતુ અહીં તો બધાં જ શ્રીકૃષ્ણમય હતાં. શ્રીકૃષ્ણ તો સર્વવ્યાપી છે, તેમની યાદમાં વિરહ વ્યાકુળ થવું યોગ્ય નથી એમ સમજાવવા આવ્યા હતા, પણ અહીં તો શ્રીકૃષ્ણ ગોકુળમાં જ છે તેમ લાગતું હતું. ઉદ્ધવજીને જ્ઞાન કરતાં હૃદયની શુદ્ધ ભક્તિ વધુ ચડિયાતી છે એવો અનુભવ થયો.
આપણા વિદ્વાન લેખક શ્રી હરીન્દ્રભાઈ દવેએ તેમના ‘‘માધવ ક્યાંય નથી.. ’’ પુસ્તકમાં ( પેજ નં.103) એક ગજબ વાત લખી છે. શ્રીકૃષ્ણે કંસવધ કર્યો તેથી મથુરાના લોકોને પોતાના ઉદ્ધારક તરીકે શ્રીકૃષ્ણ પ્રત્યે ખૂબ માન થયું. દરેક ઘરમાં શ્રીકૃષ્ણની મૂર્તિ પૂજાવા લાગી, પરંતુ એકે વ્યક્તિ એવી ન હતી જેના હૃદયમાં શ્રીકૃષ્ણની મૂર્તિ હોય. જ્યારે ગોકુળમાં કોઈ ઘરમાં શ્રીકૃષ્ણની મૂર્તિની પૂજા થતી ન હતી, પણ એકે વ્યક્તિ એવી ન હતી જેના હૃદયમાં શ્રીકૃષ્ણની મૂર્તિ ન હોય.......   આપણા ઘરમાં દીવાલ પર શ્રીકૃષ્ણ ભગવાનની છબી ન હોય તો વાંધો નહીં પરંતુ આપણા હૃદયમાં તો શ્રીકૃષ્ણ ભગવાનની છબી કાયમ અંકિત હોવી જ જોઈએ. તો આપણું હૃદય વૃંદાવન બની જાય.
શ્રીકૃષ્ણની મૂર્તિ જેમના હૃદયમાં કાયમ વસતી હોય તેમના આનંદની સીમા જ ન હોય ત્યાં કાયમ દીપાવલી ઉત્સવ જ હોય. સાચા સંતો કાયમ આનંદમાં જ રહેતા હોય છે. સુખ, દુઃખ, લોભ, મોહ, કામ, ક્રોધ એ કોઈ તેમને સતાવતાં નથી. આપણે જો કાયમ આનંદમાં રહેવું હોય તો શ્રીકૃષ્ણને શરણે રહેવું જોઈએ.
દીપાવલીની રાત્રે લક્ષ્મીપૂજનનો ખાસ મહિમા છે. દીપાવલીએ ફક્ત લક્ષ્મીજીની આરાધના કરીએ અને લક્ષ્મીજીના પતિ પરમાત્માની આરાધના ન કરીએ તો લક્ષ્મીજી નારાજ થાય એટલે જ દીપાવલી એ પ્રકાશનું પર્વ પણ છે. પ્રકાશ એ પરમાત્માનું જ નિરાકાર સ્વરૂપ છે. આપણે સૌ દીપ પ્રગટાવી અમાસનું અંધારું દૂર કરવા કોશિશ કરીએ છીએ. શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીમાં ૧૫મા અધ્યાયના ૧૨મા શ્લોકમાં કહ્યું છે :
‘‘યદાદિત્ય ગતં તેજો જગદભાસયતેખિલમ્,
યચ્ચન્દ્રમસિ યચ્ચાગ્નૌ, તત્તેજો વિધ્ધિ મામકમ્.’’ (ગીતા 15 - 12)
‘‘સૂર્યમાં રહેલું જે તેજ સંપૂર્ણ જગતને પ્રકાશિત કરે છે તથા જે તેજ ચંદ્રમાં અને અગ્નિમાં છે તેને તું મારું તેજ જાણ.’’
આમ વિશ્વમાં જે કાંઈ તેજ છે, તે પરમાત્માનું જ છે. પરમાત્મા તેજપુંજ છે. નાનકડા દીવાનું તેજ પણ પરમાત્માનું જ તેજ છે. નાનકડો દીવો પ્રગટાવવાથી અંધારું ભાગી જાય છે એ તો આપણો પોતાનો અનુભવ છે. અજ્ઞાનનું, ધનના લોભનું, વિકારનું અંધારું ભગાડવું હોય તો પરમાત્માની ઉપાસના જરૂરી છે. જીવનમાં આપણે જેને સર્વસ્વ માનીએ છીએ તે ધનથી વિમુખ થવાની, ધન તજીને દરિદ્ર થઈ જવાની વાત નથી.
હિંદુ શાસ્ત્ર પ્રમાણે લક્ષ્મીજી તો ભગવાન વિષ્ણુનાં પત્ની છે. પતિપત્ની વચ્ચે કોઈ મતભેદ નથી એટલે પરમાત્માની ઉપાસના કરી અજવાળું કરવા જતાં લક્ષ્મીજી રિસાઈને ચાલ્યાં જશે એવો ડર રાખવાની જરૂર નથી. પરમાત્માનું પૂજન એટલે લક્ષ્મીજીનો વિરોધ, એવું નથી. એટલે તો દીવાળીમાં ધનતેરસ અને લક્ષ્મીપૂજનનો ખાસ મહિમા છે. દિપાવલી એ પરમાત્મા અને લક્ષ્મીજી બન્નેનું પૂજન કરવાનો શુભ અવસર છે. એકલું પરમાત્માનું પૂજન કરીએ તો જીવન વ્યવહાર ચલાવવામાં મુશ્કેલી પડે. પરમાત્માને ભૂલીને એકલું લક્ષ્મીપૂજન કરીએ તો જીવન અંધકારમય બની જાય. આમ દિપાવલીના શુભ દિવસે પરમાત્મા અને લક્ષ્મીજી બંનેનું આરાધન કરવું જોઈએ.

૩૯. નૂતન વર્ષ

શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીમાં અનાસક્તિ યોગ પર ભાર મૂક્યો છે. અનાસક્તિ એટલે સ્વાર્થરહિતપણું. આપણાં તમામ કાર્યો આપણા સ્વાર્થ વિનાનાં હોવાં જોઈએ. સ્વનું નહિ, પણ સૌનું કલ્યાણ થાય એવી શુભ ભાવનાવાળાં હોવાં જોઈએ.
નૂતન વર્ષે આવી ઉમદા ભાવના આપણે વ્યક્ત કરીએ જ છીએ. આપણા સ્વજનોને દિવાળી કાર્ડ મોકલીને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. તેમનું જીવન સુખ, સમૃદ્ધિથી છલકાતું રહે, તેઓ યશસ્વી અને તંદુરસ્ત રહે એવી અનેક શુભેચ્છાઓ લખીએ છીએ. ભૂતકાળમાં થયેલી ભૂલોની ક્ષમા માગીએ છીએ. આ ખૂબ જ સુંદર પરંપરા છે. એનાથી જીવન જીવવા જેવું બને છે.
જૈન સમાજમાં તો પર્યુષણ પર્વ પછી, ‘‘મિચ્છા મિ દુક્કડમ્’’ શબ્દો દ્વારા પરસ્પરની ક્ષમા માગવાની અને પરસ્પરનું અભિવાદન કરવાની બહુ ઉત્તમ પ્રથા છે, પરંતુ એક વિદ્વાન જૈન મુનિશ્રીએ બહુ સરસ વાત કરીઃ ‘‘આ પ્રથા તો ખૂબ ઉત્તમ છે જ, પણ જેની સાથે તમારા સંબંધો સારા હોય, જેની સાથે કાંઈ મનદુઃખ ન હોય તેની ક્ષમા માગવાનો કોઈ અર્થ નથી. ગમે તે કારણે જેની સાથે સંબંધ સારા ન હોય તેની માફી માગવી જોઈએ. માફી માગવા માટે વિશાળ દિલ હોવું જોઈએ. માફી માગવાથી કોઈ નાનું બની જતું નથી.’’ એક સજ્જનને આ વાત સ્પર્શી ગઈ. મુનિશ્રીનું પ્રવચન સાંભળી સીધા પોતાના પુત્રને ઘેર ગયા. કોઈક મનદુઃખને કારણે પિતા પુત્ર વચ્ચે અબોલા હતા. પુત્રવધૂએ બારણું ખોલ્યું. સસરાને જોઈ નવાઈ લાગી. આવકાર ન આપ્યો. માત્ર ખસી જઈને પતિને વાત કરી. પુત્રે પણ પિતાને આવકાર ન આપ્યો. અપમાનને અવગણીને પિતા સીધા પુત્ર પાસે ગયા. પુત્રને પગે લાગી કહ્યું : ‘‘બેટા ! મને માફ કર. તું નાનો છે. તને નારાજ થવાનો હક્ક છે, પણ હું તો મોટો છું ને, મારે સમજવું જોઈએ.’’ પિતા પુત્રને પગે લાગે તો પણ પુત્ર ન પીગળે એવું બને જ નહીં. પુત્ર પિતાને વળગી પડ્યો. પગે લાગ્યો અને કહ્યું : ‘‘પિતાજી ! હું નાનો છું એ વાત મારે સમજવી જોઈએ. આપનું અપમાન થાય એવું કાંઈ મારે ન કરવું જોઈએ. મને માફ કરો.’’ પિતા પુત્ર વચ્ચેની કટુતા ધોવાઈ ગઈ.
પ્રસિદ્ધ સંત શ્રી સ્વામી આનંદે તેમના પુસ્તક ‘‘ધરતીની આરતી’’માં આવો જ એક પ્રસંગ નોંધ્યો છે. આલ્મોડામાં લાલા બદરીશા નામના સજ્જન રહેતા હતા. તેમના ભાઈનું અવસાન થયા બાદ તેમના ભત્રીજાને તેમણે પુત્રની જેમ ઉછેર્યો, પણ કાંઈક મનદુઃખ થતાં તે જુદો રહેવા ગયો. અબોલા થઈ ગયા. દર વખત સ્વામીજી લાલા બદરીશાને ઘેર ઊતરતા. એક વાર તેઓ ભત્રીજાને ઘેર ઊતર્યા. લાલાજીને ખબર પડી.તેમને નવાઈ લાગી. સ્વામીજીને મળવા જવાનું વિચાર્યું પણ ભત્રીજાને ઘેર જવું ગમતું ન હતું. કાંઈક વિચારી તેઓ ગયા. ભત્રીજાને ઘેર કોઈએ આવકાર ન આપ્યો, અપમાન લાગ્યું, તેમ છતાં તેની દરકાર ન કરી તેઓ ઘરમાં ગયા. સ્વામીજીને વંદન કરી તેઓ વાતો કરવા લાગ્યા. થોડી વારમાં એક બાળક આવીને તેમના ખોળામાં બેસી ગયો. પ્રેમથી માથે હાથ ફેરવતાં ફેરવતાં ખિસ્સામાંથી કાજુ, બદામ, દ્રાક્ષ કાઢી બાળકનો નાનકડો ખોબો ભરી દીધો. ઘરમાં સૌને નવાઈ લાગી. કાકા ઘેર ગયા છે તે વાત જાણી ભત્રીજો તરત ઘેર આવ્યો. પહેલાં એમ થયું કે કાંઈક ઝઘડો કરવા આવ્યા હશે, પણ વર્ષોથી અબોલા હતા એટલે ઝઘડાનું કોઈ કારણ ન હતું. ઘરનું વાતાવરણ જોતાં આશ્ચર્ય થયું. દોડીને કાકાને વળગીને ભત્રીજો ખૂબ રોયો. કાકાની આંખો પણ આંસુથી ભીંજાઈ ગઈ. કડવાશ બધી ધોવાઈ ગઈ.
નૂતન વર્ષે વેપારીઓ આગલા વર્ષનું સરવૈયું જોઈ જાય છે. કેટલો નફો થયો ? કેટલી ખોટ ગઈ ? તેનાં કારણો શું ? એ બધું વિગતવાર તપાસે છે. ફરીથી ખોટ ન જાય તેની ખાસ કાળજી રાખે છે. કંપની મોટી હોય તેઓ જાતે સરવૈયું ન કાઢે તો પણ ચાર્ટર એકાઉન્ટન્ટની મદદથી સરવૈયું કઢાવે છે. જો ખોટ જતી હોય તો જરૂરી પગલાં તો માલિકે પોતે જ લેવાં પડે. આ તો થઈ આર્થિક સરવૈયાની વાત, પરંતુ ધન સર્વસ્વ નથી. જીવન તેનાથી વિશેષ મહત્વનું છે.
નૂતન વર્ષે આપણે જીવનનું સરવૈયું કાઢવું જોઈએ. આપણને ન આવડે તો કોઈ સંતની મદદ ઉપયોગી થઈ શકે. ગત વર્ષ દરમિયાન કંઈ એવું તો નથી બન્યુંને કે જેનાથી જીવનને નુકસાન થાય ? આપણું જીવન અધોગતિ તરફ જાય છે કે ઉન્નતિ તરફ ? એ તો આપણે તપાસવું જ જોઈએ. અનેક મહાનુભાવોએ પોતાના જીવનનાં સરવૈયાં તપાસીને જીવન પલટાવી નાખ્યાં છે.
એક અત્યંત વિદ્વાન અને તેજસ્વી બ્રાહ્મણપુત્રને કોઈક કારણોને લીધે માનવ જાત પ્રત્યે ભયાનક નફરત થઈ ગઈ. જે કોઈ મળે તેની ઘાતકી હત્યા કરી તેનાં આંગળાંઓની માળા પહેરવાનું તેણે શરૂ કર્યું. લોકો તેને ‘‘અંગુલિમાલ’’ કહી તેના નામથી ધ્રૂજતા. એક વાર ભગવાન બુદ્ધ જંગલમાં શાંતિથી ચાલ્યા જતા હતા ત્યાં અંગુલિમાલ ઊભો હતો. તેણે પડકાર કર્યો : ‘‘એ સાધુ ! ઊભો રહે.’’ બુદ્ધે ચાલતાં ચાલતાં પરમ શાંતિથી કહ્યું : ‘‘હું તો ઊભો છું, તું ઊભો રહે.’’ અંગુલિમાલને આશ્ચર્ય થયું. પોતે ચાલે છે છતાં કહે છે કે હું ઊભો છું અને મને સ્થિર ઊભેલાને ઊભો રહેવા કહે છે. તેણે મનમાં વિચાર્યું ‘‘સાધુ અસત્ય ન બોલે.’’ તેણે તોછડાઈને બદલે વિનમ્રતાથી પૂછતાં ભગવાન બુદ્ધે કહ્યું ‘‘હું ચાલું છું અને તું ઊભો છે એ તો બાહ્ય ક્રિયા છે. અહિંસાને કારણે મારું મન શાંત છે, પરંતુ અકારણ હિંસાને કારણે તારું મન અશાંત છે. તારે સ્થિર થવાની જરૂર છે.’’ અંગુલિમાલે એક પાંદડું તોડી કહ્યું : ‘‘હત્યા કરવી એ મારે માટે પાંદડું તોડવા જેવી રમત છે.’’ બુદ્ધે એ પાંદડું ફરીથી વૃક્ષ સાથે જોડવાનું કહેતાં તેણે અશક્તિ બતાવી. બુદ્ધે ફરીથી કહ્યું : ‘‘જે પાંદડું તું જોડી ન શકે એ તોડવાનો તને અધિકાર નથી. જો કોઈ માનવીને જીવન આપી ન શકે તો તેની જિંદગી છીનવી લેવાનો તને અધિકાર નથી.’’ પોતાના જીવનનું સરવૈયું ખામીવાળું છે એ સમજાતાં અંગુલિમાલે હિંસા તજી દીધી. તેઓ બૌદ્ધ સાધુ બની ગયા.
હિંદુ શાસ્ત્રનો આદર્શ ગ્રંથ ‘‘રામાયણ’’ના રચયિતા વાલ્મીકિ પણ અગાઉ લૂંટારા હતા. સંત તુલસીદાસ પોતાની પત્ની પ્રત્યે વધુ આસક્ત હતા. ભક્ત સુરદાસ પણ મોહાંધ હતા, પણ જીવનનું સરવૈયું તપાસતાં પોતાના દોષ સમજાતાં, કોઈક શુભ દિવસે તેમણે સૌએ નૂતન વર્ષ શરૂ કર્યું. તેઓ ભવસાગર તરી ગયા. કોઈને રામ મળ્યા, કોઈને કૃષ્ણ મળ્યા. નૂતન વર્ષે ભક્ત સુરદાસજીની જેમ આપણે પણ પ્રભુને પ્રાર્થના કરીએ :
‘‘નૈનહીન કો રાહ દીખા પ્રભુ ! પગ પગ ઠોકર ખાઉં મૈં,
ચહું ઓર મેરે ઘોર અંધેરા, ભૂલ ન જાઉં દ્વાર તેરા,
એક બાર પ્રભુ ! હાથ પકડ લો, એક બાર પ્રભુ ! હાથ પકડ લો...’’

ભક્તની ભગવાનને પ્રાર્થના
તૂ દયાલુ, દીન હૌં, તૂ દાની, હૌં ભિખારી,
હૌં પ્રસિદ્ધ પાતકી, તૂ પાપપુંજહારી...
નાથ તૂ અનાથ કો, અનાથ કૌન મો સો,
મો સમાન આરત નાહીં, આરતહર તો સો...
બ્રહ્મ તૂ હો, જીવ હૌં, ઠાકુર તૂ, હૌં ચેરો,
માત, તાત, ગુરૂ, સખા તૂ, સબ વિધિ હી તૂ મેરો...
તોરે મોરે નાતે અનેક, માનીયે જો ભાવૈ,
જ્યોં ત્યોં તુલસી, કૃપાલુ ! ચરણ શરણ પાવૈ...
- ભક્તકવિ શ્રી તુલસીદાસજી

૪૦. અશાંતને સુખ ક્યાંથી ?


શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના બીજા અધ્યાય સાંખ્યયોગના 66મા શ્લોકમાં એક ગજબ વિધાન કર્યું છે :– "અશાન્તસ્ય કુત: સુખમ્ ?"             
એક સજ્જને કહ્યું કે આ અદભૂત વિધાન વિષે આપણે કાંઈક વધુ વિચારીએ તો? ગીતાજી વિષે તો જેટલું વિચારીએ તેટલું ઓછું ગણાય. ગીતાજીને જ્ઞાનસાગર કહી શકાય. તેમાં એક એકથી ચડીયાતાં અનેક રત્નો છે. કહેવાય છે કે મરજીવાઓ મહાસાગરમાં અવાર નવાર ડૂબકી મારી મહામૂલાં મોતી વીણી લાવતા હોય છે. આપણે પણ ગીતાજી અવાર નવાર વાંચીએ તો આપણને પણ મહામૂલાં મોતી મળે.
ગીતાજીમાં પરમાત્માએ અમર આત્મા અને નાશવંત શરીર વિષે સમજાવ્યું. મૃત્યુનો શોક કરવો ઉચિત નથી એ સમજાવ્યું. ઈચ્છાઓ જ સુખ દુખનું કારણ હોવાથી તેને તજવા સમજાવ્યું. ક્રોધની ભયાનક અસરો સમજાવી તેને તજવા કહ્યું. કર્મ, જ્ઞાન અને ભક્તિયોગનો અર્થ આપણને સમજાવ્યો. સાત્વિક દાન અને ઉત્તમ જીવન વિષે સમજાવ્યું અને છેલ્લા અધ્યાયમાં બધું છોડીને પરમાત્માને શરણે જવા કહ્યું. આ બધા જીવન ઉપયોગી ઉપદેશ પછી પણ, તેને આંખ બંધ રાખીને અનુસરવા નથી કહ્યું પરંતુ  શાંત ચિત્તે વિચારીને યોગ્ય લાગે તો તેનું આચરણ કરવા કહ્યું છે.
 ગીતાજીનું ગહન જ્ઞાન આપણને કદાચ ન સમજાય પરંતુ આપણા ઈતિહાસમાં નોંધાયેલા બનાવો કે અખબારમાં છપાતા સમાચારોને આધારે વિચારવાનું કાંઈક સરળ થઈ પડે.
 ઈતિહાસમાં મહાન સમ્રાટ સિકંદરનું નામ આપણે વાંચેલું છે. લખલૂંટ ધન ભેગું કરવાની લાલસાને કારણે તેણે ભારત પર આક્રમણ કર્યું. અનેક રાજાઓને હરાવીને પુષ્કળ ધન ભેગું કર્યું. ભારતના કોઈ પરમ સંત વિષે તેણે સાંભળ્યું. સામાન્ય સાધુ કરતાં પોતે કેટલો બધો ચડીયાતો છે, મોટા મોટા મહારાજાઓ તેને માથું નમાવે છે એવું પ્રદર્શન કરવાની ઈચ્છાથી તેણે સાધુને પોતાના મહેલે આવવા નિમંત્રણ મોકલ્યું. સાધુ તો વિરક્ત મહાત્મા હતા. તેમને કોઈ જ ઈચ્છા ન હતી. તેમણે આમંત્રણ ન સ્વીકારતાં સિકંદરને અપમાન લાગ્યું. છેવટે સિકંદર તેમને મળવા ગયો. પોતે એક મહાન વિજેતા છે એ વાત દુભાષિયા મારફત સમજાવી. મહાત્માએ પૂછ્યું – તમારા દેશમા વરસાદ નથી પડતો ? અનાજ નથી પાકતું ? જો બે ટંક ભોજન મળી રહેતું હોય તો, લાખો લોકોનો નિરર્થક સંહાર કરવાની શું જરુર ? સિકંદરને કાંઈક સમજાણું. તેણે સાધુને કાંઈક માગવા વિનંતિ કરી. મહાત્માએ ના પાડી. ધનની નિરર્થકતા સમજાતાં સિકંદર ભારત છોડીને પોતાને દેશ ચાલ્યો ગયો.
 જીવનના અંતિમ દિવસોમાં બધા વૈદો, હકીમોને બોલાવી ગમે તે ભોગે પોતાને બચાવવા સિકંદરે કહ્યું. પણ તે શક્ય ન બનતાં તે ખૂબ નિરાશ થઈ ગયો. કહેવાય છે કે તેણે તેના અંગત સ્વજનોને કહ્યું કે મારો જનાજો આ બધા વૈદો, હકીમો પાસે ઉપડાવજો અને મારા જનાજા બહાર ખુલ્લા હાથ રાખજો. ગમે તેટલું ધન કે વૈદ, હકીમ માનવીને બચાવી શકતા નથી.
 "જે બાહુબળથી મેળવ્યું, તે ભોગવી પણ ના શક્યો,
અબજોની મિલ્કત આપતાં પણ, એ સિકંદર ના બચ્યો."
 આવી જ એક બીજી ઘટના ઈતિહાસમાં નોંધાયેલી છે. દિલ્હીમાં મોગલ સલ્તનતના છેલ્લા શહેનશાહ બહાદુરશાહ ઝફરનું રાજ્ય હતું. અંગ્રેજ રાજ્ય વિરુધ્ધના 1857ના બળવામાં બહાદુરશાહ બળવાખોરોને મદદ કરે છે તેવી બાતમી મળતાં, અંગ્રેજોએ  તેમને કેદ કરી રંગુન (બર્મા ) મોકલી દીધા. પોતાને ફરીથી ભારત મોકલવા અંગ્રેજોને તેમણે વારંવાર વિનંતિ કરી. પરંતુ કોઈએ તે ન સાંભળી. પોતાનું મૃત્યુ નજીક છે તેમ લાગતાં તેમના દેહની દફનવિધિ ભારતના કોઈ કબ્રસ્તાનમાં કરવા વિનંતિ કરી તે પણ ન સ્વીકારાઈ તેથી એકદમ હતાશ થઈ તેમણે લખ્યું :
 "કિતના હૈ બદનશીબ ઝફર, દફનકે લિયે,
દો ગજ જમીં ભી ન મીલી કોઈ દયારમેં..."
એક શહેનશાહની સામાન્ય અતિમ ઈચ્છા પણ પૂરી ન થઈ.
 હમણા હમણાં અખબારમાં એક મહાઠગ વિષે રોજ લખાય છે. નિર્દોષ માનવીઓને ભોળવીને એકના ત્રણ ગણા કરી દેવાની લાલચ આપી તે નરાધમે રુ.1800 કરોડનું કૌભાંડ કર્યું. દિકરીના લગ્ન માટે ભેગી કરેલી મૂડી  કે માતા પિતાની સારવાર માટે ભેગી કરેલી મૂડી આ મહાઠગની લાલચમાં આવી લોકોએ તેને રોકાણ તરીકે આપી. કદાચ શહેનશાહ બહાદુરશાહ ઝફરની જેમ તેને દફન કે દહન માટે કદાચ બે ગજ જમીન નહીં મળે એવા ડરથી તેણે બહુ મોટી જમીનના સોદા પોતાને નામે કરી લીધા. કરોડો રુપીયાના સોનાના અલંકારો તેની પાસે છે. પરંતુ ગમે તે કારણે તેનું કૌભાંડ ખુલ્લું પડી ગયું. અત્યારે તે જેલના સળીયા ગણે છે, અને છૂટવા ફાંફાં મારે છે.
સૌ સુખ માટે હવાતીયાં મારે છે, પણ તે હાથતાળી દઈને ભાગી જાય છે.  ગમે તેટલું ધન સુખ આપી શકતું નથી. એ સમજવા છતાં ધન તરફની આંધળી દોટ ચાલુ જ રહે છે. તે ન સંતોષાતાં અશાંતિ સર્જાય છે. અશાંત માનવીને સુખ મળતું નથી એ સનાતન સત્ય તો ખુદ પરમાત્માએ આપણને સમજાવ્યું છે.
આ જ અધ્યાયમાં શ્લોક નં. 70 માં આવું જ બીજું ગજબ કથન છે કે :- "સ: શાંતિમ્ આપ્નોતિ ન કામકામી..."
ધન કે વિષયોની ઈચ્છા રાખનારાને શાંતિ મળતી નથી. પરમાત્માએ અધ્યાય નં. 6માં ધ્યાન માટે ખૂબ ભાર દીધો છે, એ ભૂલવા જેવું નથી. ધ્યાન દ્વારા પરમ શાંતિ મેળવવાની વાત આપણે પ્રકરણ 14માં વાંચેલી છે. એ અનુભવવા જેવું છે.

Next